પાલઘરમાં ધરપકડથી બચવા ઘરેલુ ​હિંસાના આરોપીએ પોલીસ પર દેશી બૉમ્બ ફેંક્યો

01 January, 2020 02:04 PM IST  |  Mumbai | Samiullah Khan

પાલઘરમાં ધરપકડથી બચવા ઘરેલુ ​હિંસાના આરોપીએ પોલીસ પર દેશી બૉમ્બ ફેંક્યો

ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં પકડાયેલા અને ત્યાર બાદ જામીન પૂરા થઈ જવા છતાં હાજર ન થનાર ૩૭ વર્ષના આરોપીને જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે તેણે પોલીસની એન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડની ટીમ પર જ દેશી બૉમ્બ ફેંક્યો હોવાની ઘટના પાલઘરમાં મંગળવારે બની હતી. જોકે એ ઘટનામાં કોઈ ઘાયલ થયું નહોતું. આરોપી બીજો બૉમ્બ ફેંકે એ પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો.

પાલઘર જિલ્લાના ખોષ્ટે ગામમાં રહેતા સંતોષ યશવંત શેંડે સામે તેની પત્નીએ મારઝૂડની અને ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ નોંધાવતા ૩ વર્ષ પહેલાં તેની ધરપકડ કરાઈ હતી અને તેને જેલમાં મોકલી દેવાયો હતો. ત્યાર બાદ તેના મિત્ર નારાયણ બેંડગાએ તેના માટે જામીન તરીકે ઊભા રહી ખાતરી આપતા એ બહાર આવ્યો હતો. જોકે એ પછી પણ એ સુનાવણીમાં હાજર ન રહેતા આખરે કોર્ટે બેંડગાને સમન્સ મોકલાવ્યું હતું. એથી બેંડગાએ જામીન પાછા ખેંચી લીધા હતા. એથી ગિન્નાયેલા સંતોષે નારાયણ બેંડગાની જ મારઝૂડ કરતાં તેને સારવાર લેવી પડી હતી.

આ પણ વાંચો : બ્લૅક મૅજિકથી પૈસાનો વરસાદ કરવાના નામે છેતરપિંડી કરતી ગૅન્ગ ઝડપાઇ ગઇ

નારાયણ બેંડગાએ એથી તેની સામે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ટીમ જ્યારે મંગળવારે તેને પકડવા તેના ઘરે ગઈ ત્યારે તેણે પોલીસ પાર્ટી પર દેશી બૉમ્બ ફેંક્યો હતો. જોકે તેનાથી કોઈને ઈજા થઈ નહોતી, એ બીજો બૉમ્બ ફેંકે એ પહેલાં ઘરમાં ઘૂસી તેને ઝડપી લીધો હતો.

samiullah khan mumbai mumbai news