Paytmના અકાઉન્ટમાં KYC કરાવવાના બહાને 90000 રૂપિયા સેરવી લેવામાં આવ્યા

27 December, 2019 02:58 PM IST  |  Mumbai | Anurag Kamble

Paytmના અકાઉન્ટમાં KYC કરાવવાના બહાને 90000 રૂપિયા સેરવી લેવામાં આવ્યા

સંકેતકુમાર શર્મા

લખનઉમાં રહેતા સંકેતકુમાર શર્મા ઑક્ટોબરથી તેમના ૧૧ વર્ષના દીકરા અવેજની બ્લડ કૅન્સરની સારવાર માટે મુંબઈની તાતા હૉસ્પિટલમાં આવ્યા છે. તેઓ હાલમાં પરેલની એક ધર્મશાળામાં રહે છે. મંગળવારે સાઇબર ક્રાઇમ કરતા એક ગઠિયાએ તેમને છેતરીને તેમના અકાઉન્ટમાંથી ગણતરીની મિનિટમાં ૯૦,૦૦૦ રૂપિયા કઢાવી લીધા હતા, જેને કારણે પરિવાર કફોડી હાલતમાં મુકાઈ ગયો છે.

મંગળવારે અવેજની કીમો થેરપી કરાવવાની હતી એથી તેઓ તેને લઈને હૉસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે પહેલાં તેમને મેસેજ આવ્યો કે તમે પેટીએમમાં તમારું કેવાયસી અપડેટ નથી કરાવ્યું એથી તમારાં ટ્રાન્ઝૅક્શન બ્લૉક થઈ શકે છે. એ પછી તેમને ગઠિયા તરફથી ફોન આવવા માંડ્યા હતા. આખરે તેમણે સામે ફોન કરીને પૂછ્યું ત્યારે ગઠિયાએ કહ્યું કે હું તમને ઍપની લિન્ક મોકલું છું એના પર તમારી કેવાયસીની ડીટેલ ભરો. ત્યાર બાદ તેમને ક્વિક સપોર્ટ નામના ઍપની લિન્ક મોકલાઈ હતી, જેમાં તેમણે ડીટેલ ભરી હતી. ત્યાર બાદ તેમને અકાઉન્ટ ઍક્ટિવેટ રાખવા પેટીએમ અકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવાનું કહ્યું. તેમણે ૧૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા. પછી બીજી બૅન્કના અકાઉન્ટમાંથી રૂપિયા જમા કરાવવાનું કહેતાં તેમણે માત્ર એક રૂપિયો ટ્રાન્સફર કર્યો હતો. એ પછી તેમને કહેવામાં આવ્યું કે તમે તમારા અકાઉમન્ટમાં જે રકમ ડિપોઝિટ રાખવા માગતો હો એ રાખી શકો છો. એથી તેમણે કટોકટીમાં કામ આવે એ હેતુથી પેટીએમના વૉલેટમાં ૨૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. થોડી જ વારમાં તેમના અકાઉન્ટમાંથી ૬૩,૯૮૫, ૨૫,૦૯૫ અને ૧૪૦૦ મળીને કુલ ૯૦,૪૮૦ રૂપિયા સેરવી લેવામાં આવ્યા હતા.

તરત જ સંકેતકુમાર શર્મા ભોઈવાડા પોલીસ-સ્ટેશન દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડી અને આઇટી ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે હાલમાં તો મામુલી મૂડી નીકળી જતાં શર્માપરિવાર ભીડમાં આવી પડ્યો છે અને સારવારનો તથા દવા સહિત રહેવા-ખાવાનો ખર્ચ કઈ રીતે કાઢવો એની ચિંતા તેમને સતાવી રહી છે.

anurag kamble mumbai lucknow indian penal code mumbai crime news mumbai news