ભુજ એક્સપ્રેસની મહિલા પ્રવાસીની હત્યાનો આરોપી ઝડપાયો

07 January, 2020 11:25 AM IST  |  Mumbai | Vishal Singh

ભુજ એક્સપ્રેસની મહિલા પ્રવાસીની હત્યાનો આરોપી ઝડપાયો

આરોપીની ધરપકડ બાદ પત્રકાર-પરિષદમાં જીઆરપી કમિશનર રવીન્દ્ર સેનગાવકર. તસવીર : પ્રદીપ ધિવાર.

ગુજરાતથી આવતી ટ્રેનોમાં એકલી પ્રવાસ કરતી મહિલાઓને ટાર્ગેટ કરી તેમને લૂંટી લેનાર તથા એક મહિલાએ પ્રતિકાર કરી તેને લાફો ઝીંકી દેતાં તેની હત્યા કરનાર કલવામાં રહેતા ૪૫ વર્ષના મોહમ્મદ અસ્લમ શેખને દાદર જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)એ ઝડપી લીધો છે.

ભુજથી ૪૦ વર્ષનાં દરિયાબાઈ ચૌધરી ૨૦૧૮ની ૭ ડિસેમ્બરે મુંબઈમાં રહેતી તેમની નાની બહેનને મળવા આવી રહ્યાં હતાં ત્યારે તેમની અસ્લમે હત્યા કરી હતી. ટ્રેન જ્યારે બોરીવલી પહોંચી ત્યારે લેડીઝ કમ્પાર્ટમેન્ટમાંની બધી મહિલા પ્રવાસીઓ ઊતરી ગઈ હતી અને એકમાત્ર દરિયાબાઈ જ મુંબઈ સેન્ટ્રલ ઊતરવાનાં હોવાથી તેઓ ડબ્બામાં એકલાં રહી ગયાં હતાં. અસ્લમે તેમને એકલાં જોઈને તક ઝડપી લીધી હતી. તેણે દરિયાબાઈનાં પર્સ અને ઘરેણાં ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ દરિયાબાઈએ લૂંટારાનો સામનો કર્યો હતો અને તેને એક લાફો ઠોકી દીધો હતો. ગિન્નાયેલા અસ્લમે તેની પાસે રહેલા ચાકુથી હુમલો કરી તેમની હત્યા કરી હતી અને ઘરેણાં તથા પર્સ લઈને નાસી ગયો હતો.

ચોરીની એ પછીની ઘટના ૨૦૧૯ની ૧૩ નવેમ્બરે બની હતી, જેમાં પાલઘરથી એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ આવી રહેલાં ૬૦ વર્ષનાં માનસી કેળકરનો મોબાઇલ અને પર્સ અસ્લમ ઝૂંટવીને નાસી ગયો હતો. એ પછી અસ્લમે ૧૪ ડિસેમ્બરે ગુજરાત મેલમાં મુંબઈ આવી રહેલી દિવ્યાંગ મહિલાને ટાર્ગેટ કરી હતી. અસ્લમ દિવ્યાંગના ડબ્બામાં ચડી ગયો હતો અને એકલી પ્રવાસ કરી રહેલી મહિલાને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. એ મહિલાએ પ્રતિકાર કરતાં આખરે અસ્લમે તેને ટ્રેનમાંથી નીચે ધકેલી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી એ મહિલા નાયર હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

ચોરીના આ બે કેસ પછી પોલીસે ચોરને ઝડપી લેવા માટે ખાસ ટીમની રચના કરી હતી. એ ટીમ દ્વારા દરિયાબાઈ ચૌધરીના કેસ વખતના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ ચેક કરાયાં હતાં, જેમાં એક વ્યક્તિ (અસ્લમ) કૅપ અને જૅકેટ પહેરીને જતો જોવા મળ્યો હતો. બે-ત્રણ દિવસ પહેલાં અસ્લમ ફરી દાદર સ્ટેશને એવા જ પહેરવેશમાં દેખાતાં જીઆરપીની ટીમે તેને ઝડપી લીધો હતો. તેની સઘન પૂછપરછ કરતાં તેણે બધા ગુના કબૂલી લીધા હતા.

જીઆરપી કમિશનર રવીન્દ્ર સેનગાવકરે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે અસ્લમ દર વખતે કૅપ અને જૅકેટ બદલતો રહેતો હતો એથી તેને ઓળખી શકાતો નહોતો. તે ખાસ કરીને ગુજરાત તરફથી આવતી ટ્રેનોમાં એકલી પ્રવાસ કરતી મહિલાઓને ટાર્ગેટ કરતો, કારણ કે બોરીવલીમાં મોટા ભાગની ટ્રેન ખાલી થઈ જતી એટલે તે બોરીવલીમાં ચડી જતો અને દાદર સુધીમાં એ મહિલાને લૂંટી લેતો હતો. અસ્લમને આ પહેલાં લૂંટના એક કેસમાં ૯ વર્ષની સજા થઈ હતી, પણ તે એક વર્ષ વહેલો એટલે કે ૨૦૧૮ની ૧ ઑગસ્ટે કોલ્હાપુરની જેલમાંથી છૂટી ગયો હતો. એ પછી તેણે ૨૦૧૮ની ૭ ડિસેમ્બરે દરિયાબાઈને લૂંટીને તેમની હત્યા કરી હતી.

Crime News mumbai crime branch mumbai crime news mumbai news