હૉસ્પિટલમાંથી ચોરાયેલા નવજાત શિશુને પોલીસે 7 કલાકમાં શોધી કાઢ્યું

15 June, 2019 11:31 AM IST  |  મુંબઈ | અનુરાગ કાંબળે

હૉસ્પિટલમાંથી ચોરાયેલા નવજાત શિશુને પોલીસે 7 કલાકમાં શોધી કાઢ્યું

શીતર સાલવી

ગુરુવારે મધ્ય મુંબઈમાં આવેલી સરકારી નાયર હૉસ્પિટલમાંથી ચોરાયેલા પાંચ દિવસના નવજાત બાળકને પોલીસે માત્ર સાત કલાકમાં શોધી કાઢી બાળકને ચોરનારી મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરી તે સમયે બાળકને ચોરનારી મહિલા હેઝલ કોરિયા સાંતાક્રુઝમાં વાકોલા નજીક આવેલી વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ હતી.

અગ્રીપાડા પોલીસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કિડનેપર મહિલાની પૂછપરછ કરતાં જણાયું હતું કે તેનો પતિ તેના પર બાળક માટે દબાણ કરી રહ્યો હતો પરંતુ ર્હોમોનલ ફેરફારને કારણે તેને બાળક થઈ શકે એમ નહોતું. ૨૦૧૮ના ઑક્ટોબરમાં તેણે પોતે ગર્ભવતી હોવાના સમાચાર પતિને આપ્યા હતા એ સાંભળી પતિ રાજીના રેડ થઈ ગયો હતો, બસ ત્યારથી જ એટલે કે લગભગ છેલ્લા સાત મહિનાથી તે પતિ સામે ગર્ભવતી હોવાનું નાટક કરી રહી હતી.’

વિરારની રહેવાસી હેઝલ કોરિયાએ ગુરુવારે સાંજે નાયર હૉસ્પિટલના વોર્ડ નંબર સાતમાંથી નવજાત બાળકને ઉઠાવ્યું હતું. હેઝલ શંકા ન જાય એ માટે વોર્ડના અન્ય પેશન્ટ સાથે વાત કરી રહી હતી તે સમયે આ બાળક અને તેની માતા શીતર સાલવી સૂઈ રહ્યાં હતાં. લાગ જોઈને હેઝલે બાળકને તેની સાથેની કાળી બૅગમાં નાખીને ચાલતી પકડી. હૉસ્પિટલના દરવાજા પાસે તેણે બાળકને બૅગમાંથી બહાર કાઢી ટૅક્સી પકડી અને પલાયન થઈ ગઈ હતી.

આ પણ વાંચો : મુંબઈ: મલાડના કચ્છી યુવાને શું કામ જીવન ટૂંકાવ્યું?

ઘટનાની જાણ થતાં જ હૉસ્પિટલનું તંત્ર સાબદું થઈ ગયું અને તમામ સ્થળોએ મહિલાના ફોટો સાથે માહિતી મોકલવામાં આવી. દરમિયાન વાકોલા પોલીસ સ્ટેશનમાંથી પાંચ દિવસના બાળક સાથે કોઈ મહિલા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ હોવાની જાણ થતાં અગ્રીપાડા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ હેઝલની ધરપકડ કરી બાળક તેના માતા-પિતાને સોંપ્યું હતું.

nair hospital Crime News mumbai police mumbai crime news anurag kamble