રાજેશ મારુના પરિવારને બે દિવસમાં દસ લાખ ચૂકવી દો: બૉમ્બે હાઈ કોર્ટ

19 November, 2019 08:17 AM IST  |  Mumbai | Arita Sarkar

રાજેશ મારુના પરિવારને બે દિવસમાં દસ લાખ ચૂકવી દો: બૉમ્બે હાઈ કોર્ટ

રાજેશ મારુના મમ્મી અને પપ્પા

ગયા વર્ષે નાયર હૉસ્પિટલમાં એમઆરઆઇ મશીનમાં ફસાઈ ગયા બાદ મોતને ભેટનારા રાજેશ મારુના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ મળ્યો હોવા છતાં મહાનગરપાલિકાએ બૉમ્બે હાઈ કોર્ટના આદેશનું પાલન નથી કર્યું. મારુના કાનૂની વકીલે અનાદરની પિટિશન ફાઇલ કરી હતી અને હાઈ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને બે દિવસમાં ૧૦ લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.

ગયા સપ્ટેમ્બર મહિનામાં જસ્ટિસ અકિલ કુરેશી અને એસ. જે. કાથાવાલાની ડિવિઝન બેન્ચે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને વચગાળાના વળતર તરીકે રાષ્ટ્રીયકૃત બૅન્કમાં પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પેટે ૧૦ લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ રકમનું વ્યાજ નિયમિત રીતે મારુનાં માતા-પિતાને ચૂકવવામાં આવશે, કારણ કે તે તેના પરિવારનો એકમાત્ર કમાનારો સભ્ય હતો. આદેશ જારી કરવામાં આવ્યો એનાં ૬ સપ્તાહની અંદર બીએમસીએ રકમ જમા કરાવવાની હતી.

૨૯ ઑક્ટોબર સુધીમાં નાણાં જમા કરવામાં નિષ્ફળ જનાર બીએમસીએ હાઈ કોર્ટના આદેશનું પાલન નથી કર્યું એ જણાવતી અનાદરની પિટિશનની પ્રતિક્રિયામાં મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરતા જોઆકિમ રીસે જણાવ્યું હતું કે બીએમસીએ હાઈ કોર્ટના આદેશ સામે અપીલ કરી છે અને એણે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન દાખલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ મામલાની સુનાવણી હાથ ધરાવાની બાકી છે અને તેઓ સર્વોચ્ચ અદાલતમાંથી સ્ટેના ઑર્ડરની અપેક્ષા સેવી રહ્યા છે.

શું હતો બનાવ?

ગયા વર્ષે જાન્યુઆરીમાં રાજેશ મારુ નાયર હૉસ્પિટલમાં બીમાર સગાને જોવા ગયો હતો અને ત્યારે તે અજાણતાં ઑક્સિજન સિલિન્ડર સાથે એમઆરઆઇ મશીનના રૂમમાં પ્રવેશતાં મશીનના મજબૂત મૅગ્નેટિક ફોર્સને કારણે એમઆરઆઇ મશીનમાં ખેંચાઈ જતાં તેણે જીવ ગુમાવવો પડ્યો હતો.

બીએમસીને વળતર ચૂકવવાનો આદેશ હાઈ કોર્ટે આપ્યો છે ત્યારે તેઓ એની ઉપેક્ષા કઈ રીતે કરી શકે?

- શ્યામજી મારુ, રાજેશ મારુના પપ્પા

mumbai news mumbai crime news Crime News brihanmumbai municipal corporation