મેટ્રો-થ્રી કારશેડનું વૈકલ્પિક સ્થળ શોધવાનું સરકારી સમિતિ શરૂ કરશે

16 December, 2019 04:49 PM IST  |  Mumbai | Ranjeet Jadhav

મેટ્રો-થ્રી કારશેડનું વૈકલ્પિક સ્થળ શોધવાનું સરકારી સમિતિ શરૂ કરશે

આરે કૉલોનીના કાર-ડેપો માટે સ્ટે ઑર્ડરની ઉજવણી કરતા પર્યાવરણપ્રેમીઓની ફાઇલ-તસવીર.

મેટ્રો-થ્રીનો કારશેડ આરે કૉલોનીમાં નહીં બાંધવાના સરકારના નિર્ણયને પગલે કાર-ડેપો માટે વૈકલ્પિક સ્થળ સૂચવવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નિયુક્ત કરેલી સમિતિ આજથી વિવિધ સ્થળોની મુલાકાત શરૂ કરશે. સમિતિના સભ્યો આરે કૉલોનીમાં જ્યાં વૃક્ષો કાપવામાં આવ્યાં હતાં એ સ્થળની પણ મુલાકાત લેશે. મુખ્ય પ્રધાને કારશેડ માટે ઉચિત જગ્યા શોધવાની સોંપેલી કામગીરી પૂર્ણ થતાં સમિતિ અહેવાલ મુખ્ય પ્રધાનને સુપરત કરશે. 

મુખ્ય પ્રધાને મેટ્રો-થ્રીના કારશેડ માટે વૈકલ્પિક સ્થળ શોધવા માટે રાજ્ય સરકારના અતિરિક્ત મુખ્ય સચિવ (નાણામંત્રાલય) મનોજ સૌનિક, પર્યાવરણ ખાતાના અગ્ર સચિવ અનિલ દિગ્ગીકર, મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)ના મૅનેજિંગ ડિરેક્ટર આર. એસ. ખુરાના (ટેક્નિકલ મેમ્બર) અને સંજય ગાંધી નૅશનલ પાર્કના ડિરેક્ટર અને ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ અનવર અહમદ (ફૉરેસ્ટ એક્સપર્ટ)ની ચાર સભ્યોની સમિતિ નિયુક્ત કરી હતી. મુખ્ય પ્રધાને નિયુક્ત કરેલી સમિતિની પ્રથમ બેઠક શુક્રવારે મળી હતી. એ બેઠકમાં કાર-ડેપો બાબતે વિવિધ મુદ્દાની ચર્ચા કરી હતી.

ranjeet jadhav mumbai mumbai news