મુંબઈ: પૃથ્વી પર છેક ક્ષિતિજ સુધી લંબાતો એવરેસ્ટનો પડછાયો જોઈ રહ્યો હતો

08 June, 2019 08:18 AM IST  |  મુંબઈ | વિનોદ કુમાર મેનન

મુંબઈ: પૃથ્વી પર છેક ક્ષિતિજ સુધી લંબાતો એવરેસ્ટનો પડછાયો જોઈ રહ્યો હતો

પાર્થ ઉપાધ્યાય

માઉન્ટ એવરેસ્ટ પર આરોહણની આ સીઝનમાં મૃત્યુ અને ટ્રાફિક જૅમની તમામ ઘટનાઓ વચ્ચે એક વિજયગાથા પણ આકાર પામી છે. પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે એવિયેશન મેઇન્ટેનન્સ એન્જિનિયરિંગ કર્યા પછી પર્વતારોહણને પોતાનું પૅશન બનાવનાર મુંબઈના ૨૪ વર્ષના પાર્થ ઉપાધ્યાયે ૨૩ મેએ એવરેસ્ટ શિખર સર કરવાની સિદ્ધિ મેળવી છે. જોકે પોતાના આ સફળ સાહસની પ્રક્રિયા દરમ્યાન તેઓ ભયાનક મોત અને શિખર પર પહોંચવા માગતા વિશ્વભરમાંથી આવેલા લોકોના ત્રાસદાયક ધસારાના પણ સાક્ષી બન્યા હતા. તમામ વિપરીતતાઓ અને અનિશ્ચિતતાઓનો સામનો કરીને માહિમ રહેતો પાર્થ ગયા અઠવાડિયે ઘરે પાછો ફર્યો ત્યારે તેના પિતા પ્રતીક (૫૪), માતા દીપલ (૫૦) અને ભાઈ આર્ય (૧૯)ને ગર્વની લાગણી થઈ હતી.

માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી જગતની ટોચ પરના અદ્ભુત અનુભવને વર્ણવતાં પાર્થ ઉપાધ્યાય કહે છે, ‘જ્યારે હું ટોચ પર પહોંચ્યો ત્યારે સૂર્યએ હજી ક્ષિતિજ પર ડોકિયું કર્યું હતું અને પશ્ચિમમાં હું માઉન્ટ એવરેસ્ટનો પડછાયો પૃથ્વી પર ક્ષિતિજ સુધી વિસ્તરેલો જોઈ શકતો હતો. મારા પગની નીચેથી જાણે સૂર્યોદય થઈ રહ્યો અને એ ક્ષણે હું વિશ્વના સૌથી ઊંચા સ્થળે હતો. મારી ૯ વર્ષ લાંબી સફર અને મારું સ્વપ્ન સિદ્ધ થયું એ મારા જીવનની સૌથી જાદુઈ ક્ષણ હતી.

સામાન્ય રીતે લોકોને શિખર માટે સારી આબોહવાના સાતથી આઠ દિવસનો સમય મળી રહે છે, પણ આ સીઝનમાં આબોહવા અત્યંત વિષમ હતી અને અમને ફક્ત બે દિવસ મળ્યા હતા એથી મોટા ભાગના આરોહકોએ આ સમયગાળામાં શિખર પર પહોંચવું પડે એમ હતું અને એમાં મહત્તમ દુર્ઘટના પણ સર્જા‍ઈ એમ પાર્થ ઉપાધ્યાય કહે છે.

પાર્થે ૯ વર્ષ અગાઉ નોએડાના ૧૬ વર્ષના કિશોરે એવરેસ્ટ શિખર સર કર્યું એ અંગેનો અખબારી અહેવાલ વાંચ્યો હતો. આ સમાચારે એ સમયે ૧૫ વર્ષના પાર્થને પ્રેરણા પૂરી પાડી હતી. બીએસસી (ઍરક્રાફ્ટ મેઇન્ટેનન્સ એન્જિનિયરિંગ) સ્નાતક ઉપાધ્યાય મુંબઈસ્થિત ઍડ્વેન્ચર કંપનીના ટ્રેક લીડર તરીકે ફરજ બજાવે છે. એક દિવસ એવરેસ્ટ સર કરવાની આકાંક્ષા સાથે તેણે ૨૦૧૦માં ટ્રેકિંગની શરૂઆત કરી હતી. તેણે ઉત્તરાખંડમાં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ ખાતેથી પર્વતારોહણનો બેઝિક કોર્સ પૂરો કર્યો હતો.

દર વર્ષ કરતાં અલગ આ વર્ષે નેપાલ સરકારે સામાન્યથી (દર વર્ષે ૧૫૦થી ૨૦૦) ત્રણ ગણી કરતાં વધુ પરમિટ ઇશ્યુ કરી હતી. આ વર્ષે આ સંખ્યા ૭૦૦થી ૮૦૦ પરમિટની રહી હતી અને પ્રત્યેક પરમિટદીઠ ૧૧,૦૦૦ ડૉલર ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. જોકે ચીને ૩૦૦ પરમિટનો આંકડો જાળવી રાખ્યો હતો એમ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

આ વર્ષે એવરેસ્ટ પર ટ્રાફિક વધવાનું અન્ય એક જવાબદાર પરિબળ સારી આબોહવા માટેનો અત્યંત ટૂંકો સમયગાળો પણ હતું. ઉપાધ્યાયે જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે લોકોને શિખર માટે સાતથી આઠ દિવસનો સારા હવામાનનો ગાળો મળી રહે છે, પણ આ વખતે હવામાન ઘણું ખરાબ હતું અને અમને ફક્ત બે દિવસ જ મળ્યા હતા.

મિશન એવરેસ્ટનો પ્રારંભ

ઉપાધ્યાયે આશરે એક વર્ષ અગાઉ ૨૦૧૯માં માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવાનો નિર્ધાર કર્યો હતો અને તેણે એ માટેની તૈયારીઓ શરૂ કરી હતી. તેના મતે પર્વતારોહક બનવા માટે પર્વતની નજીક રહેવું જરૂરી હોવાથી તેણે કર્જતના ભિવપુરી ગામમાં એક ઘર ભાડે લીધું હતું.

તે રોજ પરોઢિયે ૩.૩૦ વાગ્યે ઊઠતો, પ્રાણાયામ અને શ્વાસોચ્છ્વાસની એક્સરસાઇઝ કરીને પાણીના જગ તથા પથ્થર ભરેલા ૨૫ કિલોની બૅગપૅક ઊંચકીને માથેરાન હિલ્સ તરફ ટ્રેકિંગ કરતો. દિવસનો ચારથી પાંચ કલાકનો સમય ટ્રેકિંગ પાછળ જતો અને બાકીનો દિવસ તે તેના સાહસ માટેનું ભંડોળ એકત્રિત કરવા કૉર્પોરેટ્સ અને વ્યાવસાયિક જૂથોનો સંપર્ક કરતો. કારણ કે એવરેસ્ટ શિખર સર કરવા માટે પરમિટ અને પ્રવાસખર્ચ સહિતનો કુલ ખર્ચ આશરે ૪૫થી ૫૦ લાખ રૂપિયાએ પહોંચે છે.

આ પણ વાંચો : પ્રવાસીઓ ભલે કંટાળે, પણ વેસ્ટર્ન રેલવેની ઑડિયો જાહેરાતે લાખોની કમાણી કરી

હવે પછી શું?

ઉપાધ્યાય હવે ભારત, નેપાલ, પાકિસ્તાન, તિબેટ વગેરે દેશોનાં ૨૬,૦૦૦ ફીટ કરતાં વધારે ઊંચાઈ ધરાવતાં શિખરો સર કરવા માટે ઉત્સુક છે. અંતમાં તેણે જણાવ્યું કે બહારની દુનિયાએ મારા જીવનની કાયાપલટ કરી છે. પ્રકૃતિમાં તમારા વ્યક્તિત્વને અત્યંત જુસ્સાસભર રીતે વિકસાવવાની તાકાત રહેલી છે.

mumbai news mount everest vinod kumar menon