સેન્ટ્રલ રેલવેએ કરી મોટી કાર્યવાહી : 46 દલાલની ધરપકડ કરી

06 November, 2019 11:25 AM IST  |  Mumbai

સેન્ટ્રલ રેલવેએ કરી મોટી કાર્યવાહી : 46 દલાલની ધરપકડ કરી

મધ્ય રેલવે

દિવાળી વેકેશન અને છઠપૂજાના ધસારાના સમયે લોકોને ટિકિટ વેચવાના આરોપસર સેન્ટ્રલ રેલવેએ મોટી કાર્યવાહી કરી હતી. ૨૬ ઑક્ટોબરથી ૩ નવેમ્બર દરમ્યાન ૪૬ દલાલની ધરપકડ કરીને તેમની પાસેથી ૨૦,૫૫,૮૫૩ રૂપિયાની ૯૬૦ ટિકિટ જપ્ત કરી હતી.

દિવાળી વેકેશનના ધસારાના સમયે મોટા પાયે દલાલો સક્રિય હોવાની ફરિયાદ મળ્યા બાદ સેન્ટ્રલ રેલવેની રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા પાંચેય ડિવિઝનમાં સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. ઈ-ટિકિટ અને પ્રવાસ પૂરો કરાયો હોય એવી ટિકિટો ૪૬ દલાલો પાસેથી મળી આવતાં તેમની સામે કાર્યવાહી કરાઈ હતી. સેન્ટ્રલ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તીમાં જણાવાયું છે કે ધરપકડ કરાયેલા તમામ ૪૬ દલાલોને મૅજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. રેલવે પ્રોટેક્શન ફોર્સની ચેતવણી મળ્યા બાદ આઇઆરટીસીએ તમામ લાઇવ ટિકિટ બ્લૉક કરી હતી.

લોકો દિવાળી અને છઠપૂજા માટે મોટી સંખ્યામાં તેમના વતન જતા હોય છે એને ધ્યાનમાં રાખીને દલાલો સક્રિય થાય છે અને તેમની પાસેથી ટિકિટ માટે મોં માગ્યા ભાવ પડાવે છે. રેલવે લોકોને ચેતવે છે કે ઈ-ટિકિટિંગ સાથે સંકળાયેલા દલાલો પાસેથી ટિકિટ ખરીદવી નહીં. આમ કરવાથી તેઓ રૂપિયા ગુમાવવાની સાથે પ્રવાસ પણ નહીં કરી શકે, કારણ કે રેલવે લીગલ ઍક્શન લઈને આવી ટિકિટો બ્લૉક કરી દે છે.

આ પણ વાંચો : ગુજરાતી વેપારી બૅન્ક સામે કૉર્ટમાં ડિફૉલ્ટર કેમ જાહેર કર્યો?

સેન્ટ્રલ રેલવે અપીલ કરે છે કે ગૌરવ સાથે મુસાફરી કરવા માટે યોગ્ય અને માન્યતાપ્રાપ્ત રેલવે ટિકિટ જ ખરીદે જેથી તેમને બાદમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

mumbai news central railway indian railways