શારીરિક શોષણથી પરેશાન દત્તક પુત્રીએ જ ‍બૉયફ્રેન્ડ સાથે મળીને હત્યા કરી

08 December, 2019 09:14 AM IST  |  Mumbai

શારીરિક શોષણથી પરેશાન દત્તક પુત્રીએ જ ‍બૉયફ્રેન્ડ સાથે મળીને હત્યા કરી

માહિમ બીચ પર સૂટકેસમાં મળેલા મૃતદેહનો કેસ

મંગળવારે સવારે માહિમ બીચ પર દરિયામાં તરતી મળેલી સૂટકેસમાં મૃતદેહ મળવાના કેસમાં પોલીસે ૫૯ વર્ષના મૃતકની ૧૯ વર્ષની દત્તક પુત્રી અને તેના ૧૬ વર્ષના બૉયફ્રેન્ડની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરી છે. દેશ-વિદેશમાં હોટેલોમાં મ્યુઝિકલ શોનું આયોજન કરતા સાવકા પિતા પોતાનું શારીરિક શોષણ કરવાની સાથે બૉયફ્રેન્ડ સાથે મળવાની ના પાડતા હોવાને કારણે દત્તક પુત્રીએ જ હત્યા કરીને શરીરના ટુકડા ત્રણ સૂટકેસમાં ભરીને વાકોલાની મીઠી નદીમાં ફેંકી દીધેલા.

હત્યાના અત્યંત ચોંકાવનારા આ બનાવની તપાસ માહિમ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૫ની ટીમ કરતી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેલરના ટૅગથી મૃત્યુ પામનારની ઓળખ કરી લીધી હતી. સૂટકેસમાં ભરેલા શરીરના ટુકડા સાંતાક્રુઝમાં રહેતા ૫૯ વર્ષના બેનેટ રિબેલોના હોવાનું જણાયું હતું. રિબેલોની ઓળખ થયા બાદ ફેસબુક પર તપાસ કરતાં સૂટકેસમાંથી મળી આવેલું મરૂન સ્વેટર પહેરેલો તેમનો ફોટો પોલીસે શોધી કાઢ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર જગદીશ સાઇલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને મૃતકનુ વિઝિટિંગ કાર્ડ પણ ફેસબુકના તેમના અકાઉન્ટમાંથી મળી આવતાં તેઓ સાંતાક્રુઝ (ઈસ્ટ)માં વાકોલામાં રહેતા હોવાનું જણાતાં અમે તેમના ઘરે પહોંચ્યા હતા. તેમનું ઘર બંધ હતું. આસપાસ પૂછપરછ કરતાં ખબર પડી કે તેઓ તેમની દત્તક લીધેલી ૧૯ વર્ષની દીકરી આરાધ્યા જિતેન્દ્ર પાટીલ સાથે અહીં રહે છે.

પોલીસે દત્તક આરાધ્યા ઉર્ફ રિયા બેનેટ રિબેલોને અને તેના ૧૬ વર્ષના બૉયફ્રેન્ડને શોધી કાઢ્યાં હતા. તેમણે શરૂઆતમાં બેનેટ કૅનેડા ગયા હોવાનું કહ્યું હતું, પરંતુ પોલીસે સઘન પૂછપરછ કરતાં બન્નેએ બેનેટની હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું.

રિયા રિબેલોએ પોલીસને કહ્યું હતું કે ‘૨૬ નવેમ્બરે અબે બન્નેએ બેનેટના માથામાં લાકડી ફટકારી હતી અને ત્યાર બાદ ચાકુના ઘા મારતાં તેઓ મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ મૃતદેહને ત્રણ દિવસ ઘરમાં રાખીને તેમના શરીરના ટુકડા કરીને એને ત્રણ સૂટકેસમાં ભરી રાતે વાકોલાની મીઠી નદીમાં ફેંકી દીધા હતા. રિયાએ પોલીસને કહ્યું હતું કે બેનેટ મારું શારીરિક શોષણ કરતા હતા અને તેમને બૉયફ્રેન્ડ સાથેની મારી મિત્રતા પણ ગમતી નહોતી એટલે તેમને રસ્તામાંથી દૂર કરવા માટે અમે આ હત્યા કરી હતી.’

આ પણ વાંચો : માતાથી વિખૂટા પડેલા બાળ દીપડાની તબિયત કથળતાં સારવાર અટકાવાઇ

દરજીના ટૅગથી કેસ ઉકેલાયો

માહિમ દર્ગા પાસેના દરિયાકિનારે વહેતી આવેલી સૂટકેસમાં માનવીય અવયવો સહિત બે શર્ટ પણ મળી આવ્યાં હતાં. શર્ટના કૉલર પર અલ્મો ટેલરનો માર્કો હતો. એના આધારે પોલીસે ટેલરની શોધખાળ કરી હતી. પોલીસને કુર્લામાં અલ્મો ટેલરની દુકાન મળી હતી. મૃતકની ઓળખાણ થયા બાદ ફેસબુકમાં તેમના નામથી સર્ચ કરતાં તેમનું વ‌િઝિટિંગ કાર્ડ મળતાં પોલીસ ઘર સુધી પહોંચી શકી હતી.

mahim kurla sion mumbai crime news mumbai news