મુંબઈ: આજે ટ્રેડ યુનિયન્સનું ભારત બંધનું એલાન

08 January, 2020 08:26 AM IST  |  Mumbai

મુંબઈ: આજે ટ્રેડ યુનિયન્સનું ભારત બંધનું એલાન

ફાઈલ ફોટો

લગભગ દસ મધ્યવર્તી કર્મચારી સંગઠનો તથા કેટલાંક પ્રાદેશિક સ્વતંત્ર કર્મચારી સંગઠનોના સહિયારા એલાન મુજબ આજે ‘ભારત બંધ’ યોજાશે. સરકારની જનતાવિરોધી નીતિઓ સામે રોષ વ્યક્ત કરવા માટે યોજાતી આ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં કર્મચારી સંગઠનોના સભ્યો રૂપે તથા અન્ય સંદર્ભમાં પચીસ કરોડ લોકો જોડાશે.

ભારત બંધના એલાન હેઠળ હડતાળમાં બૅન્કિંગ, ટ્રાન્સપોર્ટ તથા અન્ય ક્ષેત્રોની કામગીરી અને રોજિંદા વ્યવહાર પર અસર થશે. ટ્રેનો તો બંધ રહેવાની શક્યતા ખરી પણ અમુક યુનિયનો બંધમાં જોડાતા બસ, ટેક્સી અને રિક્ષાઓ પણ રસ્તા પર ઓછી દોડે એવી સંભાવના છે.

આ હડતાળ વિશે કેટલીક બૅન્કોએ શૅરબજારોને જાણ કરી છે. નાણાં ભરવાં અને ઉપાડ કરવાં ઉપરાંત ચેક ક્લિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇસ્યુઅન્સની કામગીરીને અસર થવાની સંભાવના છે.

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓને તેમના કર્મચારીઓને હડતાળમાં સામેલ થતા રોકવાની અને કોઈ પણ સંજોગોમાં કંપનીની કામગીરી સરળતાથી ચાલતી રહે એની જોગવાઈ કરવાની સૂચના આપી છે. સરકારે બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કોઈ પણ કર્મચારી વિરોધ-પ્રદર્શન સહિત કોઈ પણ પ્રવૃત્તિ રૂપે હડતાળમાં સામેલ થતો જોવા મળશે તો વેતન કાપવા અને શિસ્તભંગનાં પગલાં લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ખેડૂતો અને ખેતમજૂરોનાં ૧૭૫ સંગઠનો તેમની વિવિધ માગણીઓના અનુસંધાનમાં ગ્રામીણ ભારત બંધમાં જોડાશે. વિદ્યાર્થીઓ અને કૉલેજો-યુનિવર્સિટીઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓનાં સંગઠનો ફીવધારા અને શિક્ષ‌ણના વ્યાપારીકરણના વિરોધમાં ભારત બંધમાં જોડાશે. પશ્ચિમ બંગાળના ડાબેરી તથા અન્ય પક્ષો સાથે સંબંધિત ટ્રેડ યુનિયન્સે કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં કરેલા બંધના એલાનને રાજ્ય સરકારે સમર્થન આપ્યું નથી.’

આ પણ વાંચો : ફ્રી-કાશ્મીર પોસ્ટર યુવતીને મુશ્કેલીમાં મૂકશે

રેલવેના કર્મચારીઓ જોડાશે, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાશે

૧૦ મધ્યવર્તી કર્મચારી સંગઠનો અને મહારાષ્ટ્રમાં શિવસેના પ્રણીત ભારતીય કામગાર સેનાની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં રેલવેના કર્મચારીઓ પણ જોડાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની કામગાર વિરોધી અને જનતા વિરોધી નીતિઓના વિરોધમાં આજે યોજાનારી હડતાળમાં રેલવે-કર્મચારીઓ સામેલ થતાં પ્રવાસીઓએ મુશ્કેલી સહન કરવી પડે એવી શક્યતા છે. કર્મચારી સંગઠનોએ આજે સવારે ૧૧થી ૪ વાગ્યા સુધી ઍરપોર્ટ, ભારતમાતા-લાલબાગ, અંધેરી (પશ્ચિમ) પનવેલ, નવી મુંબઈ અને ભાંડુપ (પશ્ચિમ)માં વિરાટ સભા-સરઘસો યોજ્યાં છે.

રેલવે મંત્રાલયે આજે યોજેલી ‘રેલ પરિવર્તન સંગોષ્ઠિ’ના પ્રતિકારરૂપે કર્મચારી સંગઠનોએ ‘રેલ બચાઓ સંગોષ્ઠિ’નું આયોજન કર્યું છે. રેલવે મંત્રાલયે ભારતના રેલવેતંત્રમાં સુધારા માટે નવા વિચારો અને સૂચનો માટે હાથ ધરેલા અભિયાનના ભાગરૂપે ‘રેલ પરિવર્તન સંગોષ્ઠિ’ યોજાઈ રહી છે. હડતાળ આક્રમક બને તો રેલવે સર્વિસ અને ઍરપોર્ટ સર્વિસ પર અસર થવાની શક્યતા છે.

કયાં-કયાં કર્મચારી સંગઠનો સામેલ
ઇન્ડિયન ટ્રેડ યુનિયન કૉન્ગ્રેસ
ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉન્ગ્રેસ
હિન્દ મજદૂર સભા
ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર
સેલ્ફ એમ્પ્લોય્ડ વીમેન્સ અસોસિએશન
ટ્રેડ યુનિયન કો-ઑર્ડિનેશન સેન્ટર
ઑલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ટ્રેડ યુનિયન્સ
લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન
યુનાઇટેડ ટ્રેડ યુનિયન કૉન્ગ્રેસ
સેન્ટર ઑફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ

bharat bandh mumbai news mumbai