પ્રૉપર્ટી-ટૅક્સની ઉઘરાણીના મામલે મુંબઈ મહાનગરપાલિકા ઘણી પાછળ

28 December, 2019 08:07 AM IST  |  Mumbai

પ્રૉપર્ટી-ટૅક્સની ઉઘરાણીના મામલે મુંબઈ મહાનગરપાલિકા ઘણી પાછળ

બીએમસી

ભારતીય જનતા પાર્ટી અને કૉન્ગ્રેસ ભલે વિરોધ પક્ષમાં હોય, પણ આ બન્ને પક્ષો સાથે મળીને મુંબઈ મહાનગરપાલિકાની નાણાકીય પરિસ્થિતિ સામે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. ડિસેમ્બરના અંત સુધી પ્રૉપર્ટી-ટૅક્સમાં ઉઘરાણીમાં ખરાબ હાલતને લીધે સુધરાઈ કઈ રીતે મોટી યોજનાનો અમલ કરશે., કારણ કે હજી સુધી બીએમસીએ માત્ર ૧૮૦૦ કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી-ટૅક્સ વસૂલ્યો છે જેની સામે ૨૦૧૯-’૨૦ના અંતના ફાઇનૅન્શિયલ યરનું ટાર્ગેટ ૫૦૦૦ કરોડ રૂપિયા હતું. એ ઉપરાંત બીએમસીએ ૫૦૦ સ્ક્વેર ફુટની અંદર આવતી ૧.૩૭ લાખ પ્રૉપર્ટીનાં બિલ પણ મોકલવામાં આવ્યાં ન હોવાથી ૩૩૫ કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

આ ઉપરાંત બીએમસીએ વહેલો તે પહેલોના ધોરણે ૯૧,૦૦૦ પ્રૉપર્ટીધારકો માટે ટૅક્સ ડિસ્કાઉન્ટ પૉલિસી જાહેર કરી છે, જેમાં જે પ્રૉપર્ટીહોલ્ડર્સ ૩૧ જાન્યુઆરી પહેલાં ટૅક્સ ભરશે તેને ૪ ટકા અને ૨૯ ફેબ્રુઆરી પહેલાં ટૅક્સ ભરશે તેને બે ટકાની ટૅક્સ-છૂટ આપવામાં આવશે. આ પૉલિસી હેઠળ ૧૩૫૮ કરોડ રૂપિયા જેટલો ટૅક્સ વસૂલ થાય એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

કૉન્ગ્રેસના આસિફ ઝકરિયાએ જણાવ્યું હતું કે જે લોકોની ૫૦૦ સ્ક્વેર ફુટની અંદરની પ્રૉપર્ટી છે તેમનું શું થશે એની ખબર નથી. ૫૦૦ સ્ક્વેર ફુટની અંદર પ્રૉપર્ટી ધરાવતા લોકોને બિલ મોકલવાનું બીએમસીએ બંધ કર્યું છે. જોકે આવું કરીને બીએમસી જાતે જ નુકસાનમાં જઈ રહી છે. બીજેપીના કૉર્પોરેટર પ્રભાકર શિંદેએ કહ્યું હતું કે સુધરાઈ આ ખોટને કઈ રીતે સરભર કરશે એ જોવાનું રહ્યું. ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે છતાં એ ઉઘરાણી કરી શકી નથી. ઘણા પ્રોજેક્ટ હજી અધૂરા છે.

અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સંગીતા હંસલેએ કહ્યું હતું કે સ્ટાફ ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાને કારણે કામ ધીમું હતું. અમે ૫૦૦ ફુટ કે એથી ઓછા એરિયા ધરાવતા ૧.૩૭ લાખ મકાનધારકોને બિલ મોકલ્યાં નથી, કારણ કે આ મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ૩૩૫ કરોડ રૂપિયાની ખોટ કઈ રીતે સરભર થશે એ વિશે પણ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

mumbai news brihanmumbai municipal corporation