કાલિનામાં આવેલી મુંબઈ યુનિવર્સિટીના લૉ ડિપાર્ટમેન્ટનો વિચિત્ર કારભાર

30 December, 2019 08:59 AM IST  |  Mumbai | Pallavi Smart

કાલિનામાં આવેલી મુંબઈ યુનિવર્સિટીના લૉ ડિપાર્ટમેન્ટનો વિચિત્ર કારભાર

પુરુષો અને મહિલાઓના વૉશરૂમમાં મૂકવામાં આવેલાં વૉટર-કૂલર્સ

કાલિના કૅમ્પસમાં મુંબઈ યુનિવર્સિટીના લૉ ડિપાર્ટમેન્ટમાં જો તમે પાણી પીવા જાઓ તો તમારે શૌચાલયમાં જવું પડે. આ વિચિત્ર વ્યવસ્થામાં યુનિવર્સિટી ઑફ મુંબઈ લૉ ઍકૅડેમી (યુએમએલએ)એ શૌચાલયોની અંદર વૉટર-કૂલર્સ મૂક્યાં છે.

સૌથી પ્રતિકૂળ સ્થળે આ વૉટર-કૂલર્સ મૂકવામાં આવ્યાં હોવા ઉપરાંત એની સાથે ફિલ્ટર પણ અટેચ કરવામાં આવ્યું નથી જેને કારણે વિદ્યાર્થીઓએ કૅમ્પસના અન્ય બિલ્ડિંગમાં જવાની ફરજ પડે છે. આ બેહદ અસુવિધાજનક વ્યવસ્થા યુએમએલએ બિલ્ડિંગના પહેલા માળે પુરુષોના વૉશરૂમમાં અને બીજા માળે મહિલાઓના વૉશરૂમમાં ગોઠવવામાં આવી છે.

કાયદાશાસ્ત્રના અભ્યાસક્રમોની વધતી માગના પરિણામે આ વિભાગ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. જોકે પ્રારંભથી જ યુએમએલએ પૂર્ણકાલીન ડિરેક્ટરના અભાવથી લઈને અપૂરતા સ્ટાફ તથા માળખાકીય સુવિધાઓ સંબંધિત પ્રશ્નો સહિતના ઘણા વિવાદોમાં સપડાઈ ચૂકી છે. ઊંચી ફી ચૂકવીને અહીં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓને વૉટર-કૂલર વિશે જાણીને આંચકો લાગ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રારંભે ડિપાર્ટમેન્ટ ફોર્ટ કૅમ્પસથી અહીં કાલિનામાં ખસેડવામાં આવ્યો હતો.

‘અમે અન્ય વિભાગોમાં જઈએ છીએ. અમારામાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ ઘરેથી જ વૉટર-બૉટલ લાવે છે. આ ઘણું વિચિત્ર છે, કારણ કે અન્યત્ર ક્યાંય તમે શૌચાલયની અંદર પીવાના પાણીની સુવિધા નહીં જુઓ. એ શૌચાલયની નજીક હોઈ શકે, પરંતુ હંમેશાં એની બહાર હોય છે. વધુમાં યુનિવર્સિટીનાં અન્ય વૉટર-કૂલર્સથી અલગ, અહીં નળ સાથે ફિલ્ટર અટેચ કરવામાં આવ્યું નથી એમ ડિપાર્ટમેન્ટના એક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

કાલિના કૅમ્પસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘આવી વ્યવસ્થા પાછળનું કારણ જાણવું મુશ્કેલ છે. બિલ્ડિંગ નવું બંધાયેલું હોવાથી કૉન્ટ્રૅક્ટરોએ આ પ્રકારની વ્યવસ્થા રાખી હોય એવું બની શકે, પરંતુ સત્તાધીશો આ બાબતની નોંધ લઈને જરૂરી ફેરફાર કરે એ જરૂરી છે.

મને આ વિશે જાણ કરવામાં આવી છે. હું આગામી સપ્તાહે વિભાગની મુલાકાત લઈ રહ્યો છું અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં યોગ્ય ફેરફાર કરવામાં આવશે.

-અજય દેશમુખ, એમયુના રજિસ્ટ્રાર

pallavi smart mumbai mumbai news mumbai university kalina