મુંબઈ: અંબરનાથમાં રસ્તા પરના ખાડાઓએ કૉન્સ્ટેબલનો જીવ લીધો

08 August, 2019 10:50 AM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

મુંબઈ: અંબરનાથમાં રસ્તા પરના ખાડાઓએ કૉન્સ્ટેબલનો જીવ લીધો

ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલ

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલ રસ્તા પરના ખાડાઓથી બચવાની કોશિશમાં બાઇક પરથી પડી જતાં પાછળથી વેગથી આવતી ટ્રકે ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. મંગળવારે સવારે લગભગ પોણાનવ વાગ્યે ગાંધી ચોક પાસે ટ્રાફિક જૅમની ખબર મળતાં એ ક્લિયર કરવા જઈ રહેલા ૪૯ વર્ષના પોલીસ કૉન્સ્ટેબલ સંજીવ પાટીલ રસ્તા પર અનેક ખાડાઓ હોવાથી એનાથી બચીને બાઇક ચલાવવાની કોશિશ કરવામાં એક ખાડામાં તેણે સમતોલપણું ગુમાવતાં તે પડી ગયો અને પાછળથી આવતી ટ્રક તેના જમણા પગ પર ફરી જતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. સ્થાનિકો તત્કાળ તેને સેન્ટ્રલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો. કૉન્સ્ટેબલ સંજીવ પાટીલના પરિવારમાં તેની પત્ની અને એક પુત્ર તથા પુત્રી છે.

આ પણ વાંચો : મટકા માફિયાના ખરાબ દિવસો: કોલ્હાપુર પોલીસે જયેશ સાવલાને પકડ્યો

વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને કારણે રોષે ભરાયેલા અંબરનાથના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ‘આ પટ્ટા પર સૌથી વધુ ખાડાઓ આવેલા છે. વારંવાર ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લેવાયાં નથી. આ રસ્તા પર રોજ એકાદ અકસ્માત તો સર્જાય જ છે. આ વિસ્તારમાં ત્રણ સ્કૂલો આવેલી છે અને સ્ટુડન્ટ્સ અવારનવાર ખાડાઓને કારણે બાઇક પરથી પડી જતાં હોય છે. એમએમઆરડીએએ આ રસ્તો બાંધ્યો છે, પણ હજી સુધી એની જાળવણી કોના અધિકાર ક્ષેત્રમાં આવે છે એની ખબર નથી. આથી અમે રસ્તાની જાળવણી કરનારા વિભાગ સામે એફઆઇઆર નોંધાવવાનો નિર્ણય લીધો છે. ટ્રક-ડ્રાઇવર સરદારસિંહ રામબહાદુર સિંહની ધરપકડ કરવામાં આવી છે.

ambernath mumbai mumbai rains