અમિત શાહે આખરે મૌન તોડીને ઉદ્ધવ ઠાકરેના દાવાને ફગાવતાં શિવસેના ભીંતસરસી

14 November, 2019 07:25 AM IST  |  Mumbai | Dharmendra Jore

અમિત શાહે આખરે મૌન તોડીને ઉદ્ધવ ઠાકરેના દાવાને ફગાવતાં શિવસેના ભીંતસરસી

અમિત શાહ

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં પછી વીસ દિવસે મૌન તોડીને બીજેપીના પ્રમુખ અમિત શાહે શિવસેનાને ભીંસમાં મૂકતું નિવેદન કર્યું છે. અમિત શાહે શિવસેનાને રીતસર જુઠ્ઠી કહેતાં નજીકના ભવિષ્યમાં જો ડેમોક્રૅટિક ફ્રન્ટ (કૉન્ગ્રેસ-એનસીપી) સાથે વાટાઘાટો થાય ત્યારે સેનાના નેતાઓને નીચાજોણું થશે અને એ બન્ને પક્ષોનો હાથ ઊંચો રહેશે.

વિવિધ સંજોગોને ધ્યાનમાં લેતાં શિવસેના અને લોકતાંત્રિક મોરચા (ડેમોક્રૅટિક ફ્રન્ટ) વચ્ચે વાટાઘાટોની શક્યતાઓ પ્રારંભિક તબક્કામાં જ ધૂંધળી થઈ ગઈ છે. બન્ને છાવણીમાંથી મળતા સંદેશા મુજબ પરસ્પર વિરોધી પ્રવાહો જોવા મળે છે. શિવસેના પાંચ વર્ષ માટે મુખ્ય પ્રધાનપદનો આગ્રહ છોડતી નથી અને એનસીપી બન્ને પક્ષો વચ્ચે અઢી-અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાનપદની ભાગીદારીની વાત કરે છે.

દરમ્યાન કૉન્ગ્રેસ કટ્ટર જમણેરી પક્ષ સાથે જોડાણને વાજબી કેવી રીતે ઠેરવવું એની મથામણમાં છે, કારણ કે રાષ્ટ્રીય સ્તરના આ રાજકીય પક્ષ માટે શિવસેના જેવા પ્રાદેશિક અને જમણેરી-હિન્દુત્વવાદી પક્ષ સાથે મેળાપ ભવિષ્યની આબરૂને જોખમમાં મૂકે એવી શક્યતા જણાય છે. કૉમન મિનિમમ પ્રોગ્રામની બેઠક પહેલાં કૉન્ગ્રેસને મહારાષ્ટ્રની બહાર બિનસાંપ્રદાયિક પક્ષ તરીકેની છાપ પર કલંક ન લાગે એની તકેદારી મહત્ત્વની છે.

ગઈ કાલે કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીના દૂતો ઉદ્ધવ ઠાકરેને મળ્યા પછી શિવસેના હિન્દુત્વનું જોશ ટાઢું પાડે એવી શક્યતા છે, કારણ કે હાલમાં શિવસેનાનું એકમાત્ર લક્ષ્ય બીજેપીને રાજ્યમાં સત્તાથી દૂર રાખવાનું છે.

આ પણ વાંચો : બંધારણની દૃષ્ટિએ મહારાષ્ટ્રના રાજકારણની દિશા અને દશા

બીજેપીના પ્રમુખ અમિત શાહે ગઈ કાલે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે મેં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં વારંવાર કહ્યું છે કે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન તો દેવેન્દ્ર ફડણવીસ જ બનશે. એ વખતે કોઈએ વાંધો ન ઉઠાવ્યો. હવે તે લોકો નવી માગણીઓ લઈને ઊભા થઈ ગયા, એ અમને સ્વીકાર્ય નથી. રાષ્ટ્રપતિશાસનની વાત કરતા હો તો આજે પણ જેની પાસે વિધાનસભ્યોનું સંખ્યાબળ હોય એ રાજ્યપાલને મળી શકે છે. રાજ્યપાલે કોઈને તક આપવાની ના પાડી નથી.

મેં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં વારંવાર કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન તો દેવેન્દ્ર ફડણવીસ જ બનશે. એ વખતે કોઈએ વાંધો ન ઉઠાવ્યો.
- અમિત શાહ