બંગલાદેશીઓનાં ફૅક ભારતીય ઓળખપત્રો તૈયાર કરવાના રૅકેટમાં બે નેતાઓનાં નામ

18 November, 2019 03:04 PM IST  |  Mumbai | Faizan Khan

બંગલાદેશીઓનાં ફૅક ભારતીય ઓળખપત્રો તૈયાર કરવાના રૅકેટમાં બે નેતાઓનાં નામ

ગેરકાયદે ઘૂસણખોરોને કથિત રીતે કાયદેસર રહેવાસી સ્થાપિત કરી દેશની આંતરિક સુરક્ષા સાથે ચેડાં કરવા બદલ મુંબઈના જુદા-જુદા રાજકીય પક્ષોના બે ટોચના નેતાઓ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની નજરમાં છે. મુંબઈમાંથી પકડાયેલા એક ગેરકાયદે ઘૂસણખોરની પૂછપરછમાં આ નેતાઓનાં નામ સામે આવ્યાં હતાં. આ ઘૂસણખોરની પૂછપરછને પગલે વિધાનસભ્યો, ધારાસભ્યો અને ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓ કઈ રીતે ગેરકાયદે ઘૂસણખોરોને કાયદેસર સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા સ્થાપિત પૅન કાર્ડ, આધાર કાર્ડ, રૅશન કાર્ડ અને અનેક વેળા પાસપોર્ટ જેવાં ઓળખપત્રો મેળવી આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે એ પ્રકાશમાં આવ્યું હતું.

આ પૂછપરછને પગલે ગેરકાયદે ઘૂસણખોરો માટે કામ કરતા લોકોનું ગ્રુપ કેટલું વિસ્તારિત હતું એ જાણવા મળ્યું હોવાનું જણાવતાં કેસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્થાનિક ગ્રામપંચાયત, તહસીલદાર, નગરસેવક, વિધાનસભ્ય અને સંસદસભ્યની મદદ વિના આ કામ સંભવ નથી. છેલ્લા ત્રણ મહિનામાં ગેરરીતિ આચરીને પાસપોર્ટ મેળવવામાં આવ્યા હોવાના ૭૦ કરતાં વધુ કેસ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાયા હતા, જેમાં ૧૨ કરતાં વધુ લોકો બંગલા દેશના નાગરિક હતા. આ આખી પ્રક્રિયામાં સહેજે બેથી ત્રણ મહિનાનો સમય અને લગભગ આઠેક હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. વિદેશમાં ખાસ કરીને મિડલ ઈસ્ટમાં નોકરી મેળવવા માટે બંગલા દેશ કરતાં ભારતીય પાસપોર્ટ વધુ વિશ્વસનીયતા ધરાવતો હોવાથી તેઓ ભારતીય પાસપોર્ટ મેળવવા ગેરરીતિ આચરતા હોય છે. આ પ્રકારે ગેરરરી‌તિ આચરનાર વ્યક્તિ જો આતંકવાદીઓ સાથે સંકળાયેલો હોય તો દેશની સુરક્ષા માટે મોટું જોખમ બની રહે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં બનાવટી દસ્તાવેજો ધરાવતા ૧૪૦૦ બંગલાદેશી નાગરિક પકડાયા છે. મોટા ભાગે એજન્ટો તેમ જ પાસપોર્ટ વિભાગના અધિકારીઓ આવા કિસ્સાઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે.’

bangladesh mumbai news mumbai mumbai crime branch mumbai crime news mumbai police