ફોનમાં વાત કરતો યુવક ચાલતી ટ્રેનમાંથી પડ્યો, જીવ બચી ગયો

23 December, 2019 01:43 PM IST  |  Mumbai

ફોનમાં વાત કરતો યુવક ચાલતી ટ્રેનમાંથી પડ્યો, જીવ બચી ગયો

સની મુખ્તાર મલિક

લોકલ ટ્રેનમાંથી પડી જવાને કારણે મોતના મુખમાં કે પછી ઘાયલ થવાના અનેક કિસ્સા રોજ બને છે. હાલમાં ડોમ્બિવલીની બાવીસ વર્ષની ચાર્મી પાસડનું ગયા અઠવાડિયે ગિરદીને કારણે ટ્રેનમાંથી પડી જતાં મૃત્યુ થયું હતું. આવો જ બનાવ શનિવારે રાતે બાંદરા સ્ટેશન નજીક બન્યો હતો. જોકે આ અકસ્માતમાં ૨૦ વર્ષનો આ યુવક નસીબદાર રહ્યો હતો, કારણ કે ચાલતી ટ્રેનમાંથી પટકાયા બાદ પણ તે બચી ગયો હતો.

બાંદરા રેલવે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને આપેલી માહિતી અનુસાર શનિવારે રાતે ૧૧.૨૦ વાગ્યે ચાલતી ટ્રેનમાંથી એક પ્રવાસી પડી ગયો હોવાનો અમને કૉલ આવ્યો હતો. અમે તાબડતોબ ગૅલૅક્સી થિયેટર નજીક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ૨૦ વર્ષનો એક યુવક ઘાયલ અવસ્થામાં પડ્યો હતો. તેને સારવાર માટે ભાભા હૉસ્પિટલમાં અને ત્યાર બાદ કેઈએમ હૉસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસે યુવકની ઓળખ સની મુખ્તાર મલિક તરીકે કરી હતી. સની નાલાસોપારા-ઈસ્ટમાં રહે છે અને ટ્રેનમાંથી પડી જવાને કારણે તે ઘાયલ થયો હોવાની જાણ તેના પરિવારજનોને કરી દેવામાં આવી હતી. સની ટ્રેનના દરવાજા પાસે ઊભો રહીને વાત કરી રહ્યો હતો અને બૅલૅન્સ ગુમાવતાં તે ટ્રેનમાંથી નીચે પટકાયો હતો, એવું પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું.

ચેઇન-પુલિંગ કર્યા છતાં ટ્રેન ન થોભી

શનિવારે રાતે બનેલી ઘટનામાં જોકે નાલાસોપારાનો યુવક સની નસીબદાર રહ્યો હતો, પણ જો ખરેખર તેની સાથે કંઈક અજુગતુ બન્યું હોત તો જવાબદારી કોની એ સવાલ અહીં ઊભો થયો છે. કારણ કે જે સમયે સની ચાલતી ટ્રેનમાંથી પડ્યો હતો ત્યારે ટ્રેનમાં પ્રવાસ કરતા અન્ય પ્રવાસીઓએ ટ્રેન થોભાવવા માટે ચેઇન-પુલિંગ કર્યું હતું, પણ ટ્રેન ઊભી નહોતી રહી અને સીધી અંધેરી પહોંચી ગઈ હતી. આ ટ્રેનમાં મુસાફરી કરતી એક મહિલા ઉતારુએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ટ્રેનમાંથી યુવક પડી ગયો ત્યારે અન્ય પ્રવાસીઓએ ચેઇન-પુલિંગ કર્યું હતું, પણ ટ્રેન સડસડાટ દોડી ગઈ હતી અને સીધી અંધેરી સ્ટેશને ઊભી રહી હતી. શનિવારની ઘટનામાં તો સની લકી સાબિત થયો હતો, પણ અનેક વાર સમયસર સારવાર ન મળવાને લીધે ઉતારુએ જીવ ગુમાવવાનો વારો આવે છે. આ સંદર્ભે રેલવેના એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે મોટરમૅન અને ગાર્ડની સમયસૂચકતાને લીધે મોટા અકસ્માત નિવારાયા હોવાનું અનેક વાર બન્યું છે. શનિવારની ઘટનામાં રેલવેને અફસોસ છે, પણ કોઈક ટેક્નિકલ ફૉલ્ટને કારણે ટ્રેન ઊભી નહીં રહી હોય. પ્રવાસીઓની સલામતી એ જ હંમેશાં મોટરમૅન અને ગાર્ડની સૌથી મોટી પ્રાથમિકતા હોય છે.

આ પણ વાંચો : વિલે પાર્લેમાં આગમાં ત્રણ ઑફિસ ખાખ

યુવક કેવી રીતે પડી ગયો?

નાલાસોપારામાં રહેતા ૨૦ વર્ષના સનીનું ચાલતી ટ્રેનમાંથી પડી જવાના ખરા કારણની રેલવે પોલીસને જાણ નથી, પણ આ જ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા અન્ય એક પ્રવાસીએ જણાવ્યા અનુસાર સની કોઈક સાથે ફોન પર ગુસ્સામાં વાત કરી રહ્યો હતો. પાછળના મહિલા કોચ તરફ તે વારંવાર વાંકો વળીને કોઈકને જોઈ રહ્યો હતો અને એને કારણે જ તેનું બૅલૅન્સ ગયું હતું અને તે નીચે પડ્યો હતો. જોકે નસીબજોગ સનીનો જીવ બચી ગયો હતો, પણ તેને હાથમાં ગંભીર ઈજા થઈ છે. 

mumbai mumbai news western railway indian railways