મધ્ય રેલવેમાં આવતી કાલે પાંચ કલાકનો વિશેષ બ્લૉક રખાયો

24 December, 2019 01:05 PM IST  |  Mumbai

મધ્ય રેલવેમાં આવતી કાલે પાંચ કલાકનો વિશેષ બ્લૉક રખાયો

પ્રતીકાત્મક તસવીર

મધ્ય રેલવેમાં સામાન્ય રીતે રવિવારે મેગા બ્લૉક હાથ ધરવામાં આવે છે, પણ બુધવારે ક્રિસમસની રજા આવતી હોવાને કારણે મધ્ય રેલવેએ બુધવારે પાંચ કલાકનો વિશેષ બ્લૉક હાથ ધરવાનો નિર્ણય લીધો છે. ઠાકુર્લીમાં પુલના બાંધકામ માટે કલ્યાણ-ડોમ્બિવલીની લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે, જ્યારે બહારગામ જતી અનેક મેલ-એક્સપ્રેસ ટ્રેનો પણ રદ કરવામાં આવશે.
ઠાકુર્લી સ્ટેશને પાદચારી પુલનું ગર્ડર બેસાડવા માટે કલ્યાણ-ડોમ્બિવલી સ્ટેશન દરમ્યાન સ્લો અને ફાસ્ટ ટ્રૅક તેમ જ પાંચમ‌િ અને છઠ્ઠી લાઇન પર બુધવારે ૨૫ ડિસેમ્બરે વિશેષ બ્લૉક હાથ ધરવામાં આવશે. સવારે ૯.૪૫થી બપોરે ૧.૪૫ વાગ્યાના સમયગાળામાં ૪૦૦ મેટ્રિક ટન વજન ધરાવતા ૬ મીટર પહોળાં ચાર ગર્ડર બેસાડવાનું કામ હાથ ધરાવાનું છે એને લીધે કલ્યાણ-ડોમ્બિવલી દરમ્યાનનો રેલવે-વ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન ૧૬ મેલ-એક્સપ્રેસ ટ્રેનો પણ રદ કરવામાં આવશે.

લોકલ ટ્રેનો પર અસર

મધ્ય રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ બ્લૉક દરમ્યાન કલ્યાણથી ડોમ્બિવલી દરમ્યાન સવારે ૯.૪૫થી બપોરે ૧.૪૫ વાગ્યા સુધી લોકલ ટ્રાનો બંધ રહેશે. દર ૨૦ મિનિટે કલ્યાણ-કર્જત અને કસારા મારર્ગે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે તેમ જ દર ૧૫ મિનિટે ડોમ્બિવલી-થાણે અને સીએસએમટીની વિશેષ ટ્રેનો દોડાવાશે. જોકે સીએસએમટીથી દાદર, કુર્લા, થાણે સુધીના રેલવે-વ્યવહાર એના સમય મુજબ ચાલુ રહેશે.

કઈ મેલ-એક્સપ્રેસ ટ્રેનો થશે રદ

વિશેષ બ્લૉક દરમ્યાન સીએસએમટી-પુણે સિંહગડ, સીએસએમટી-પુણે ડેક્કન ક્વીન, સીએસએમટી-મનમાડ પંચવટી, સીએસએમટી-મનમાડ રાજ્યરાણી, દાદર-જાલના જનશતાબ્દી, સીએસએમટી-કોલ્હાપુર મહાલક્ષ્મી અને સીએસએમટી-ભુસાવલ પૅસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે.

central railway mumbai trains mumbai news