મુંબઈ: ધૂળેટીના દિવસે ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવનો આંકડો વધ્યો

22 March, 2019 09:27 AM IST  |  મુંબઈ

મુંબઈ: ધૂળેટીના દિવસે ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવનો આંકડો વધ્યો

બુરા ન માનો હોલી હૈ: માહિમમાં બાઇકરની ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ ટેસ્ટ કરી રહેલા ટ્રાફિક પોલીસના જવાનો. શિવાજી પાર્કમાં હોળીની ઉજવણી કરી રહેલી યંગસ્ટર્સ અને થાણેમાં પોલીસોને પણ હોળીની ઉજવણીમાં સામેલ કરી રહેલી નિર્દોષ બાળકી. તસવીરો : પ્રદીપ ધિવાર,આશિષ રાજે અને સમીર માર્કન્ડે

મુંબઈમાં ગઈ કાલે હોળીની ઉજવણીમાં ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવના કેસમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષે‍ ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવના ૩૭૫ કેસ નોંધાયા હતા. એની સામે આ વર્ષે‍ ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવના ૪૬૧ કેસ નોંધાયા હતા. આખો દિવસ ટ્રાફિક-પોલીસે કુલ ૯૧૯૧ વાહનચાલકો સામે વિવિધ ગુના હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ હોળીની ઉજવણી દરમ્યાન નાની-મોટી ઈજાને કારણે ગઈ કાલે હૉસ્પિટલમાં ૧૫ લોકોને સારવાર લેવાની જરૂર પડી હતી.

હોળીની ઉજવણી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન નોંધાય એ માટે ૮૫૦૦ પોલીસ જવાનો અને ૩૦૦૦ ટ્રાફિક-પોલીસના જવાનોને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે છ વાગ્યા સુધીમાં ૪૬૧ ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવના, ૧૬૨ રૅશ ડ્રાઇવિંગના, ૩૪૫ ઓવરસ્પીડિંગના, ૬૮૦ ટ્રિપલ સીટના, હેલ્મેટ વગર બાઇક ચલાવવા બદલ ૪૫૯૫ લોકો સામે અને અન્ય કેસ ૨૯૪૮ નોંધવામાં આવ્યા હતા. ગયા વર્ષે હેલ્મેટ વગર બાઇક ચલાવવા બદલ ૪૪૧૭ કેસ નોંધવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : નાલાસોપારાના બીચ પર હોળી મનાવવા ગયેલા બે પરિવાર પર આફત આવી

આખા દિવસની હોળીની ઉજવણી દરમ્યાન મુંબઈ મહાનગરપાલિકાની હૉસ્પિટલોમાં ૬૦ લોકોને જ્યારે રાજ્ય સરકાર સંચાલિત હૉસ્પિટલોમાં ૧૫ લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આમાંથી મોટા ભાગના લોકોને હલકી ગુણવત્તાના રંગને કારણે થયેલી વિવિધ તકલીફો માટે અને નશાનું વધુપડતું સેવન કરવાને લીધે બગડેલી તબિયત માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

holi mumbai news