​ટ્રાફિક રૂલ્સ તોડનારાઓ પાસેથી 577 કરોડનો દંડ વસૂલાયો

22 November, 2019 09:23 AM IST  |  Mumbai

​ટ્રાફિક રૂલ્સ તોડનારાઓ પાસેથી 577 કરોડનો દંડ વસૂલાયો

ટ્રાફિક

દેશમાં રોડ-ઍક્સિડન્ટનું પ્રમાણ ઘટે, વાહનચાલકો પોતાની અને રાહદારીઓની સલામતી વિશે સજાગ થાય એવા ઉદ્દેશથી દેશમાં મોટર વેહિકલ્સ અમેન્ડમેન્ટ ઍક્ટ, ૨૦૧૯નો અમલ સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો છે. આ નવા કાયદામાં દંડની જોગવાઈઓમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આજે લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં દેશના પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વિવિધ રાજ્યોમાં આનો અમલ થયો છે અને એના થકી કુલ ૫૭૭ કરોડ રૂપિયાના દંડની વસૂલાત રાજ્યની પોલીસે કરી છે.

સમગ્ર દેશમાં આ કઠોર કાયદાનો ભારે વિરોધ થયો હતો. ગુજરાત જેવાં રાજ્યોમાં દંડની જોગવાઈઓ હળવી કરવામાં આવી હતી અને કેટલાક કિસ્સામાં એનો અમલ ૧ નવેમ્બરથી કરવામાં આવ્યો છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘નવા કાયદાના અમલ પછી કુલ ૩૮,૩૯,૪૦૬ ચલાન કે ગુના નોંધાયા છે અને ૫૭૭ કરોડ રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યા છે એટલે કે સરેરશ ૧૫૦૨ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે એમ કહી શકાય. જવાબમાં આપેલી રાજ્યવાર માહિતી અનુસાર સૌથી વધુ દંડની રકમ ઉત્તર પ્રદેશમાંથી વસૂલવામાં આવી છે. આ રાજ્યમાં કુલ ૯.૮૩ લાખ ચલાનમાં ૨૦૧.૯૧ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. બીજા ક્રમે ગુજરાત આવે છે જ્યાં ૨.૨૨ લાખ ચલાનમાં ૧૦૧.૨૭ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સરેરાશ ગુજરાતની ઘટનાઓમાં દંડ ૪૫૪૨ રૂપિયાનો થાય છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં ૨૦૫૩ રૂપિયાનો થાય છે.’

જોકે ગડકરીએ દાવો કર્યો હતો કે નવા કાયદાના અમલ પછી દેશમાં આકસ્મિક મૃત્યુ પ્રકારની ઘટનાઓ અને એની સંખ્યામાં ઘટાડો થયો છે. લેખિત જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ ગયા વર્ષના ૧૫૦૩થી ૯.૮ ટકા ઘટીને ૧૩૫૫ થયું છે. ગુજરાતમાં અા પ્રમાણ ૫૫૭ સામે ૪૮૦ નોંધાયું છે.

mumbai news nitin gadkari mumbai traffic