મુંબઈ: જાતીય શોષણનો અંત લાવવા પ્રેમી સાથે મળીને બૉસનું કર્યું મર્ડર

19 March, 2019 01:03 PM IST  |  મુંબઈ

મુંબઈ: જાતીય શોષણનો અંત લાવવા પ્રેમી સાથે મળીને બૉસનું કર્યું મર્ડર

નિત્યાનંદ પાંડે અને તેમની ઑફિસમાં કામ કરતી અંકિતા મિશ્રા.

મીરા રોડના પત્રકારની હત્યાનો ભેદ ઉકેલાયો

મૅગેઝિન ‘ઇન્ડિયા અનબાઉન્ડ’ના એડિટર નિત્યાનંદ પાંડેની હત્યાનો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલીને એક મહિલા સહિત બે જણની અરેસ્ટ કરી હતી. ચોંકાવનારી બાબત એ હતી કે પત્રકાર પોતાને ત્યાં કામ કરતી મહિલાનું જાતીય શોષણ કરતો હતો અને તેનાથી છુટકારો મેળવીને લગ્ન કરવા માગતી આ મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને આખું કાવતરું ઘડ્યું હતું. આ બાબતનો ખુલાસો કરતાં ગઈ કાલે ઍડિશનલ SP થાણે (રૂરલ)એ કહ્યું હતું કે નિત્યાનંદ પાંડે તેની ઑફિસમાં કામ કરતી યુવતીનું જાતીય શોષણ કરતો હોવાથી મહિલાએ તેના પ્રેમીની સાથે મળીને તેની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

શા માટે મર્ડર થયું?

કાંદિવલી (વેસ્ટ)માં પ્રિન્ટિંગ-પ્રેસ ધરાવતો સતીશ મિશ્રા નિત્યાનંદ પાંડેના મૅગેઝિન ‘ઇન્ડિયા અનબાઉન્ડ’ની છપાઈનું કામ તેના પ્રેસમાં કરતો હતો એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘અંકિતા મિશ્રા ત્રણ વર્ષથી નિત્યાનંદ પાંડેની ઑફિસમાં ઍડ્મિન તરીકે કામ કરતી હતી અને નિત્યાનંદ છેલ્લાં બે વર્ષથી અંકિતા સાથે સેક્સ્યુઅલ રિલેશન ધરાવતો હતો. અંકિતા અને સતીશ વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા અને બન્ને મૅરેજ કરવાનાં હતાં. આ વાત અંકિતાએ નિત્યાનંદ પાંડેને કહી હતી અને છેલ્લા થોડા મહિનાથી તેની સેક્સ્યુઅલ માગણીને સંતોષવાની ના પાડી દીધી હતી. બીજી તરફ નિત્યાનંદ પાંડેને આ વાત મંજૂર નહોતી અને તે અંકિતાને ધમકાવતો હતો કે તે તેની સાથેના ફોટો અને વિડિયો જાહેર કરી દેશે. અંકિતાને ખબર હતી કે નિત્યાનંદ પાંડેની પોલીસ અને રાજકીય વગ છે. એથી તેણે ફરિયાદ કરવાને બદલે નિત્યાનંદ પાંડેનો કાંટો કાઢી નાખવા માટે એક અઠવાડિયા પહેલાં યોજના બનાવી હતી.’

કઈ રીતે કર્યું મર્ડર?

ઉત્તનમાં એક રૉહાઉસ બતાવવાના બહાને સતીશે નિત્યાનંદ પાંડેને ફોન કર્યો હતો એમ જણાવીને પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે ‘નિત્યાનંદની એક કાર ખરાબ હતી અને બીજી કારનો ડ્રાઇવર હતો નહીં એટલે અગાઉથી યોજના કર્યા મુજબ સતીશ તેની ઇનોવા કાર લઈને મીરા રોડ આવ્યો હતો અને સવારે ત્રણેય જણ ઉત્તન તરફ ગયા ત્યારે રસ્તામાં અંકિતાએ એનર્જી ડ્રિન્કમાં અગાઉથી તેની પાસે રાખેલી ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. આ ડ્રિન્ક નિત્યાનંદે પીધા બાદ તે બેભાન થઈ ગયો હતો. બાદમાં સતીશે અને અંકિતાએ પાંડેનું ગળું દોરી વડે દબાવીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા પાંડેની બૉડીને એક અવાવરું સ્થળે નાખી દેવાનો નિર્ણય કર્યો હતો. બૉડી ભિવંડી તાલુકાના ખારડી ગામની ખાડીના મોરીચ્યા બ્રિજની નીચે સાંજના સમયે ફેંકીને તેઓ નાસી ગયા હતા.

આરોપીઓ કઈ રીતે પકડાયા?

આરોપીઓ કઈ રીતે પોલીસની પકડમાં આવ્યા એ વિશે પોલીસે કહ્યું હતું કે ‘નિત્યાંનદ પાંડે ૧૫ માર્ચથી મિસિંગ હતા. મિસિંગની ફરિયાદ કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં નિત્યાનંદ પાંડેનાં પત્ની પૂનમ પાંડેએ ૧૬ માર્ચે કરી હતી. અંકિતા મિશ્રાએ કહેલી કહાની મુજબ કાશીમીરા હાઇવે પાસે આવેલી સાંઈ હોટેલ પાસે તે નિત્યાનંદ પાંડેને મૂકીને પાછી આવી હતી. એથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મીરા રોડની તેની ઑફિસની આસપાસ અને સાંઈ હોટેલ વિસ્તારની આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતા. નિત્યાનંદ પાંડે અને અંકિતાના મોબાઇલની કૉલ્સ-ડીટેલ્સ અને લોકેશન તપાસતાં જાણવા મળ્યું હતું કે અંકિતા અને પાંડે સાંઈ હોટેલ પાસે ગયાં જ નહોતાં અને તેમનું લોકેશન બૉડીવાળી જગ્યાની આસપાસનું મળી આવ્યું હતું. એથી પોલીસે અંકિતાની શંકાના આધારે અટક કરીને આકરી પૂછપરછ કરતાં નિત્યાનંદ પાંડેની હત્યા તેના પ્રેમી સતીશ સાથે મળીને કરી હોવાનું કબૂલી લીધું હતું.’

ભિવંડી તાલુકાના પોલીસ-સ્ટેશનમાં ૨૪ વર્ષની અંકિતા મિશ્રા અને ૩૪ વર્ષના સતીશા મિશ્રાની ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ અને ૨૦૧ અન્વયે ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી.

bhiwandi mumbai police Crime News mumbai crime news mumbai news