તપાગચ્છીય જૈન સંઘો અને સાધુ-સાધ્વીજીઓ પાળશે પ્રવર સમિતિનું નિર્દેશન

24 April, 2020 10:42 AM IST  |  Mumbai Desk | Alpa Nirmal

તપાગચ્છીય જૈન સંઘો અને સાધુ-સાધ્વીજીઓ પાળશે પ્રવર સમિતિનું નિર્દેશન

પ્રતીકાત્મક તસવીર

 શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘની તપાગચ્છીય પ્રવર સમિતિએ સેકન્ડ લૉકડાઉન જાહેર થયા બાદ નવું નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં શ્રમણ સમુદાય, જૈન સંઘો, ટ્રસ્ટો, મંડળો અને શ્રાવક-શ્રાવિકાઓને આગામી દિવસોમાં શું કરવું અને શું ન કરવું એ માટેનાં નિવેદનો કરવામાં આવ્યાં છે.
તપાગચ્છીય પ્રવર સમિતિના કાર્યવાહક ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી સુરતથી ‘મિડ-ડે’ને કહે છે કે ‘તપાગચ્છના ૨૫ સમુદાયોને સાંકળીને પ્રવર સમિતિનું નિર્માણ થયું છે અને એમાં તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી મનોહર કીર્તિસાગરસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ આચાર્યશ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી, ગચ્છાધિપતિ આચાર્યશ્રી દોલત સાગરસૂરીશ્વરજીના માર્ગદર્શન અનુસાર અમે જૈન ધર્મને લગતા નિર્ણયો લઈએ છીએ, જે સમસ્ત વિશ્વના ૯૯ ટકા તપાગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘો, સાધુ-સાધ્વીઓ અને શ્રાવક સમુદાય પાલન કરે છે. કોરોના મહામારીના ઉપદ્રવ નિમિત્તે અમે અત્યાર સુધી ૮ નિવેદનપત્ર બહાર પાડ્યાં છે. ૧૪ એપ્રિલે લૉકડાઉનનું એક્સટેન્શન થતાં અમે નવમું નિવેદનપત્ર બહાર પાડ્યું છે. એમાં પ્રભુપૂજા, વર્ષીતપનાં પારણાં, વર્ષગાંઠ-ધ્વજારોહણ, સાધુ-સાધ્વી ભગવંતોના ચાતુર્માસ-વિહાર, આરાધના  વિષયક નિર્દેશો આપ્યા છે.’ 
અભયદેવસૂરીશ્વરજી મહારાજ આગળ કહે છે કે ‘થોડા દિવસ બાદ અક્ષયતૃતીયાના દિવસે જૈનોના મહામોટા ૪૦૦  દિવસના વર્ષીતપનાં પારણાં થશે. પરંપરા અનુસાર આ પારણાં શેરડીના રસથી કરવાનાં રહે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં શેરડીનો રસ મેળવવો મુશ્કેલ હોવાથી લીંબુ વગરના ગોળના પાણી કે સાકરના પાણીથી પારણું કરી વિધિ સાચવી  શકાય છે. આ તપનાં પારણાં ઉત્તર પ્રદેશમાં આવેલા હસ્તિનાપુર તીર્થ અને પાલિતાણામાં કરવાનું ભારે મહત્ત્વ છે. હજારો ભાવિકો એ માટે ત્યાં જાય છે, પણ આ વખતે ત્યાંનો પારણા-મહોત્સવ કૅન્સલ થયો છે. ભગવાનનાં દર્શન તથા પૂજા માટે શત્રુંજય અથવા ભગવાનના ફોટો સામે દ્રવ્યપૂજા, ભાવપૂજા અને ભાવયાત્રા કરી લેવી.  પારણાં નિમિત્તે કોઈ સંઘે કે શ્રાવકે કાર્યક્રમો કરવા નહીં અને ગિરદી ભેગી કરવી નહીં.’
અખાત્રીજ બાદ મે મહિનામાં જૈન અનુયાયીઓ માટે બે મોટા દિવસ આવે જ છે. ૭ મેએ વૈશાખ સુદ પૂનમે ગુજરાતમાં આવેલા ગિરનાર તીર્થની ૮૯૧મી વર્ષગાંઠ અને ૧૨મી મેએ વૈશાખ વદ છઠે પાલિતાણા તીર્થની ૪૮૯મી વર્ષગાંઠ આવી રહી છે. એ દિવસે અહીં ધ્વજારોહણ થાય છે. ભારતભરમાંથી જૈન ભક્તો ત્યાં પહોંચે છે. આ બેઉ તીર્થની પેઢીએ ભાવિકોને આ પ્રસંગે ત્યાં ન આવવાની અપીલ કરી છે. 
અભયદેવસૂરીશ્વરજી મહારાજસાહેબ કહે છે કે ‘જ્યાં સુધી સ્થાનિક પેઢીની મંજૂરી ન મળે ત્યાં સુધી જાત્રા કરવા જવું નહીં. પેઢીને પૂરેપૂરો સહકાર આપવો. એ ઉપરાંત જે જિનાલયોમાં લૉકડાઉન સમય દરમ્યાન વર્ષગાંઠ આવે છે ત્યાં જો ધજાની સગવડ હોય તો એક લાભાર્થી, એક પૂજારી મળી બે વ્યક્તિ સંજોગ પ્રમાણે વિધિ સાચવી લે. વધુ લોકો ભેગા થાય નહીં અને જો એ પણ શક્ય ન બને તો પછીના દિવસોમાં સારું મુહૂર્ત જોઈને અઢાર અભિષેક, સ્નાત્રપૂજા અને ધજાની વિધિ કરી શકે છે. જોકે આ પ્રમાણેના નિર્દેશથી ઘણા ભક્તોને દુઃખ થાય, સદીઓથી ચાલતી આવતી પરંપરા કેમ તોડવી એવા પ્રશ્નો પણ થાય, પરંતુ એ દરેક સંઘ શ્રમણ શ્રાવકને અમારે એટલું જ કહેવું છે કે  હાલના સમયમાં રાષ્ટ્રધર્મ નિભાવવો એ દરેક નાગરિકની ફરજ છે. લોક વિરુદ્ધ કૃત્ય કરવાથી જૈન શાસનની અને ધર્મની નિંદા થાય છે. કોઈ પણ પ્રસંગોમાં પ્રભુશાસનની અવહેલના ન થાય એવી સાવચેતી રાખવી જરૂરી છે એથી દરેકે વિવેક અને ઔચિત્યપૂર્વક વર્તવું.’
આ ઉપરાંત પ્રવર સમિતિએ સાધુ-સાધ્વીજીને પણ વિહાર અને ચાતુર્માસ સંબંધી નિર્દેશનો આપ્યાં છે. સમસ્ત દેશમાં ૧૦,૦૦૦થી વધુ જૈન સંઘો, ૧૨,૦૦૦થી વધુ સાધુ-સાધ્વીજીઓ પ્રવર સમિતિ હેઠળ છે. લૉકડાઉનને લીધે બધા જ શ્રમણોનો વિહાર અટકી પડ્યો છે. ઘણા મુનિઓ ચાતુર્માસના સ્થળથી બહુ દૂર છે. આવા સંજોગોમાં શ્રમણ-શ્રમણીઓ અત્યારે ત્યાં જ રોકાઈ રહે અને નજીકના સ્થાનમાં જ ચાતુર્માસ કરવા માટે વિચાર કરવો એવું સૂચન કરાયું છે. પરિસ્થિતિની વિષમતા જોતાં ૫૦૦થી ૭૦૦ કિલોમીટરનો વિહાર બહુ મુશ્કેલ બને છે. આવા સંજોગોમાં શ્રી સંઘ પણ સહકાર આપે એવો નિર્દેશ પ્રવર સમિતિએ કર્યો છે. એ ઉપરાંત સાધુ-સાધ્વીઓને પર્સનલ લેવલ પર વિવિધ કાળજી રાખવાનો આદેશ પણ કરાયો છે.
ચાતુર્માસ દરમ્યાન મોટા કાર્યક્રમ ન યોજવા. તમામ મહોત્સવ, અનુષ્ઠાનો, પ્રસંગો મોકૂફ રાખવાની ભલામણ સાથે પ્રવર સમિતિએ શ્રાવક-શ્રાવિકાઓને પ્રભુપૂજા અને આરાધના માટેનાં સૂચન કર્યાં છે. અભયદેવસૂરીશ્વરજી મહારાજ કહે છે કે ‘આવા નિર્ણય દરેક ગુરુભગવંતે ખૂબ સમજી-વિચારીને લીધા છે. એ વિશે દરેકે ગંભીરતાથી વિચારવું અને ગંભીરતાથી આચરણમાં મૂકવું. થોડી બેકાળજી અંગત રીતે તો નુકસાન કરાવે જ, પરંતુ સંઘ-શાસનને બહુ મોટું નુકસાન કરાવે એમ બને.’

mumbai mumbai news alpa nirmal