બાંદરામાં બસો માટે રસ્તો બંધ કરવાથી લાખો લોકો પરેશાન

15 December, 2019 03:02 PM IST  |  Mumbai Desk

બાંદરામાં બસો માટે રસ્તો બંધ કરવાથી લાખો લોકો પરેશાન

બાંદરા (પૂર્વ)માં રેલવે સ્ટેશન નજીક બસો માટે બંધ કરી દેવાયેલો રસ્તો.

બાંદરા (પૂર્વ)માં રેલવે સ્ટેશનને અડીને આવેલા રોડ પરનું નાળું પહોળું કરવા માટે પાલિકાએ પંદર દિવસથી બસો માટે રસ્તો બંધ કર્યો છે, પરંતુ હજી સુધી આ કામ ચાલુ ન કરાતાં લોકોએ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ચાર મહિનાથી સ્કાયવૉક બંધ છે અને બીજી બાજુ બસો બંધ કરી દેવાને લીધે સ્ટેશનેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ અવરજવર કરતાં લાખો લોકો પરેશાન થઈ રહ્યા છે. બસ માટે રસ્તો બંધ કરવાથી લોકોએ બાંદરા-ઈસ્ટ બસ ડેપોથી બસ પકડવી પડે છે.

બાંદરા (પૂર્વ)માં રેલવે સ્ટેશનને અડીને આવેલા રોડથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ જવા માટે બેસ્ટની ૩૦૩, ૩૧૦, ૩૧૬ અને ૩૧૭ નંબરની બસો ઉપરાંત ખાસ ડાયમંડ માર્કેટ માટે શરૂ કરાયેલી એસી બસો ઊપડે છે. જોકે રસ્તાના ખૂણે આવેલા નાળાને પહોળું કરવા માટે પાલિકાએ પંદરેક દિવસ પહેલાં અડધાથી વધારે રસ્તો બંધ કરવાથી અહીંથી બસોની અવરજવર બંધ થઈ છે. જે કામ કરવા માટે આ રસ્તો બંધ કરાયો છે એ બે અઠવાડિયાંથી વધુ સમય થયો હોવા છતાં કામ શરૂ નથી કરાયું.
ભારત ડાયમંડ બુર્સમાં દરરોજ જતાં દિલીપ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કાયવૉક બંધ હોવા હોવાથી અમે દરરોજ મુશ્કેલી અનુભવી રહ્યા છીએ, એમાં પાલિકાએ બસો માટેનો રસ્તો બંધ કરતાં મારી જેવા લાખો લોકો માટે અહીંથી આવવા-જવાનું ખૂબ મુશ્કેલ બની ગયું છે. કેટલાક લોકોએ તો એમએમઆરડીએમાં સ્કાયવૉકનો હાઈવે સુધીનો ભાગ ચાલુ કરવાની માગણી પણ કરી છે, પરંતુ એનું કોઈ પરિણામ નથી આવ્યું.’
બાંદરાનો આ માર્ગ મુંબઈ મહાનગરપાલિકાના એચ-ઈસ્ટ વૉર્ડમાં આવે છે. શા માટે નાળું પહોળું કરવાનું કામ શરૂ નથી થયું તે વિશે જાણવા આ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર અલકા સસાને‍નો ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો.

bandra mumbai mumbai news