મિડ-ડેના ફોટો જર્નલિસ્ટની પોલીસ દ્વારા મારપીટ

07 February, 2020 07:51 AM IST  |  Mumbai | Anurag Kamble

મિડ-ડેના ફોટો જર્નલિસ્ટની પોલીસ દ્વારા મારપીટ

નાગપાડાના મુંબઈ બાગમાં ગઈ કાલે નાગરિકતા કાયદા સામે મહિલાઓના વિરોધ-પ્રદર્શનના કવરેજ માટે ગયેલો ‘મિડ-ડે’નો સિનિયર ફોટો જર્નલિસ્ટ આશિષ રાજે પોલીસના ગેરવર્તનનો ભોગ બન્યો હતો. પોલીસે કરેલી મારઝૂડને કારણે આશિષ રાજે ઘાયલ થતાં એ સંદર્ભની ફરિયાદની નોંધ રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે લીધી હતી. આ ઘટનાને પ્રેસ ક્લબ ઑફ મુંબઈએ વખોડી કાઢી છે.

આશિષ રાજે ગઈ કાલે મુંબઈ બાગના વિરોધ-પ્રદર્શનના કવરેજ માટે પહોંચ્યો ત્યારે ગેટ પાસે પોલીસે તેનું આઇડેન્ટિટી કાર્ડ માગ્યું હતું. રાજે પૅન્ટના ખિસ્સામાંથી આઇડેન્ટિટી કાર્ડ કાઢતો હતો એ વખતે મુંબઈ બાગની અંદર જવા ઇચ્છતી મહિલાઓ ગેટ પર એકઠી થઈ હતી. તેમને જગ્યા આપવા માટે આશિષ રાજે દરવાજેથી સહેજ આગળ ગયો હતો. એ વખતે બે પુરુષ પોલીસ અધિકારીઓએ રાજેની ક્રૂરતાપૂર્વક મારઝૂડ કરી હતી. જોકે એ ઘટનાની ફરિયાદની નોંધ રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે લીધી છે.

મુંબઈ બાગના વિરોધ-પ્રદર્શન તરફ બૉલીવુડની સેલિબ્રિટીઝ આકર્ષાઈ છે. ગઈ કાલે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી મુંબઈ બાગમાં દેખાવકારોને મળવા ગયા હતા. એ ઉપરાંત સાંજે વિરોધ-પ્રદર્શન પાછું ખેંચાવાની અટકળો પણ વહેતી થઈ હતી. બપોરે લગભગ સવાત્રણ વાગ્યે આશિષ રાજે મુંબઈ બાગ પહોંચ્યો હતો.

આશિષ રાજેએ કહ્યું કે ‘થોડા ફોટોગ્રાફ્સ લીધા પછી હું અને અન્ય એક ફોટો જર્નલિસ્ટ બ્રેક લેવા માટે પોલીસ-બૅરિકેડ્સની બહાર નીકળ્યા હતા. બહાર આંટો માર્યા પછી પાછો ગયો ત્યારે પોલીસે મારી પાસે આઇડેન્ટિટી કાર્ડ માગ્યું હતું. મારી પાસેના સામાનમાં બૅકપૅક ઉપરાંત એક લેન્સ અને ખભા પર બીજી એક બૅગ હતી એથી મારે માટે આઇડેન્ટિટી કાર્ડ કાઢવું મુશ્કેલ હતું, કારણ કે કાર્ડ મારા પૅન્ટના પાછળના ખિસ્સાના વૉલેટમાં હતું. હું કાર્ડ કાઢતો હતો એ વખતે કેટલીક મહિલાઓ દરવાજાથી અંદર જવાનો પ્રયત્ન કરતી હતી. બીજી બાજુ કેટલાક લોકો બહાર નીકળવા માગતા હતા. તેમને જગ્યા આપવા માટે હું વૉલેટ હાથમાં લઈને સહેજ અંદર ગયો હતો. હું બૅરિકેડ્સ પાર કરીને સહેજ અંદર ગયો ત્યારે રોષે ભરાયેલા બે પોલીસ જવાનોએ મને બાગની બહાર ધકેલવાનો પ્રયત્ન કર્યો હતો. મેં તેમને પૂછ્યું કે તમે આવું શા માટે કરો છો? એ વખતે તેમણે ફરી ધક્કો મારીને ચાર-પાંચ તમાચા ઝીંકી દીધા હતા. અન્ય પોલીસ જવાને પગમાં લાકડી પણ ફટકારી હતી. આ ઘટના દોઢેક મિનિટમાં બની હતી.’

mumbai news Crime News mumbai mumbai police