વાડિયા હૉસ્પિટલને ૨૦ કરોડ આપશે સુધરાઈ

14 January, 2020 10:27 AM IST  |  Mumbai

વાડિયા હૉસ્પિટલને ૨૦ કરોડ આપશે સુધરાઈ

બાળકોના રોગ માટેની પરેલની પ્રખ્યાત બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલ અને મહિલાઓ માટેની નવરોજજી મૅટરનિટી હૉસ્પિટલે નાણાંના અભાવે અને સરકારી એઇડ જે રૂપિયા ૨૨૯ કરોડ થવા જાય છે એ સમયસર ન મળતાં દરદીઓની સારવાર કરવાનું ઓછું કરી નાખ્યું છે અને દરદીઓને ડિસ્ચાર્જ આપી અન્ય હૉસ્પિટલમાં જવા ભલામણ કરાઈ રહી છે. ત્યારે આ મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પદાધિકારીઓ અને કાર્યકરોએ હૉસ્પિટલ સામે આજે વિરોધ-પ્રદર્શન કરી રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપલિકા તાત્કાલિક નાણાકીય સહાય કરે એવી માગણી કરી હતી. એ ઉપરાંત વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકરે પણ વાડિયા હૉસ્પિટલના સીઈઓની મુલાકાત લીધી હતી અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે આ મુદ્દે ફોન પર વાત કરી હતી. આમ વાડિયા હૉસ્પિટલના મુદ્દે રાજકારણ ગરમાતાં મેયર કિશોર પેડણેકરે બાકી નીકળતી રકમમાંથી હાલમાં ૨૦ કરોડ રૂપિયા આપવામાં આવશે એમ જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે નથી ઇચ્છતા કે મુંબઈકરને અગવડ ભોગવવી પડે. એથી હૉસ્પિટલ ચાલુ જ રહેશે અને સેવાઓ આપતી રહેશે.
આ પ્રદર્શનમાં રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરે, એમએનએસના ભૂતપૂર્વ વિધાનસભ્ય બાળા નાંદગાવકર અને પાર્ટીના અન્ય સમર્થકોએ ભાગ લીધો હતો. એમએનએસનાં જનરલ સેક્રેટરી રીટા ગુપ્તાએ કહ્યું હતું કે હૉસ્પિટલ મૅનેજમેન્ટે કર્મચારીઓનો પગાર પણ ચૂકવ્યો નથી. એ ઉપરાંત દરદીઓને યોગ્ય સારવાર અને દવા પણ આપવામાં આવતી નથી. રીટા ગુપ્તાએ આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે તેમણે આ સંદર્ભે પાલિકા કમિશનર અને અન્ય પદાધિકારીઓનો સંપર્ક કરી રજૂઆત કરી હતી એમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં અમારે વિરોધ-પ્રદર્શન કરવું પડ્યું હતું.

mumbai mumbai news