જિજ્ઞેશ મેવાણી સામે વસઈનાં અનેક હિન્દુત્વવાદી સંગઠનોનો વિરોધ

28 December, 2018 09:03 AM IST  |  | પ્રીતિ ખુમાણ ઠાકુર

જિજ્ઞેશ મેવાણી સામે વસઈનાં અનેક હિન્દુત્વવાદી સંગઠનોનો વિરોધ

જિજ્ઞેશ મેવાણી

ગુજરાતના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીનું નામ અનેક વિવાદો સાથે સંકાળેયલું છે. તેમના પર એવા આરોપ પણ છે કે તેઓ ભડકામણા ભાષણો આપે છે. વસઈ (વેસ્ટ)માં માણિકપુરમાં આજે સાંજે ચાર વાગ્યે પર્યાવરણ સંવર્ધન સમિતિ-હરિત વસઈ દ્વારા ‘પર્યાવરણ સંવર્ધન મેળાવા-૨૦૧૮’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્યાવરણ સંવર્ધન મેળાવામાં વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહેવાના છે અને કાર્યક્રમમાં પ્રમુખ વક્તા તરીકે જિજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહેવાના છે. જોકે તેમની આ હાજરી સામે વસઈ-નાલાસોપારા-વિરારનાં અનેક હિન્દુત્વવાદી સંગઠનોએ લાલ આંખ કરી છે. જિજ્ઞેશ મેવાણી વસઈમાં જાહેર ભાષણ પણ આપવાના હોવાથી એનો વિરોધ કરવા મોટી સંખ્યામાં લોકોએ માણિકપુર પોલીસને ઈ-મેઇલ, ફોન અને પત્રો દ્વારા વિરોધ દાખવ્યો છે તેમ જ ભડકામણાં ભાષણો આપવાના અનેક આરોપોનો સામનો કરી રહેલા જિજ્ઞેશ મેવાણી દ્વારા વસઈના કાર્યક્રમમાં આવું કોઈ પણ પ્રકારનું નિવેદન કરવામાં આવશે તો હિન્દુત્વવાદી સંગઠનોના લોકો એનો સખત વિરોધ કરશે એવું જણાવ્યું છે. આ વિરોધમાં કંઈ પણ ઉગ્ર પગલું લેવાયું તો એ માટે જવાબદાર પોલીસ-પ્રશાસન રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એથી આજે વસઈમાં આવનારા ગુજરાતના આ વિધાનસભ્ય શું બોલે છે એના પર સૌકોઈની નજર રહેવાની છે.

ગુજરાતી-રાજસ્થાની સેલ, જૈન માઇનૉરિટીના BJPના નાલાસોપારાના અધ્યક્ષ, ઍનિમલ ઍક્ટિવિસ્ટ નીલેશ ખોખાણીએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બુલેટ ટ્રેન, મુંબઈ-વડોદરા એક્સપ્રેસ, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિÿયલ કૉરિડોર, વિરાર-અલીબાગ એક્સપ્રેસવે જેવા અનેક વિષયો પર પર્યાવરણ સંવર્ધન મેળાવાનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ પર મેળાવો કરાય એનાથી અમને કોઈ જ સમસ્યા નથી, પરંતુ ભડકાઉ ભાષણ કરવાના અનેક આરોપ જેના માથા પર હોય એવી વ્યક્તિને પર્યાવરણ વિશે બોલવા કેમ આમંત્રણ આપવામાં આવ્યું છે? તેણે પર્યાવરણ વિશે અત્યાર સુધી શું કર્યું છે? વસઈમાં આજે જિજ્ઞેશ મેવાણી આવશે અને પહેલાં જેવું ભડકાઉ ભાષણ આપશે તો એ સહન કરવામાં નહીં આવે. તેમના ભડકાઉ ભાષણને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી તો એની જવાબદારી પોલીસ-પ્રશાસનની રહેશે. તેમણે પર્યાવરણના સંરક્ષણ વિશે જ ફક્ત ભાષણ આપવું જોઈએ. જાતિવાદ જેવા કોઈ પણ વિષય પર ભડકાઉ ભાષણ આપ્યું તો એ હિદુત્વવાદી સંગઠના સહન નહીં કરે. ભારત એકતાનો દેશ છે અને ત્યાં એકતાની વાત થવી જોઈએ, નહીં કે પોતાના ફાયદા માટે જાતિવાદ ઊભો કરવો જોઈએ.’

mumbai news vasai