મૉલ્સ અને રેસ્ટોરાંમાં કાગડા ઊડે છે, લોકો ઘરમાં પુરાઈ રહે છે

15 March, 2020 10:15 AM IST  |  Mumbai Desk | Gaurav Sarkar

મૉલ્સ અને રેસ્ટોરાંમાં કાગડા ઊડે છે, લોકો ઘરમાં પુરાઈ રહે છે

થિયેટર બંધ રહેતાં અંધેરીનો ઇન્ફિ​િનટી મૉલ પણ ખાલી જણાતો હતો. તસવીર:સતેજ શિંદે

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, પિંપરી-ચિંચવડ સહિત ૬ શહેરોમાં કોરોના વાઇરસની અલર્ટ જાહેર કર્યા પછી મુંબઈ તથા આસપાસનાં શહેરોમાં કેટલાક અપવાદોને બાદ કરતાં શૉપિંગ મૉલ્સ અને થિયેટર્સ નિયમો અને માર્ગદર્શક સૂચના મુજબ સક્રિય હતાં, પરંતુ મૉલ્સની અંદરનાં ફૂડ કોર્ટ્સ અને રીટેલ સ્ટોર્સમાં ભાગ્યે જ કોઈ ગ્રાહકો દેખાતા હતા. કરિયાણા અને ગૃહ વસ્તુ ભંડારની સુપર માર્કેટ્સમાં ખરીદી માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. લોકો ભયપૂર્વક ઘરવપરાશની વસ્તુઓનો સંગ્રહ કરતા હોય એવું નહોતું; પરંતુ અનાજ, કરિયાણા અને રાંધવાનાં તેલ, ટૉઇલેટ પેપર્સ, ચૉકલેટ્સ અને વેફર્સ-ચિપ્સ સુધીની વસ્તુઓની જોશપૂર્વક ખરીદી કરી રહ્યા હતા. ઘણા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.

પશ્ચિમનાં ઉપનગરોના મોટા ભાગનાં થિયેટરોમાં કોરોનાને કારણે બપોરે ૨.૩૦ વાગ્યા પછીના શો રદ કરવામાં આવ્યા હતા. ફક્ત સિટી મૉલના પીવીઆર થિયેટરમાં શો ચાલતા હતા. કેટલાંક થિયેટર્સમાં આખા દિવસના શો ટાઇમિંગ્સ માટે ‍ઑનલાઇન બુકિંગ્સ ઉપલબ્ધ હતાં. પ્રાઇવેટ જિમખાનામાં સ્વિમિંગ-પૂલ અને જિમ્નૅશ્યમ બંધ રાખવામાં આવ્યાં હતાં. એકલદોકલ જિમ્નૅશ્યમ અને ડાન્સ-ક્લાસ પણ બંધ રાખવામાં આવ્યાં હતાં. મૉલ્સના સ્ટાફર્સ અને સિક્યૉરિટીના જવાનો માસ્ક અને પીળાં ગ્લવ્ઝ પહેરીને ઊભા હતા. મૉલ્સના પ્રવેશદ્વાર પર સૅનિટાઇઝર્સની બૉટલ્સ રાખવામાં આવી હતી.

gaurav sarkar mumbai mumbai news coronavirus