મેલ-એક્સપ્રેસના સતર્ક ચાલકે સમયસર બ્રેક મારતાં દુર્ઘટના ટળી

06 January, 2020 11:43 AM IST  |  Mumbai Desk

મેલ-એક્સપ્રેસના સતર્ક ચાલકે સમયસર બ્રેક મારતાં દુર્ઘટના ટળી

ટ્રેનના ચાલક એસ. મુરુગનને ટ્રૅકમાં તિરાડ પડી હોવાનું ધ્યાનમાં આવતાં સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

રાજેન્દ્રનગર-લોકમાન્ય ટિળક ટર્મિનસ એક્સપ્રેસના ચાલકે સતર્કતા દાખવીને સમયસર બ્રેક મારતાં મધ્ય રેલવેમાં મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. ખડવલી અને ટિટવાલા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રૅકમાં તિરાડ પડી હોવાનું ધ્યાનમાં આવતાં ચાલકે બ્રેક મારી હતી જેને કારણે હજારો પ્રવાસીઓના જીવ બચી ગયા હતા એવું સેન્ટ્રલ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈથી ૬૦ કિલોમીટરના અંતરે ખડવલી અને ટિટવાલા સ્ટેશન નજીક સવારે પોણાદસ વાગ્યે આ બનાવ બન્યો હતો, જ્યારે રાજેન્દ્રનગર (પટના)થી લોકમાન્ય ટિળક ટર્મિનસ તરફ ટ્રેન આવી રહી હતી એવું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
ટ્રેનના ચાલક એસ. મુરુગનને ટ્રૅકમાં તિરાડ પડી હોવાનું ધ્યાનમાં આવતાં તેણે તાબડતોબ ઈમર્જન્સી બ્રેક મારીને ટ્રેનને થોભાવી દીધી હતી અને રેલવે સત્તાવાળાને આ વિશે જાણ કરી હતી.
ટ્રૅકની તિરાડનું સમારકામ હાથ ધરવામાં આવ્યા બાદ એ સલામત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ટ્રૅકનું સમારકામ હાથ ધરાયા બાદ ટ્રેનને ૧૦ કિલોમીટરની ગતિથી અહીંથી પસાર કરવામાં આવી હતી એવું રેલવેના પ્રવક્તા શિવાજી સુતારે જણાવ્યું હતું. ચાલક મુરુગનની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને તેના માટે મુરુગનનું બહુમાન કરવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું.

mumbai central railway