બે લાખથી વધુની લોન હશે તો લોનમાફી નહીં : ઉદ્ધવ ઠાકરે

29 December, 2019 01:36 PM IST  |  Mumbai

બે લાખથી વધુની લોન હશે તો લોનમાફી નહીં : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

રાજ્યની મહા વિકાસ આઘાડીની ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની સરકારે ગયા જ અઠવાડિયે રાજ્યના ખેડૂતોની ખેતી માટે લીધેલી લોન માફ કરવાની જાહેરાત કરી હતી. જેના અધ્યાદેશ મુજબ એપ્રિલ ૨૦૧૫થી માર્ચ ૨૦૧૯ સુધીમાં જે ખેડૂતોએ રૂપિયા બે લાખ સુધીની લોન લીધી હશે તેમને જ મળશે. એથી વધુ લોન લેનાર ખેડૂતોને એનો લાભ મળશે નહીં એમ રાજ્ય સરકારે શનિવારે બહાર પાડેલા જીઆરમાં જણાવ્યું છે. જેને કારણે ભારે વિવાદ ઉભો થયો છે.

રાજ્ય સરકાર દ્વારા આ લોનમાફી મહાત્મા જ્યોતિરાવ ફુલે ફાર્મર લોન વેવર સ્કીમ હેઠળ આપવામાં આવી છે. એ સિવાય કમિટી ઑફ ધ ફાઇનૅન્સ ઍન્ડ કો-ઓપરેશન ડિપાર્ટમેન્ટ નક્કી કરશે કે ખેડૂતોના નૅશનલાઇઝ્ડ બૅન્ક, ખાનગી બૅન્ક અને ગ્રામીણ બૅન્કના અકાઉન્ટસ-નોન પર્ફોર્મિંગ એસેટ્સ(એનપીએ)ને લોનમાફીમાં ગણવા કે નહીં. જીઆરમાં ખેડૂતની વ્યક્તિગત લોનને પણ ગણતરીમાં લેવાનું કહ્યું છે.

આ લોનમાફીનો લાભ ચૂંટાઈ આવેલા લોક પ્રતિનિધિઓ, હાલના અને ભૂતપૂર્વ વિધાનસભ્યો, રાજ્યના અને કેન્દ્રના સરકારી કર્મચારીઓ, જેમની મહિનાની આવક ૨૫,૦૦૦ રૂપિયા કરતાં વધુ છે અને જે ક્લાસ ૪ કર્મચારીઓ છે તેમને નહીં મળે.

ખેડૂતો દ્વારા વિરોધ-પ્રદર્શન

સરકારે માત્ર બે લાખ રૂપિયા સુધીની જ લોન માફ કરી હોવાથી ખેડૂતોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. ઔરંગાબાદ જિલ્લાના પૈઠણ તાલુકાના ઠાકેફળ ખાતે ખેડૂતોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કરતાં જીઆર સળગાવ્યો હતો.

આ લોનમાફી છેતરામણી

ખેડૂત નેતા અજિત નવલેએ આ લોનમાફી આપીને વિશ્વાસઘાત કરાયો હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પહેલાંની દેવેન્દ્ર ફડણવીસની સરકારે ખેડૂતોની લોનમાફી આપી ત્યારે વન ટાઇમ સેટલમેન્ટની સુવિધા પણ આપી હતી, જે મુજબ જો ખેડૂતની લોન વધુ હોય અને એ લોન ચૂકવી દેતા હોય તો તેમાંના દોઠ લાખ રૂપિયા સરકાર ચૂકવતી હતી. અત્યારે પણ મોટાભાગના ખેડૂતોની લોન બે લાખ કરતાં વધુ છે. એથી જો જીઆરને માનવામાં આવે તો મોટાભાગના ખેડૂતોને આ લોનમાફીનો લાભ નહીં મળે. સરકારે અનકન્ડિશનલ લોનમાફી જાહેર કરવી જોઈએ. સરકારે આ જીઆર પાછો ખેંચવો જોઈએ અને કોઈ પણ શરતો વગર લોનમાફી આપવી જોઈએ.

આ ખોટુ થયું : રાજુ શેટ્ટી

મહા વિકાસ આઘાડીના સભ્ય પક્ષ સ્વાભિમાની શેતકરી પક્ષના વડા રાજુ શેટ્ટીએ લોનમાફીના સંદર્ભે કહ્યું હતું કે ખેડૂતોને કોઈ પણ શરતો વગર લોનમાફી આપવામાં આવશે એવી વાત થઈ હતી, પણ હવે બે લાખની શરત મુકાઈ હોવાથી અનેક ખેડૂતોને તેનો લાભ નહીં મળે. આ ખોટું છે.

ખેડૂતો સાથે છેતરપિંડી : ચંદ્રકાન્ત પાટીલ

બીજેપીના નેતા ચંદ્રકાન્ત પાટીલે કહ્યું હતું કે ‘આ પહેલાંની દેવેન્દ્ર ફડણવીસની સરકારે ૨૦૦૧થી ૨૦૧૬ સુધીની ૧.૫ લાખ સુધીની ખેતીની લોન માફ કરી હતી. તો હવે મહા વિકાસ આઘાડી ક્યા ખેડૂતોની લોન માફ કરવાની છે? જ્યારે બીજેપીએ લોન માફ કરી હતી ત્યારે કૉન્ગ્રેસ અને એનસીપીએ હોબાળો મચાવ્યો હતો કે લોન માફ કરવામાં વળી શરતો કેવી? પણ હવે એ લોકોએ પણ શરત મૂકી જ છે. આ તો એવું થયું કે એ લોકો જે કરે એ બધું જ બરોબર અને અમે કરીએ એ ખોટું? ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે ખેડૂતોનો ૭/૧૨નો દાખલો કોરો કરીશું, પણ હવે બે લાખની લિમિટ મૂકી ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે.

mumbai mumbai news uddhav thackeray