મુંબઈઃમેટ્રો, મોનો રેલમાં બનાવો લગેજ-કોચ

24 February, 2019 09:02 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈઃમેટ્રો, મોનો રેલમાં બનાવો લગેજ-કોચ

મુંબઈ ડબ્બાવાળા એસોસિયેશનના અધ્યક્ષ સુભાષ તળકરે

મહારાષ્ટ્ર સરકારના મેટ્રો અને મોનો રેલની સુવિધા માટે મુંબઈગરા ખૂબ ઉત્સાહિત છે. આ ઉત્સાહ એટલા માટે છે કે દરરોજ લોકલ ટ્રેનની ભીડના ધક્કાથી રાહત મળવાની સાથે આરામથી પ્રવાસ કરવા મળશે. જોકે મેટ્રો અને મોનો રેલની સુવિધા ફક્ત કૉર્પોરેટ પ્રવાસીઓ માટે નહીં, પરંતુ ડબ્બાવાળા, નાના વેપારીઓ, શાકભાજીવાળા જેવા શ્રમજીવી લોકો માટે પણ હોવી જોઈએ અને એ માટે મેટ્રો, મોનો રેલમાં લગેજ-કોચની માગણી મુંબઈ ડબ્બાવાળા અસોસિએશન દ્વારા કરવામાં આવી છે. લગેજ-કોચની માગણી વિશે પહેલાં પણ પ્રશાસન દ્વારા આશ્વાસન અપાયું હતું, પરંતુ હાલમાં પુરજોશમાં વિવિધ ઠેકાણે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે એમાં લગેજ-કોચની કોઈ વાત આગળ આવી નથી. એથી મેટ્રો અને મોનો રેલ પ્રશાસન લગેજ-કોચની સુવિધા પૂરી પાડે એવું નિવેદનપત્ર ડબ્બાવાળા અસોસિએશન દ્વારા અપાયું છે.

આ વિશે સંપૂર્ણ માહિતી આપતાં મુંબઈ ડબ્બાવાળા અસોસિએશનના અધ્યક્ષ સુભાષ તળેકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈની લોકલ પરનો ભાર ઓછો કરવા માટે મુંબઈમાં ઠેક-ઠેકાણે મેટ્રો રેલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ આ સુવિધા ફક્ત પ્રવાસીઓને જ મળી શકે છે. શ્રમજીવી પ્રવાસીઓનું શું? મેટ્રોમાં ૧૫ કિલો વજનથી વધુ વજન લઈને જવાતું નથી. કષ્ટ કરીને જીવનનિર્વાહ કરતા ડબ્બાવાળા, શાકભાજીવાળા કે પછી નાના વેપારીઓ છે તેઓ તો મેટ્રો, મોનો રેલની સુવિધાનો ફાયદો લઈ શકતા નથી. જો લગેજ-કોચ હોય તો લોકલનો ભાર ઓછો થવાની સાથે શ્રમજીવી કામગારોનું કષ્ટ ઓછું થશે અને સમય પણ બચશે. મુંબઈમાં વર્સોવા-ઘાટકોપર મેટ્રો ચાલુ થઈ, પરંતુ એમાં લગેજ-કોચ નથી. અમારો બૉસ મેટ્રોનો ઉપયોગ કરીને કામ પર જઈ શકે છે, પરંતુ અમે તે બૉસનો ડબ્બો તેમના કામ પર મેટ્રોનો ઉપયોગ કરીને લઈ જઈ શકતા નથી.

આ પણ વાંચોઃ પતિની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા સૈન્યમાં લેફ્ટનન્ટ તરીકે જોડાશે પત્ની

આ વિશે અમે પહેલાં પણ MMRDAને સંપર્ક કરીને લગેજ-કોચ વિશે જાણ કરી ત્યારે તેમણે સૂચના સારી છે એવું કહ્યું હતું. હાલમાં બેથી પાંચ મેટ્રો માર્ગનું કામ ચાલી રહ્યું છે, પરંતુ એમાં પણ લગેજ-કોચની વાત કરાય રહી નથી. મુંબઈના વિકાસમાં અમારા જેવા કષ્ટકારી, શ્રમકરી જનતાનો મોટો યોગદાન છે. એથી મેટ્રો અને મોનો રેલમાં લગેજ ડબ્બાની સુવિધા આપો એવી વિનંતી અમે કરી રહ્યા છીએ.’

 

mumbai news mumbai local train