મુંબઈ: સંજય બર્વે દરોડાસત્રમાં બધા પોલીસ જવાનોની ઊંઘ હરામ કરે છે

01 April, 2019 12:23 PM IST  |  | સૂરજ ઓઝા અને સમીઉલ્લા ખાન

મુંબઈ: સંજય બર્વે દરોડાસત્રમાં બધા પોલીસ જવાનોની ઊંઘ હરામ કરે છે

સંજય બર્વે

મુંબઈ પોલીસના નવા પોલીસ કમિશનરની ‘સીક્રેટ પોલીસ’ પોલીસ-સ્ટેશનોમાં સરપ્રાઇઝ વિઝિટ્સ અને ચેકિંગ પર પહોંચીને સખત પરિશ્રમ બાદ થાકેલા ઇન્સ્પેક્ટર્સ અને કૉન્સ્ટેબલ્સની ઊંઘ હરામ કરે છે. પોલીસ કમિશનર સંજય બર્વેએ તેમના માણસોને દિવસે કે રાતે આખા મુંબઈમાં કોઈ પણ ઠેકાણે દરોડા પાડવા માટે મોકલવાનું શરૂ કર્યું છે.

પોલીસ કમિશનર સંજય બર્વેએ દર અઠવાડિયે વિઝિટર્સ મીટિંગ્સના ગાળામાં સિંનિયર પોલીસ ઇન્સ્પેક્ટર્સની સાથે વિડિયો કૉન્ફરન્સિંગનો સિલસિલો શરૂ કર્યો છે. કમિશનરે લોકસભાની ચૂંટણીની પૂર્ણાહુતિ સુધી આખા શહેરમાં ચેકિંગનું પ્રમાણ વધારવાનો આદેશ આપતાં જણાવ્યું હતું કે કોઈ પણ ભોગે કાયદો અને વ્યવસ્થા જાળવવાની તકેદારી રાખવી અનિવાર્ય છે. કમિશનરે જણાવ્યું છે હતું તેઓ ૨૦ કે ૩૦ મિનિટની પૂર્વસૂચના સાથે ગમે ત્યારે કોઈ પણ પોલીસ-સ્ટેશનની વિઝિટ પર પહોંચશે.

ગયા શનિવારે સંજય બર્વે દ્વારા અચાનક DCP (નાર્કોટિક્સ) શિવદીપ લાંડેને શહેરના વેસ્ટર્ન રીજનમાં ક્યાંય પણ બાર કે રેસ્ટોરાં નિયમોનો ભંગ કરે છે કે નહીં એની તપાસ કરવા મોકલવામાં આવ્યા હતા. ગયા શનિવારે મધરાતે અંધેરીના મરોલ વિસ્તારમાં સરોજ પૅલેસ બાર ગેરકાયદે રીતે કાર્યરત જણાતાં પોલીસના તમામ બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. DCP શિવદીપ લાંડે અને તેમની ટીમે સરોજ પૅલેસ બારમાંથી ૧૫ જણ અને ૪ યુવતીઓની ધરપકડ કરી હતી. યુવતીઓને પોલીસે પછીથી ઘરે જવા દીધી હતી. સંજય બર્વેના આદેશથી પાડવામાં આવેલી એ પહેલી ‘સીક્રેટ રેઇડ’ નહોતી.

૨૩ માર્ચે કમિશનરના આદેશથી હાજીઅલી વિસ્તારના ઇન્ડિયાના રેસ્ટોરાં અને બાર પર દરોડો પાડ્યો હતો. કેટલાક પુરુષો આઠ યુવતીઓ તરફ બીભત્સ ઇશારા કરીને તેમને પરેશાન કરતા હતા. એ કેસમાં કોર્ટે આરોપીઓને જામીન માટે અસાધારણ પ્રકારનો આદેશ આપ્યો હતો. તમામ ૪૭ આરોપીઓને દરેકને જામીન પર છૂટવા માટે બદલાપુરના અનાથાશ્રમમાં ૩૦૦૦ રૂપિયા ડોનેશન આપવાનો હુકમ મૅજિસ્ટ્રેટે કર્યો હતો. એ ઘટના બાબતે પોલીસ કૉન્સ્ટેબલ વિશ્વનાથ સસવેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, કારણકે વિશ્વનાથ સસવેને તાડદેવ પોલીસ-સ્ટેશનની બીટ નંબર-વન પોલીસચોકી ખાતે ડ્યુટી સોંપવામાં આવી હતી. એથી તેને એ વિસ્તારના કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જવાબદાર ગણીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

કમિશનરના આદેશથી શનિવારે DCP શિવદીપ લાંડે અંધેરીના મરોલ વિસ્તારમાં ગયા ત્યારે તેમને ત્યાં સરોજ પૅલેસ બાર ચાલુ હોવાનું જણાયું હતું, જેની સામે ઍક્શન લેવામાં આવી હતી.

શનિવારે અંધેરીમાં દરોડા પછી તમામ સિનિયર ઇન્સ્પેક્ટર્સને તેમના ક્ષેત્રમાં પૅટ્રોલિંગની ડ્યુટી માટે મોકલવામાં આવ્યા હતા. દરેક બાર અને રેસ્ટોરાંને સમયસર બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. નૉર્થ રીજનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એ રાતે પોલીસ-સ્ટેશનમાં જૂજ અધિકારીઓ-કર્મચારીઓને રાખીને તમામ સિનિયર અધિકારીઓને પોલીસ-સ્ટેશનની બહાર ડ્યુટી પર નીકળવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

mumbai crime branch mumbai crime news Crime News