સાંગલીમાં 53,000 તો કોલ્હાપુરમાં 51,000 લોકોને સલામત સ્થળે ખસેડાયા

08 August, 2019 10:56 AM IST  |  કોલ્હાપુર

સાંગલીમાં 53,000 તો કોલ્હાપુરમાં 51,000 લોકોને સલામત સ્થળે ખસેડાયા

કૃષ્ણા નદીમાં આવેલા પૂરને કારણે સાંગલીમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. એનડીઆરએફની ટીમે આ કુદરતી હોનારતમાંથી સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. (તસવીરો: પી.ટી.આઇ.)

પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં પડી રહેલો અવિરત વરસાદ ગઈ કાલે પણ ચાલુ રહેતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે સાંગલીમાં ૫૩,૦૦૦ તો કોલ્હાપુરમાં ૫૧,૦૦૦ લોકો અસરગ્રસ્ત થતાં તેમને સલામત સ્થળે ખસેડાયા હતા. પૂરને કારણે ૨૦૦ કરતાં વધુ ગામો તેમ જ ૩૪૦ કરતાં વધુ બ્રિજ અસરગ્રસ્ત થયાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વરસાદની અસર હેઠળના કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં ભારે વરસાદના અસરગ્રસ્તોની સહાય માટે નૌકાદળની પાંચ ટુકડીઓ રવાના કરાઈ છે.

કોલ્હાપુરના ૧૨૩૪ ગામોમાંથી અંદાજે ૨૦૪ ગામ પૂરની અસર હેઠળ છે, કુલ ૧૧,૦૦૦ પરિવારના ૫૧,૦૦૦ લોકોમાંથી અત્યાર સુધીમાં ૧૫,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂરની અસર હેઠળના ૩૪૨ બ્રિજ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે. રાજ્યના ૨૯ હાઇવે અને ૫૬ મુખ્ય રસ્તાઓ પણ બંધ કરાયા છે. મુંબઈ-બૅન્ગલોર હાઇવે નંબર-૪ અને કોલ્હાપુર-રત્નાગિરિ હાઇવે (મુંબઈ-ગોવા નૅશનલ હાઇવેનો હિસ્સો) હજી સુધી બંધ છે. લોકોને સલામત સ્થળે ખસેડવા ૪૫ કરતાં વધુ બોટ તહેનાત કરવામાં આવી છે તેમ જ વેસ્ટર્ન નેવલ કમાન્ડની પાંચ ટુકડીઓ રવાના કરાઈ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ પણ અસરગ્રસ્તોની સહાયતા માટે તહેનાત કરાઈ છે. કોલ્હાપુરનાં ત્રણ ગામના ૭૦૦૦ લોકો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે તથા આ ગામો ખાલી કરાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. કોલ્હાપુર અને સાંગલીમાં શાળા- કૉલેજોમાં રજા જાહેર કરાઈ છે.

આ પણ વાંચો : મુંબઈ: અંબરનાથમાં રસ્તા પરના ખાડાઓએ કૉન્સ્ટેબલનો જીવ લીધો

મુખ્ય પ્રધાને અસરગ્રસ્તોની સહાયતા માટે મેડિકલ ટીમ હાજર રાખવા જણાવ્યું

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની ‘મહા જનાદેશ યાત્રા’ ટુંકાવીને રાજ્યના વિવિધ ભાગોમાં પૂરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તથા સંબંધિત અધિકારીઓને અસરગ્રસ્તો માટે ખાદ્ય સામગ્રી, પીવાનાં પાણી અને અન્ય આવશ્યક ચીજોની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાને વૉટર રિસોર્સીસ વિભાગને ડૅમમાંથી પાણી છોડવા તેમ જ અન્ય પ્રોજેક્ટ્સ સંબંધે નિયમિતપણે રેલવેને સૂચિત કરવા જણાવ્યું હતું. તેઓએ સંબંધિત અધિકારીઓને જરૂર પડે તો સહાયતા કરાય તે માટે મેડિકલ ટીમ હાજર રાખવા તેમ જ બાળકોની વિશેષ સંભાળ રાખવા જણાવ્યું હતું.

mumbai kolhapur sangli mumbai news