કાંદિવલીની અડુકિયા સ્કૂલના વિદ્યાર્થીઓને મૅરેજની મોસમમાં અણધારી છુટ્ટી

30 January, 2019 09:45 AM IST  |  | સમીઉલ્લા ખાન

કાંદિવલીની અડુકિયા સ્કૂલના વિદ્યાર્થીઓને મૅરેજની મોસમમાં અણધારી છુટ્ટી

જમનાદાસ અડુકિયા સ્કૂલમાં ગઈ કાલે સામાણી-ખેતાણી ફૅમિલીનાં લગ્નને કારણે વિદ્યાર્થીઓને અચાનક રજા અપાઈ હતી. તસવીરો : સતેજ શિંદે

મૅરેજની મોસમમાં કાંદિવલીની જમનાદાસ અડુકિયા સ્કૂલના વિદ્યાર્થીઓને અણધારી રજા આપવામાં આવી હતી. ગઈ કાલે સ્કૂલના એક ટ્રસ્ટીના સગાની દીકરીનો લગ્નસમારંભ સ્કૂલમાં યોજાવાનો હોવાથી મૅનેજમેન્ટે આપેલી સરપ્રાઇઝ હૉલિડે ગેરકાયદે હોવાનું કહેવાય છે.

ગઈ કાલે સ્કૂલમાં એક પણ વિદ્યાર્થી નહોતો. સ્કૂલ પ્રિમાઇસિસમાં સામાણી-ખેતાણી પરિવારના લગ્ન સમારંભની સજાવટ હતી. કૅટરર્સ અને ડેકોરેટર્સ તેમના કામમાં વ્યસ્ત હતા ત્યારે બે વિદ્યાર્થીઓ સ્કૂલમાં પહોંચતાં તેમને ‘આજે રજા છે’ એમ કહીને પાછા મોકલવામાં આવ્યા હતા. એ બન્ને વિદ્યાર્થીઓ સોમવારે સ્કૂલમાં હાજર નહોતા અને સોમવારે જ બીજા દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. એમાંથી એક વિદ્યાર્થિની પહેલા ધોરણમાં ભણે છે અને બીજો વિદ્યાર્થી પાંચમા ધોરણમાં ભણે છે. બન્નેના પેરન્ટ્સે સ્કૂલ-મૅનેજમેન્ટના વર્તન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

જમનાદાસ અડુકિયા સ્કૂલના મૅનેજમેન્ટના ગઈ કાલે સ્કૂલ બંધ રાખવાના નિર્ણયને મુંબઈના ઉપનગર વિભાગના શિક્ષણ અધિકારી અનિલ સાબળેએ નિયમ વિરુદ્ધ ગણાવ્યો હતો. અનિલ સાબળેએ જણાવ્યું હતું કે ‘કાંદિવલીની સ્કૂલમાં બનેલી ઘટના વિશે હું કંઈ નથી જાણતો. હું સ્કૂલના અધિકારીઓ પાસે માહિતી માગીશ. ઇમર્જન્સી હૉલિડેઝ પણ વર્ષમાં ફક્ત બે વખત જાહેર કરી શકાય. એ પણ દિવાળી કે ઈદની રજાઓમાં ઍડ્જસ્ટ કરવાની હોય છે.’

આ પણ વાંચો : ૨૦ વર્ષ પહેલાં ગુમ થયેલા ગુરમીતને તેનો પરિવાર મળ્યો ખરો, પણ મૃત્યુ બાદ

સ્કૂલના ટ્રસ્ટી શિવભાઈ અડુકિયાએ જણાવ્યું હતું કે મારા સગાની દીકરીનાં લગ્ન હોવાથી અમે વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી હતી. આ અમારી પ્રૉપર્ટી હોવાથી અમે એનો વપરાશ કરીએ છીએ. અમે આ રજાને અન્ય રજા સામે ઍડ્જસ્ટ કરીશું. મેં કંઈ અયોગ્ય કામ નથી કર્યું.’

kandivli mumbai news