મુંબઈમાં ભરાતાં વરસાદી પાણીની સમસ્યા ઉકેલવા જપાનની મદદ લેવાશે

17 September, 2019 01:18 PM IST  |  મુંબઈ

મુંબઈમાં ભરાતાં વરસાદી પાણીની સમસ્યા ઉકેલવા જપાનની મદદ લેવાશે

મુંબઈ વરસાદ

મુંબઈમાં દર વર્ષે ભરાતાં વરસાદનાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે જપાનની મદદ લેવામાં આવશે. જપાન ઇન્ટરનૅશનલ કો-ઑપરેટિવ એજન્સીના પ્રતિનિધિઓએ ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકાની મુલાકાત લઈ મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશી સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમ્યાન જપાનમાં વરસાદી પાણીના સંગ્રહ અને એના નિકાલ માટે અપનાવાયેલી યોજનાને મુંબઈમાં કેવી રીતે લાગુ કરી શકાય એની ઉપર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

જપાનમાં વરસાદનાં પાણીનો જમીનની અંદર સંગ્રહ કરાય છે અને ત્યાર બાદ આ પાણીને સમુદ્રમાં છોડવામાં આવે છે જેના કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નથી સર્જાતી અને પાણીનો ઉપયોગ પણ થાય છે. આ યોજના જો મુંબઈમાં ઊભી કરવામાં આવે તો દર વર્ષે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા દૂર થશે.
મુંબઈ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશીના માર્ગદર્શન હેઠળ મળેલી બેઠકમાં ઍડિશનલ કમિશનર વિજય સિંઘલ, ડેપ્યુટી કમિશનર કુકુનુર, વૉટર ડિપાર્ટમેન્ટના એન્જિનિયર સંજય દરાડે, જપાનની સંસ્થાના ફાઉન્ડર યોશિતાકા તોયોસુ, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગના ટેક્નિકલ એક્સપર્ટ તાકેશી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : મેટ્રો કારશેડની આરે કૉલોનીની સાઇટમાંથી મળેલા પ્રાચીન અવશેષો વિશે મૌન શું કામ?

જપાન ડેલિગેશન આજે તળાવોની મુલાકાત લેશે

જપાન ડેલિગેશન મુંબઈમાં પાણીપુરવઠો પૂરો પાડતાં તળાવો પવઈ, વિહાર, તુલસી, તાનસા, ભાત્સા, અપર વૈતરણા અને મીઠી નદીની આજે મુલાકાત લેશે. તળાવોની મુલાકાત લીધા બાદ એના પર અભ્યાસ કરીને એનો અહેવાલ પરદેશીને રજૂ કરવામાં આવશે.

mumbai rains mumbai monsoon