સમસ્ત મુંબઈના જૈન સંઘો કોરોના મહામારી સામે સજ્જ

19 March, 2020 08:39 AM IST  |  Mumbai Desk | Alpa Nirmal

સમસ્ત મુંબઈના જૈન સંઘો કોરોના મહામારી સામે સજ્જ

સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાનો મહા ઉપદ્રવ ચાલી રહ્યો છે. જેમાં ભારત બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. ૧૩૦ કરોડની ગીચ વસ્તીમાં જો કડક પગલાં ન લેવાય તો આ ભયાનક વાઇરસ દેશ માટે બહુ મોટી આફત સમાન બની શકે છે.  સાવચેતીનાં પગલાં રૂપે ભારતના મોટાભાગનાં રાજ્યોમાં જાહેર સ્થળો, વિદ્યાલયો, મૉલ, સિનેમા, સ્વિમિંગ પૂલ વગેરે બંધ કરવાનું ફરમાન કરાયું છે. સરકારે દરેક ધર્મના ધાર્મિક સ્થાનોને પણ સુરક્ષા ખાતર પ્રશાસનને સહયોગ આપવાની અપીલ કરી છે. એ અંતર્ગત મુંબઈના જૈન સંઘોએ પોતાના ધર્મ  પહેલાં રાષ્ટ્રધર્મ નિભાવવાની પહેલ કરી છે. વિરારથી લઈ કોલાબા સુધી, થાણાથી લઈ ચર્ચગેટ સુધીના અનેક મોટા જૈન સંઘોએ દેરાસરમાં ભગવાનની પૂજા કરવાના અમુક નિયમો બનાવ્યા છે. આયંબિલ ખાતું, ચોવિહાર હાઉસની સેવાઓ ક્યાંક બંધ કરાઈ છે, તો અમુક જગ્યાએ સીમિત કરાઈ છે.  ધાર્મિક પાઠશાળાઓ જ્યાં મોટા પ્રમાણમાં બાળકો, બહેનો ધાર્મિક જ્ઞાન મેળવવા  ભેગાં થાય છે તે ૩૧ તારીખ સુધી બંધ રાખવામાં આવી છે. એ જ રીતે જૈન સાધુ-સાધ્વીઓ દ્વારા અપાતાં વ્યાખ્યાન, ઉપાશ્રયમાં થતા સવાર-સાંજના પ્રતિક્રમણ, સામાયિક આદિ સામુદાયિક પ્રવૃત્તિઓ તેમ જ મહોત્સવની ઉજવણી, મેળાવડા ઇત્યાદિ કાર્યક્રમો હાલપૂરતા મોકૂફ રખાયા છે.

પદ્મભૂષણ આચાર્ય શ્રી વિજયરત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ‘મિડ-ડે’ ને આ સંદર્ભે કહે છે ‘સમૂહ ભેગો થાય ત્યાં સુરક્ષાનો પ્રશ્ન આવે. સમસ્ત જૈન સંઘ રાષ્ટ્રની સાથે છે. દેશની વ્યવસ્થામાં સહયોગ આપવો એ પણ ધર્મ છે.  દરેક શ્રાવક-શ્રાવિકાઓએ પણ ધ્યાન રાખવાનું છે કે કાનૂનનો ભંગ કરવાની ભૂલ ન થાય. ઉપરાંત ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીનો ચરણસ્પર્શ કરવાનો આગ્રહ ન રાખવાની વિનંતી છે. ગોચરી પાણીની વહોરાવતી વખતે પણ જરૂરી પ્રિકોશન લેવા. કટોકટીના આ સમયમાં સંયમ રાખવામાં, નિયમો પાળવામાં સમજદારી છે.’ પાંચ ગચ્છાધિપતિની તપાગચ્છીય પ્રવર સમિતિએ પણ આ આફતકાળમાં જૈન સાધુ-સાધ્વીઓને એક સ્થળેથી બીજા સ્થળે વિહાર ન કરવાનો અને સુરક્ષિત સ્થાનમાં રહેવાનો અનુરોધ કર્યો છે.  સકળ સંઘને મોટી સંખ્યામાં ભેગા થવાનું તેમ જ સંઘ, ટ્રસ્ટ, વ્યક્તિગત અનુષ્ઠાનો, કાર્યક્રમો મુલતવી રાખવાનું સૂચન કર્યું છે.

શ્રી બોરીવલીના શ્વેતાંબર મૂર્તિપૂજક ૨૭ જૈન સંઘોનાં મહામંડળના સેક્રેટરી દિલીપભાઈ ‘મિડ-ડે’ ને કહે છે, ગઈ કાલે સવારે સંયુક્ત મીટિંગમાં અમે નક્કી કર્યું છે કે બોરીવલી- ઈસ્ટ અને વેસ્ટમાં રહેલા ૨૭ દેરાસરોમાં ભાવિકો ફક્ત મૂળનાયક ભગવાનની જ પૂજા કરી શકશે, અન્ય વિધિ તેઓએ ઘરે કરવાની રહેશે. તેમ જ સાંજના પાંચ વ્યક્તિઓની હાજરીમાં આરતી-મંગલ દીવો થશે. આવો નિયમ બનાવવા પાછળનું કારણ એ છે કે લોકોની ભીડ જમા ન થાય.  અહીં સમૂહમાં તેઓ ઓછામાં ઓછો સમય રહે. આયંબિલ ખાતામાં પણ લાંબી ઓળી કરનારાઓ જ આયંબિલ કરવા આવી શકશે. તેઓએ પોતાના થાળી-વાટકા આદિ સાથે લાવવાના રહેશે. આ વ્યવસ્થા આગામી બુધવાર સુધીની છે. ફરી આવતા બુધવારે  દરેક સંઘોની સંયુક્ત મીટિંગ થશે.

મુલુંડ, ઘાટકોપર, થાણા, માટુંગા, ગોરેગામ, મલાડ, વિરાર, ગોવાલિયા ટેન્ક વગેરે જગ્યાઓનાં જિનાલયોમાં પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું નક્કી થયું છે. તો અનેક જૈન સંઘોમાં વિચારણા થઈ રહી છે. થાણા, માટુંગાના કચ્છી જૈન સંઘમાં ૩૧ માર્ચથી શરૂ થનારી આયંબિલની ઓળી કોરોના વાઇરસને કારણે રદ કરવામાં આવેલ છે. તેઓનું કહેવું છે કે સંકટની આ પરિસ્થિતિમાં ઘરે રહીને યથાશક્તિ તપ, ત્યાગ, જાપ વગેરે કરી આ મુશ્કેલ ઘડીમાં સર્વે જીવોને શાતા મળે.

મુંબઈ તેમ જ સમસ્ત દેશના મુખ્ય ધાર્મિક સ્થાનોએ સવિશેષ તકેદારીરૂપે  લોકોની ભીડ સીમિત કરવા જે પગલાં લીધાં છે તે સરાહનીય છે.

mumbai mumbai news coronavirus covid19 alpa nirmal