એપ્રિલ મહિનામાં તુવેરની દાળના ભાવ 100 રૂપિયે કિલો પહોંચશે?

12 February, 2019 08:44 AM IST  |  મુંબઈ | રોહિત પરીખ

એપ્રિલ મહિનામાં તુવેરની દાળના ભાવ 100 રૂપિયે કિલો પહોંચશે?

તુવેર દાળના ભાવ વધી શકે છે

દેશનાં અનેક રાજ્યોમાં દુકાળ જેવી પરિસ્થિતિ નર્મિાણ થવાથી તુવેર અને અડદની દાળનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં 40 ટકા ઓછું થયું છે. બીજી તરફ સરકાર તરફથી તુવેરદાળની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને પરિણામે અત્યારે 75થી 80 રૂપિયે કિલોના ભાવે મળતી તુવેરદાળના ભાવ એપ્રિલમાં 100 રૂપિયા કિલો થવાના નર્દિેશ નવી મુંબઈના વાશીમાં આવેલી એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કે‍ટ કમિટી માર્કેટના દાણાબંદરમાંથી મળી રહ્યા છે.

છેલ્લાં બે-ત્રણ વર્ષથી તુવેરની દાળના ભાવ વિવાદોમાં રહ્યા છે. સરકારનાં અનેક નિયંત્રણો પછી પણ 2014ના લોકસભાના ઇલેક્શન પછી દાળના ભાવ 200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા હતા. તુવેરની દાળનો આપણા દેશમાં સૌથી વધુ વપરાશ થાય છે. આપણા દેશના 43 ટકા લોકો વેજિટેરિયન હોવાથી તેમના ખોરાકમાં તુવેરની દાળ અતિમહkવની રહી છે. આ દાળનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશ છે જેમાંથી મહારાષ્ટ્ર અને કર્ણાટક તુવેરદાળનાં ઉત્પાદનમાં અગ્રણી છે. જોકે 2018માં વરસાદની અછતને કારણે દાળના પાકને જબરું નુકસાન થયું હતું. અત્યારે દુકાળ જેવી પરિસ્થિતિ હોવાથી તુવેરની દાળનું ઉત્પાદન ઓછું થવાની પૂરી સંભાવના છે. આ સીઝનમાં તુવેર અને અડદનો અંદાજે ફક્ત 20 લાખ ટન પાક થયો છે. મહારાષ્ટ્રના માર્કેટિંગ ખાતાના પ્રધાન સુભાષ દેશમુખે હમણાં જ આ વર્ષે તુવેરદાળનું ઉત્પાદન ઓછું થવાની શંકા દર્શાવી હતી.

આપણા દેશનાં કુલ ઉત્પાદનની સામે તુવેરદાળની ડિમાન્ડ ઘણી વધુ છે એમ જણાવતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે તો માર્કેટમાં દાળના ભાવ સ્ટૅબલ છે, પરંતુ આ સીઝનમાં મહારાષ્ટ્રના લાતુરમાં દુકાળ જેવી સ્થિતિ હોવાથી ઉત્પાદન ઓછું થવાથી માર્કેટમાં સ્ટૉકની પરિસ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ છે.

આ પણ વાંચો ઃ મુંબઈઃપાલઘરમાં સ્કૂલ-બસનો અકસ્માત, 19 વિદ્યાર્થીઓ જખમી

અમને મળી રહેલા આંકડા પ્રમાણે દેશની સૌથી મોટી 20 બજારોમાં ગયા અઠવાડિયે 4000 ટન રોજની દાળની આવકની સામે ફક્ત 3000 ટન આવક રહી હતી. આમ એક જ અઠવાડિયામાં આવકમાં 25 ટકા ઘટાડો જોવા મળ્યો છે. સરકાર પાસે પણ સ્ટૉક છે એની પર પણ અસર થશે જેને પરિણામે દાળના ભાવ એપ્રિલ મહિના સુધીમાં 100 રૂપિયા કિલો થઈ જાય તો નવાઈ નહીં. દાળના ભાવ નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારે હમણાંથી જ જરૂરી પગલાં લેવાં પડશે.’