છેલ્લા નવ મહિનામાં કરોડો રૂપિયાની થઈ વીજળીની ચોરી

21 January, 2020 01:13 PM IST  |  Mumbai

છેલ્લા નવ મહિનામાં કરોડો રૂપિયાની થઈ વીજળીની ચોરી

વીજળીની ચોરી ઓછી થાય એ માટે ચલાવવામાં આવતા અભિયાનમાં છેલ્લા ૯ મહિના દરમ્યાન એક લાખ ૬૧ હજાર ૫૮૯ યુનિટ વીજળીની ચોરીના મામલા પકડાયા હતા. વીજળી ચોરીમાં પકડાયેલા ૭૧૭ લોકો વિરુદ્ધ વીજળી વિભાગે દંડાત્મક કાર્યવાહી કરી હતી અને અમુક લોકો વિરુદ્ધ પોલીસમાં કેસ પણ નોંધવામાં આવ્યા હતા. અભિયાન સમયે ૯ મહિનામાં ૧.૨૭ કરોડની વીજળી ચોરી પકડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વસઈમાં એમએસઈડીસી દ્વારા વીજળી સપ્લાય કરવામાં આવે છે. વસઈ-વિરાર-નાલાસોપારા વિસ્તારમાં વીજળી વિભાગની લાપરવાહીને કારણે વીજળીની ચોરી ખુલ્લેઆમ થઈ રહી છે. અમુક લોકો વીજળીના મીટરમાં હેરાફેરી કરીને મેઇન લાઇનમાં તાર લટકાવીને પ્રતિ મહિને લાખો રૂપિયાની વીજળીની ચોરી કરીને વિભાગને લાખો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા હતા. આને આધારે વીજળી વિભાગ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૧.૬૧ લાખ યુનિટ વીજળીની ચોરી પકડવામાં આવી હતી અને ૭૧૭ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

થાણેમાં રિમોટ કન્ટ્રોલને આધારે વીજળી ચોરી કરનારા બે ચોરની ધરપકડ

રિમોટ કન્ટ્રોલની મદદથી વીજળીના મીટરમાં ફેરફાર કરનારા બે કુખ્યાત આરોપીની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી હતી. આરોપીનાં નામ ઇન્દ્રેશકુમાર મિશ્રા અને ઇર્શાદ સિદ્દીકી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મહાવિતરણ કંપનીની ટીમની મદદથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર થાણેમાં બન્ને આરોપીએ રિમોટ કન્ટ્રોલની મદદથી એક ગ્રાહકના મીટરની ગતિ ધીમી કરી હોવાની માહિતી મળતાં જ પોલીસે આ કેસમાં મિશ્રા અને સિદ્દીકીની ધરપકડ કરી હતી. પોલીસે બન્ને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

mumbai mumbai news brihanmumbai electricity supply and transport