પરિણીત મહિલા પાછળ પ્રેમમાં પાગલ યુવાનને મળી ક્રૂર સજા

27 December, 2018 11:50 AM IST  |  Dombivli

પરિણીત મહિલા પાછળ પ્રેમમાં પાગલ યુવાનને મળી ક્રૂર સજા

ધર્મના ભાઈએ ભણાવ્યો પાઠ: તુષાર પૂજારે

ડોમ્બિવલી (વેસ્ટ)ની એક પરિણીત મહિલા પાછળ તેની જ કૉલોનીમાં રહેતા પ્રેમમાં પાગલ થયેલા યુવાનને તે મહિલા, તેના ધર્મના ભાઈ અને ધર્મના ભાઈના કચ્છી મિત્રે સાથે મળીને યુવાનના પાગલપનની બહુ જ કડક સજા આપી હતી. આ ત્રણેય જણે ભેગા થઈને મંગળવારે રાતે યુવાનનું શિશ્ન જ કાપી નાખ્યું હતું. આ બનાવથી ડોમ્બિવલીમાં ચકચાર ફેલાઈ ગઈ હતી.

ડોમ્બિવલી (વેસ્ટ)માં રહેતી ૪૨ વર્ષની રચના ગોરસ્કરની જ કૉલોનીમાં રહેતો ૨૭ વર્ષનો તુષાર પૂજારે રચના પાછળ છેલ્લા છ મહિનાથી પ્રેમમાં પાગલ થયો હતો. રચના હાઉસવાઇફ છે. તુષાર રચનાને બહાર જતાં-આવતાં અને રચનાના ઘરમાં આવીને તેના પતિની સામે જ હેરાન કરતો હતો. તુષાર સતત રચનાને ફોન કરીને તેના પ્રેમની માગણી કરતો હતો. આનાથી કંટાળીને રચનાએ તેનો ફોન-નંબર બદલી નાખ્યો હતો તો તુષાર નવા નંબર પર રચનાને હેરાન કરીને તેની પાસે પ્રેમના નામે અશ્લીલ માગણી કરતો હતો.

તુષાર રચના પાછળ એટલો બધો પાગલ થઈ ગયો હતો કે રચનાના ઘરમાં તેના પતિની સામે જઈને રચનાના પ્રેમની માગણી કરતો હતો. તુષાર રચનાના પતિ રામચંદ્ર ગોરસ્કરને જઈને પણ કહેતો કે મને રચના બહુ ગમે છે, હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. એટલું જ નહીં, તુષાર રચનાના પતિની સામે રચનાને હેરાન પણ કરતો હતો. તુષારની છાપ તેની કૉલોનીમાં એક ભેજાગેપ અને ડેરિંગબાજ યુવાનની હોવાથી તેની નફ્ફટ હરકતો સામે અવાજ ઉઠાવતાં સ્થાનિક રહેવાસીઓ પણ ડરતા હતા. જોકે તુષારની હરકતોથી રચના તંગ આવી ગઈ હતી. આથી રચનાએ તુષારને પાઠ ભણાવવા માટે તેના જ વિસ્તારમાં રહેતા તેના ધર્મના ભાઈ તેજસ મ્હાત્રે અને તેજસના ડોમ્બિવલી (ઈસ્ટ)ના નવનીતનગરમાં રહેતા પ્રતીક કેનિયાની મદદ લીધી હતી.

૨૫ ડિસેમ્બરે રચનાએ ફોન કરીને તુષારને ડોમ્બિવલી (ઈસ્ટ)ના નાંદિવલી વિસ્તારમાં મળવા બોલાવ્યો હતો એમ જણાવતાં માનપાડા પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર મારુતિ આંધળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રચનાએ તુષારને નાંદિવલી ટેકરી પાસે મળવા બોલાવ્યો હતો. ત્યાં તેજસ, પ્રતીક અને રચનાએ સાથે મળીને પહેલાં તુષારની ખૂબ જ ધોલાઈ કરી હતી. ત્યાર પછી ત્રણેય જણે ભેગા થઈને તુષારના હાથ-પગ રસ્સીથી બાંધી દીધા હતા. પછી તેજસ અને પ્રતીક તુષારને નગ્ન કરીને તેને જમીન પર સૂવડાવીને તેના હાથ અને પગ પર બેસી ગયા હતા. રચના તુષારના પેટ પર બેસી ગઈ હતી અને તુષારનું શિશ્ન ધારદાર ચાકુથી કાપી નાખ્યું હતું. ત્યાર બાદ રચના, તેજસ અને પ્રતીક ત્યાંથી ભાગી ગયા હતા. તુષારની ચીસો સાંભળીને સ્થાનિક રહેવાસીઓ જમા થઈ ગયા હતા. તેઓે તરત જ તુષારને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.’

અમને તુષારના હાથ-પગ બાંધવામાં ઉપયોગમાં લેવામાં આવેલી રસ્સી ઘટનાસ્થળેથી મળી આવી હતી એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘જોકે ગઈ કાલ સુધી અમને તુષારનું શિશ્ન અને એ કાપવા માટે ઉપયોગમાં લેવામાં આવેલું ચાકુ મળ્યાં નહોતાં. અમે રચના, તેજસ અને પ્રતીકની ધરપકડ કરીને ગઈ કાલે કલ્યાણ કોર્ટમાં રજૂ કર્યાં હતાં.’

mumbai news Crime News dombivli