કાંદિવલીમાં મેટ્રોના ૧૦૦ ટનના ગર્ડર નીચે કર્મચારી કચડાયો

02 November, 2019 02:34 PM IST  |  મુંબઈ ડેસ્ક

કાંદિવલીમાં મેટ્રોના ૧૦૦ ટનના ગર્ડર નીચે કર્મચારી કચડાયો

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) કાંદિવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગઈ કાલે વહેલી સવારે અંધેરી-દહિસર મેટ્રોના ચાલી રહેલા કામ દરમ્યાન ગર્ડર લઈ જતી વખતે એ અચાનક નીચે પટકાતાં એની નીચે ૨૫ વર્ષના એક કર્મચારીનું કચડાઈ જતાં મૃત્યુ થયું હતું. 

મેટ્રોના એક અધિકારીએ જણાવ્યું હતું કે મેટ્રોલાઇનનું કામ જે. કુમાર કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ચાલી રહ્યું છે. ગઈ કાલે વહેલી સવારે અર્શદ શેખ ટ્રેલરની પાછળ એસ્કોર્ટ કાર ચલાવી રહ્યો હતો ત્યારે ૧૦૦ ટનનો ગર્ડર પડ્યો હતો, જેની નીચે કચડાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું. જોકે કારમાં બેસેલા બે જણ ઝડપથી કારની બહાર નીકળી જતાં બચી ગયા હતા.
સમતાનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજુ કસબેએ કહ્યું હતું કે ટ્રેલર દ્વારા ગર્ડર લઈ જવાતો હતો ત્યારે સલામતીને અવગણવાથી એસ્કોર્ટ કાર જોખમી એરિયામાં આવી ગઈ હતી. આ સમયે ગર્ડર પડવાથી આ જીવલેણ ઘટના બની હતી. ટ્રેલરના ડ્રાઇવર સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને મૃત્યુ નીપજાવવાની આઇપીસીની કલમ ૩૦૧ (એ) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ દુર્ઘટના બાદ એમએમઆરડીએના પ્રવક્તા દિલીપ કવઠકરે કહ્યું હતું કે આ પ્રકારના બેદરકારીભર્યા કામ સામે દુર્લક્ષ નહીં કરાય. આની ગંભીર નોંધ લઈને અમે મૃતકના કુટુંબીજનોને સાંત્વના આપીએ છીએ.

kandivli Crime News mumbai metro