મફત મોપેડની લાલચ આપીને ડબ્બાવાળાઓ સાથે છેતરપિંડી

06 February, 2020 07:46 PM IST  |  Mumbai Desk | anurag kamble

મફત મોપેડની લાલચ આપીને ડબ્બાવાળાઓ સાથે છેતરપિંડી

૬૦ ડબ્બાવાળાઓને ટિફિન પહોંચાડવા માટે મફત મોપેડ આપવાની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી આચરનારા પાંચ શખ્સો વિરુદ્ધ ઘાટકોપર પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. ડબ્બાવાળાઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર ડબ્બાવાળાના અસોસિએશનના ઑફિસ બેરર્સે ઑક્ટોબર ૨૦૧૫માં તેમની સહી તથા દસ્તાવેજો લીધા હતા, પરંતુ મોપેડ આપ્યાં ન હતાં. વધુમાં તેમણે વાહનની લોન પેટે દરેક વ્યક્તિના નામે ૩૧,૦૦૦ રૂપિયા મેળવ્યા હતા. ૬૦ ફરિયાદીઓમાંથી ૩૭ વ્યક્તિઓને આરટીઓ પાસિંગ વિના વાહનો મળ્યાં હતાં જેને કારણે વાહનો ધૂળ ખાઈ રહ્યાં છે. આરોપીઓએ ફરિયાદીઓ તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનો દાવો કરીને આરોપો ફગાવી દીધા હતા.

ડબ્બાવાળાના સંગઠન મુંબઈ જેવન ડબે વાહટુક મંડળ સાથે સંકળાયેલા ૩૮ વર્ષના ડબ્બાવાળા સચિન ગાવડેની ફરિયાદ અનુસાર ૨૦૧૫માં અસોસિએશનના સેક્રેટરી વિઠ્ઠલ સાવંત, પ્રવક્તા સુભાષ તાલેકર અને સભ્ય દશરથ કેદારીએ સપ્ટેમ્બર મહિનામાં બેઠક યોજી હતી. ત્રણેએ અસોસિએશનના સભ્ય ડબ્બાવાળાઓને જણાવ્યું હતું કે દરેક ડબ્બાવાળા કલ્યાણ યોજના સ્વરૂપે ટિફિન પહોંચાડવા વિનામૂલ્યે મોપેડ મેળવશે. તેમણે ફક્ત જરૂરી વિગતો અને દસ્તાવેજો સાથેનું ફોર્મ જ ભરવાનું છે.

૬૦ ડબ્બાવાળાઓએ ફોર્મ ભર્યાં હતાં. જ્યારે વાહનોનો પ્રથમ લોટ આવ્યો ત્યારે અમે રોમાંચિત થઈ ઊઠ્યા હતા, પરંતુ અમારો રોમાંચ ટૂંક સમયમાં જ અદૃશ્ય થઈ ગયો એમ સચિન ગાવડેએ જણાવ્યું હતું.

૨૦૧૬માં ફંક્શન યોજાયું હતું જેમાં ૧૮ ડબ્બાવાળાઓને મોડેપ આપવામાં આવ્યાં હતાં, જ્યારે ૪૨ ડબ્બાવાળાએ રાહ જોવી પડી. જ્યારે એક-બે વર્ષ કરતાં વધુ સમય રાહ જોવી પડી અને જ્યારે ડબ્બાવાળા ઑફિસ બેરર્સને આ વિશે પ્રશ્નો પૂછવા માંડ્યા ત્યારે તેમને આડા-અવળા જવાબો આપવામાં આવતા આખરે બાકીના ડબ્બાવાળાઓએ આ મામલો પડતો મૂકવાનું નક્કી કર્યું, પરંતુ માર્ચ ૨૦૧૭માં ઘણા ડબ્બાવાળાઓને ભૈરવનાથ ક્રેડિટ સોસાયટીમાંથી એ મુજબની નોટિસ આવી કે જો તેમણે હપ્તા ન ભર્યા તો તેમની ૩૧,૦૦૦ રૂપિયાની મિલકતો જપ્ત થઈ જશે. આ જોઈને ચોંકી ઊઠેલા ડબ્બાવાળા ક્રેડિટ સોસાયટી ખાતે તપાસાર્થે ગયા જ્યાં હકીકત માલુમ પડતાં તેઓ ઑફિસ બેરર્સ પાસે ગયા હતા. આખરે, વારંવાર ફરિયાદોનું પણ કંઈ પરિણામ ન નીપજતાં ડબ્બાવાળાઓએ ઘાટકોપર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.

mumbai news mumbai Crime News