ફેસબુક પર ફેમસ થવા ડૉન દાઉદનો બર્થ-ડે ઊજવનારાને પોલીસે પકડ્યો

29 December, 2019 08:24 AM IST  |  Mumbai | Vishal Singh

ફેસબુક પર ફેમસ થવા ડૉન દાઉદનો બર્થ-ડે ઊજવનારાને પોલીસે પકડ્યો

શેરા ચિકનાએ કરેલી પોસ્ટ

દેશના મોસ્ટ વૉન્ટેડ અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના બર્થ-ડેની ઉજવણી કેક કાપીને કરવામાં આવી એવા ન્યુઝ જ્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા અને એ કેક-કટિંગના ફોટો પણ વાઇરલ થયા. ત્યાર બાદ પોલીસે આની તપાસ શરૂ કરી હતી અને આખરે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઍન્ટિ એક્સ્ટૉર્શન સેલના અધિકારીઓએ ડોંગરીમાંથી બાવીસ વર્ષના અઝહર ફિરોઝ મણિયાર ઉર્ફે શેરા ચિકનાને ઝડપી લીધો હતો.

ક્રાઇમ બ્રાન્ચના કહેવા મુજબ અઝહરે કટિંગ કરાયેલી કેકનો ફોટો જેના પર દાઉદ લખેલું હતું એ પોસ્ટ કર્યો હતો અને સાથે જ દાઉદ ઇબ્રાહિમનો ફોટો મૂકીને તેણે દાઉદનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હોવાનું પોસ્ટમાં જણાવ્યું હતું, જે થોડી વારમાં વાઇરલ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ કરીને અઝહર ચિકનાને ટ્રૅક કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તેની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે મારે ફેમસ થવું હતું એટલે મેં દાઉદ ઇબ્રાહિમનો ફોટો પોસ્ટ કર્યો હતો. જ્યારે એ કેક તેના મિત્ર દાઉદ હાશ્મીના બર્થ-ડેની ઉજવણીની કેક હતી. ચિકનાએ કહ્યું હતું કે હું મારા ફેસબુક-ફ્રેન્ડ્સનું લિસ્ટ મોટું બનાવવા માગતો હતો એથી મને લાગ્યું કે જો હું દાઉદ (અન્ડરવર્લ્ડ ડૉન)ના નામનો ઉપયોગ કરીશ તો ફેસમ થઈ જઈશ.

પોલીસ ઑફિસરે વધુમાં કહ્યું હતું કે અમે અઝહર ચિકના અને તેના મિત્ર દાઉદ બન્નેનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં છે. અમે તેમના બીજા મિત્રો જે એ બર્થ-ડે સેલિબ્રેશનમાં હાજર હતા તેમનાં પણ સ્ટેટમેન્ટ નોંધીશું.’

dawood ibrahim mumbai mumbai news vishal singh