રિસાયેલી પત્નીએ પિયરથી આવવાની ના પાડતાં પતિએ ગળું ચીરી નાખ્યું

22 April, 2019 09:14 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

રિસાયેલી પત્નીએ પિયરથી આવવાની ના પાડતાં પતિએ ગળું ચીરી નાખ્યું

રિટાએ ભાગીને કર્યા હતા લગ્ન

વડાલામાં ગઈ કાલે બપોરે પતિએ પત્નીનું ચાકુથી ગળું ચીરીને હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. ચાર વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનારા કપલના સંબંધ કેટલાક સમયથી વણસતાં પત્ની ઘર છોડીને વડાલામાં પિયરે આવી ગઈ હતી. આજે બપોરે આરોપી પતિ રિસાયેલી પત્નીને મનાવવા આવ્યો હતો, પણ ત્યારે તેણે આવવાની ના પાડતાં ગુસ્સામાં આવીને પત્નીના ગળા પર ચાકુના જીવલેણ ઘા કર્યા હતા. હુમલા બાદ પતિ ફરાર થઈ ગયો હતો, જ્યારે લોહીલુહાણ હાલતમાં પત્ની ઘરની બહાર આવ્યાં પછી પડી જતાં તેનું મૃત્યુ થયું હતું.

વડાલા ટીટી પોલીસના જણાવ્યા મુજબ 'રીટા રામજિત જયસ્વાલ (28) પતિ કપ્તાન કુરેશી સાથે ચાર વર્ષથી મુમ્બ્રામાં રહેતી હતી. છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચેના સંબંધ વણસતાં રીટા દસેક દિવસ પહેલાં તેના વડાલામાં રહેતાં માતા-પિતાને ઘરે આવી ગઈ હતી. ગઈ કાલે સવારે આરોપી પતિ કપ્તાન પત્નીને મનાવવા આવ્યો હતો. આ સમયે રીટાનાં માતા-પિતાએ કપ્તાનને કહ્યું હતું કે તું તેની સાથે ઝઘડો નહીં કરે અને બરાબર રાખે તો તેને સાસરે મોકલવામાં કોઈ વાંધો નથી. જોકે રીટા પતિ સાથે જવા ન માગતી હોવાથી તેણે ના પાડી દીધી હતી. આથી આરોપી સસરાના ઘરેથી નીકળી ગયો હતો.'

પોલીસે ઉમેર્યું હતું કે 'રિટાનાં માતા-પિતા કોઈ કામસર બહાર ગયાં ત્યારે રિટાને ઘરમાં એકલી જોઈને તે ફરી આવ્યો હતો અને રીટાને પોતાની સાથે આવવા કહ્યું હતું, પરંતુ પત્નીએ ના પાડતાં ગુસ્સામાં આવીને કપ્તાન કુરેશીએ પત્નીના ગળા પર મોટા છરા જેવા ચાકુથી હુમલો કરીને તેનું ગળું ચીરી નાખ્યું હતું અને ભાગી ગયો હતો.'ગળા પર અચાનક થયેલા હુમલાથી લોહીલુહાણ થયેલી રીટા ઘરની બહાર દોડી આવી હતી અને મદદ માટે ચીસો પાડતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ચાકુનો ઘા ઊંડો હતો અને શરીરમાંથી લોહી ખૂબ વહી જવાથી આ હુમલો જીવલેણ નીવડતાં તેનું મૃત્યુ થયું હતું.

રિટાએ ભાગીને કર્યા હતા લગ્ન

નજીકનાં સગાંઓ પાસેથી જાણવા મળ્યું હતું કે આરોપી કપ્તાન કુરેશી અગાઉ પરણેલો હતો, પણ તેની પત્ની ભાગી જતાં તે મુમ્બ્રામાં એકલો રહેતો હતો. તે કપડાં વેચવા વડાલા આવતો ત્યારે રિટા સાથે તેની ઓળખાણ થયા બાદ બન્ને પ્રેમમાં પડ્યાં હતાં. બાદમાં રિટાએ ઘરેથી ભાગીને કપ્તાન સાથે લગ્ન કરી લીધાં હતાં અને મુમ્બ્રામાં રહેવા માંડી હતી. લગ્નના એક વર્ષ બાદ આરોપી કામ કરવાને બદલે નશાને રવાડે ચડી જતાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થવા માંડ્યા હતા.

 

આ પણ વાંચો: જેટ ઍરવેઝ બંધ પડતાં પહેલી વાર વિદેશ જવાનું અંધેરીના સિનિયર સિટિઝન કપલનું સપનું રોળાયું

 

પોલીસ શું કહે છે?

વડાલા ટીટી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સાંગળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે 'મૃતક રિટા જયસ્વાલે સાસરે જવાની ના પાડતાં આરોપી પતિ કપ્તાન કુરેશીએ ચાકુથી હુમલો કરીને તેની હત્યા કરી હતી. હુમલો કર્યા બાદ તે ભાગી ગયો છે. આરોપીને પકડવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ.'

mumbai news