રોષે ભરાયેલા બિલ્ડિંગના રહેવાસીઓએ રાહેજા ક્લબના ગેટ સામે કચરો ઠાલવ્યો

24 October, 2019 11:57 AM IST  |  મુંબઈ | હેમલ આશર

રોષે ભરાયેલા બિલ્ડિંગના રહેવાસીઓએ રાહેજા ક્લબના ગેટ સામે કચરો ઠાલવ્યો

કચરાને વેર-વિખેર કરતા કૂતરાઓ

મઢ આઇલૅન્ડમાં રાહેજા બીલ્ડર્સની રાહેજા એક્ઝોટિકાના લગભગ ચાર બહુમાળી ઇમારતોના (બધી જ ઇમારતો ૧૫ માળની) તમામ ફ્લોર પર કચરાના ઢગ ખડકાયા છે. છેલ્લા વીસેક દિવસથી બિલ્ડિંગનો હાઉસકીપિંગ સ્ટાફ પગાર ન મળવાને કારણે હડતાળ પર ઊતર્યો છે. જેના કારણે બિલ્ડિંગની બહાર તેમ જ ઘરના દરવાજાની બહાર કચરાના ઢગ ખડકાયા છે. આ કચરામાં શાકભાજી ઉપરાંત માંસ અને માછલી પણ હોવાથી ઘરની બહાર નીકળતાં જ ગંદી વાસથી નાક ભરાઈ જાય છે.

એક રહેવાસીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કો-ઓપરેટીવ સોસાયટીનું ગઠન કરવામાં ન આવ્યું હોવાથી બિલ્ડિંગની દેખભાળ બીલ્ડરના હસ્તક છે. કચરા ઉપરાંત વિસ્તારના કૂતરાઓનો પણ ત્રાસ વધી ગયો છે. કેટલાક પ્રાણીપ્રેમીઓએ ભટકતાં શ્વાનોને બિલ્ડિંગમાં આવવાની આદત પાડી હોવાથી તે બિલ્ડિંગમાં ઉપરના માળે આવીને કચરાની થેલીઓ ફેંદી નાખે છે અને કોઈ તેમને હાંકી કાઢવાની કોશિશ કરે તો સામા થાય છે.’

કંટાળેલા બિલ્ડિંગના રહેવાસીઓ હાલમાં જ પોતાનો વિરોધ નોંધાવવા રાહેજા ક્લબના ગેટ પાસે પોતાનો કચરો ઠાલવી આવ્યા હતા. પ્લમ્બિંગ તેમ જ ઇલેક્ટ્રિશિયન સ્ટાફ અને વૉચમૅન સુધ્ધાં પગાર ન મળવાથી હડતાળ પર ઊતરી જતાં રસોડામાં અને બાથરૂમમાં ગંદું પાણી ભરાઈ ગયું છે જેના લીધે બીમારી ઘર કરી જવાનો ભય સતાવી રહ્યો છે.

આ પણ વાંચો : મુંબઈ: દિવાળીની ઉજવણી વરસાદમાં કરવી પડશે

રાહેજા બીલ્ડર્સ દ્વારા ફેસિલિટી મૅનેજમેન્ટ કંપની કુશમૅન અને વેકફિલ્ડને બિલ્ડિંગની દેખભાળનું કામ સોંપવામાં આવ્યું છે. એમ જણાઈ રહ્યું છે કે પગાર ચૂકવતી ન હોવાથી સ્ટાફ હડતાળ પર ઊતરતો હોય એવું લગભગ દર દિવાળીએ બને છે, જેનો સીધો ભોગ બિલ્ડિંગના રહેવાસીઓ બને છે. જ્યારે કે રાહેજા બીલ્ડર્સ દ્વારા બિલ્ડિંગની જાળવણી માટે રહેવાસીઓ પાસેથી જંગી રકમ વસૂલવામાં આવતી હોય છે. રાહેજા બીલ્ડર્સે હાઉસિંગ સોસાયટી બિલ્ડિંગના રહેવાસીઓને સોંપી ન હોવાથી આ તમામ સમસ્યા ઊભી થઈ રહી છે.

madh island mumbai mumbai news