હેમા ઉપાધ્યાય અને હરેશ ભમ્બાની મર્ડરકેસ પીડિત પરિવારનો સવાલ:ન્યાય મળશે?

11 December, 2019 12:56 PM IST  |  Mumbai Desk | gaurav sarkar

હેમા ઉપાધ્યાય અને હરેશ ભમ્બાની મર્ડરકેસ પીડિત પરિવારનો સવાલ:ન્યાય મળશે?

કાંદિવલીના નાળામાંથી કાર્ડબોર્ડના બૉક્સમાં ચિત્રકાર હેમા ઉપાધ્યાય અને વકીલ હરેશ ભમ્બાનીના મૃતદેહ‍ મળ્યાને ચાર વર્ષ વીતી ગયા પછી એ બન્નેના પરિવારના સભ્યો વહેલી તકે ન્યાયની અપેક્ષા રાખે છે. ન્યાય ક્યારે મળશે એવો સવાલ પૂછતાં તેમના કુટુંબીજનો અદાલતના આંટાફેરા મારી રહ્યા છે. વારંવાર જામીન અરજીઓની સુનાવણી અને કેસમાં આવતા વળાંકોને કારણે નિકાલ વિલંબમાં પડ્યો છે. હરીશના મોટા ભાઈ ગોપ ભમ્બાની, પત્ની પૂનમ અને પુત્રી અનીતા તેમ જ હેમાના ભાઈ મનીષ હીરાણી અને ફૅમિલી-ફ્રેન્ડ સંચુ મેનન કેસની તારીખો પર હાજરી આપતાં ક્યારેક હિંમત હારી જવાની ભાષા પણ બોલી રહ્યાં છે. નવી મુંબઈના ૪૨ વર્ષના સામાજિક કાર્યકર સંચુ મેનન કહે છે કે કાંદિવલી પોલીસ યોગ્ય રીતે તપાસ કરતી હતી અને અમે કોઈ માગણી નહોતી કરી છતાં ચિંતનની લાગવગને કારણે તપાસ ક્રાઇમ બ્રાન્ચને શા માટે સોંપાઈ એ મોટો સવાલ છે.

હેમા ઉપાધ્યાયના ભાઈ કહે છે કે કૌભાંડમાં ફસાયેલા પ્રધાનોને પણ આટલીબધી જામીન અરજી કરવાની મોકળાશ મળતી નથી. છેલ્લાં બે અઠવાડિયાંમાં દેશમાં હાહાકાર મચાવનારા હત્યાકેસોમાં લોકોએ વિરોધ-પ્રદર્શન કર્યાં, તો મારી બહેનના કેસમાં કેમ કોઈ એવો ઊહાપોહ કરવામાં આવતો નથી?

હરીશ ભમ્બાનીના ૭૬ વર્ષના ભાઈ ગોપ ભમ્બાની કહે છે, ‘ન્યાયની ગતિવિધિઓમાં કાંઈ રહ્યું નથી. વેટરિનરી ડૉક્ટર મહિલાની હત્યાના કેસમાં જે કર્યું એને ન્યાય કહેવાય. આવા કેસમાં આરોપીઓને ફાંસીએ ચડાવવા સિવાય બીજો કોઈ રસ્તો ન હોઈ શકે.’
હરીશની પત્ની પૂનમ કહે છે, ‘અમે કેસની કાર્યવાહી ૯ મહિનામાં પૂરી કરવાની માગણી કરી હતી. એ સમય પસાર થઈ ગયો. હવે ચિંતનની જામીન અરજી મંજૂર થશે તો? એક આરોપી વિજય રાજભર મળતો જ નથી. પોલીસે કેસમાંથી ઇન્ટરેસ્ટ ગુમાવ્યો છે? અમે સતત કેસની સુનાવણીમાં પરોવાયેલા રહીએ છીએ. બીજું કાંઈ કરી શકતા નથી.’

ચિંતન ઉપાધ્યાય પાંચમી વખત જામીન અરજી કરશે
૨૦૧૫માં પત્ની હેમા અને તેના વકીલ હરેશ ભમ્બાનીની હત્યાના કેસમાં જેલવાસી સેલિબ્રિટી પેઇન્ટર ચિંતન ઉપાધ્યાયના વકીલ ભરત મંધાનીએ સર્વોચ્ચ અદાલતમાં પાંચમી વખત જામીન અરજી કરવાના હોવાનું જણાવ્યું હતું. ૨૦૧૬થી અત્યાર સુધીમાં ચાર વખત સર્વોચ્ચ અદાલત ચિંતન ઉપાધ્યાયની જામીન માટેની અરજી નામંજૂર કરી ચૂકી છે. છેલ્લે ગયા ફેબ્રુઆરીમાં ફરિયાદ પક્ષે કેસ ચલાવવા માટે ૯ મહિનાનો સમય માગ્યો એ વખતે જામીન અરજી નકારવામાં આવી હતી. ૨૦૧૫ની ૧૧ ડિસેમ્બરે સૂટકેસમાં હેમા ઉપાધ્યાય અને હરેશ ભમ્બાનીના મૃતદેહ મળ્યા પછી એ હત્યાકેસમાં ચિંતન ઉપાધ્યાય અને બીજા બે જણને ધરપકડ કરીને જેલમાં રાખવામાં આવ્યા છે.

Crime News national news mumbai kandivli