મુંબઈ, થાણેમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી

19 September, 2019 07:35 AM IST  |  મુંબઈ

મુંબઈ, થાણેમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી

ગઈ કાલે રાત્રે પણ શહેરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા હતાં. તસવીર : સમીર અબેદી

મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં ગઈ કાલે સવારે ફરી વરસાદ શરૂ થયો હતો. આ વિભાગમાં આજે ભારેથી અતિભારે વરસાદ
પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતાએ રેડ અલર્ટ જારી કરી છે. વેધશાળાએ ગઈ કાલે કહ્યું હતું કે ગત ૨૪ કલાકમાં મુંબઈ અને આસપાસમાં સારો વરસાદ નોંધાયો હતો. સેટેલાઈટ ઈમેજ નિર્દેશ કરે છે કે આજે અને આગામી બે દિવસ મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી સક્રિય થશે.

ભારતીય હવામાન ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (વેસ્ટર્ન વિભાગ) કે. એસ. હોસલીકરે કહ્યું હતું કે ‘આગામી ૨૪ કલાક દરમ્યાન મુંબઈ સહિત ઉત્તરીય કોંકણ અને આંતરિયાળ વિભાગમાં વરસાદ પડશે. પશ્ચિમમાં હવાનું હળવું દબાણ સર્જાયું હોવાથી આ વિભાગમાં સારોએવો વરસાદ પડી શકે છે. આથી જ ચેતવણી જાહેર કરાઈ છે.

બંગાળની ખાડી અને આંધ્ર પ્રદેશના કોસ્ટલ વિસ્તારમાં હવાનું હળવું દબાણ નિર્માણ થવાથી અહીં પણ ૨૪ કલાકમાં વરસાદ પડશે. મંગળવારે ભિવંડી, કલ્યાણ, નવી મુંબઈ, પનવેલ અને ડોમ્બિવલીમાં હળવોથી ભારે વરસાદ નોંધાયા બાદ ગઈ કાલે પણ આ ઉપરાંત થાણે, મુંબઈમાં સવારના સમયે સારો વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો : રાજ્યમાં ફરી ખાબકશે વરસાદ, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી

સવારના ૮.૩૦થી સાંજના ૫.૩૦ વાગ્યા દરમ્યાન નવી મુંબઈમાં ૨ ઈંચ, થાણેમાં ૧ ઈંચ તો મુંબઈમાં અડધોથી ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી ૯૧૩.૯ મિ.મીટર એટલે કે ૩૬.૫૨ ઈંચ જેટલો ભારે વરસાદ પડી ચૂક્યો છે. ૧૯૫૪માં સપ્ટેમ્બર મહિનામાં ઑલ ટાઈમ હાઈ એટલે કે ૯૨૦ મિલિમીટર વરસાદ નોંધાયો હતો, જેનો આ વખતે રેકૉર્ડ તૂટવાની પૂરેપૂરી શક્યતા છે.

આ ચોમાસામાં મુંબઈની વાત કરીએ તો અત્યાર સુધી ૧૩૯ ઈંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ૫૦ ઈંચ જેટલો વધુ છે.

mumbai news mumbai rains mumbai monsoon mumbai weather