મુંબઈ: કાપડની કંપનીના HR હેડે આચર્યું 95 લાખનું કૌભાંડ

15 January, 2019 10:08 AM IST  |  | Mamta Padia

મુંબઈ: કાપડની કંપનીના HR હેડે આચર્યું 95 લાખનું કૌભાંડ

પ્રતીકાત્મક તસવીર

જાણીતી કાપડની કંપનીના બે ભૂતપૂર્વ કર્મચારીઓના પગાર ચાલુ રાખીને ૯૫ લાખ રૂપિયાનો ગોટાળો કરનાર હ્યુમન રિસોર્સ (HR) હેડની પોલીસે ધરપકડ કરી છે. ૨૭ વર્ષથી કાપડની કંપનીમાં નોકરી કરતા પંચાવન વર્ષના નીતિન બોરાડેએ ખૂબ ચપળતાથી પોતાની તિજોરી ભરી હતી. ગત નવેમ્બર મહિનામાં કંપનીના કર્મચારીઓને વધુ પગાર મળતાં અને ઑડિટ રિપોર્ટમાં થયેલા છબરડા સામે આવતાં છેલ્લાં સાત વર્ષથી ચાલી રહેલી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.

થાણેમાં સેહગલ પરિવારની કાપડની ફૅક્ટરી છે અને એમાં પૈસાનો ગેરવ્યવહાર ચાલી રહ્યો હોવાની ફરિયાદ ડિરેક્ટરે કરી હતી એમ જણાવીને MIDC પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન અલંકુરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નીતિન બોરાડે 1992થી આ કાપડની કંપનીમાં નોકરી કરતો હતો. તેને 60 કર્મચારીઓના પગાર, લેબર વેલ્ફેર ફન્ડ બિલ, પગાર સંબંધિત મુદ્દાઓ અને પગારપત્રક તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કંપનીના સિનિયરની મંજૂરી મળ્યા બાદ સિનિયર અકાઉન્ટન્ટ પાસેથી સહી કરાવીને કર્મચારીઓનો પગાર આપવામાં આવતો હતો. કંપનીના ઑડિટમાં ગરબડ ચાલી રહી હોવાની શંકા ડિરેક્ટરોને થઈ હતી તેમ જ નવેમ્બર મહિનામાં કર્મચારીઓને વધુ પગાર મળ્યો હતો. એથી તપાસ કરવામાં આવી ત્યારે જાણ થઈ હતી કે બે ભૂતપૂર્વ કર્મચારીઓનાં નામ હજી સુધી કાઢવામાં નહોતાં આવ્યાં.’

2011થી 2018 સુધી બે ભૂતપૂર્વ કર્મચારીઓનો પગાર બોરાડે પચાવી જતો હતો એમ જણાવીને સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન અલંકુરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોતાના પર શંકા ન જાય એ માટે પૂરા પ્લાનિંગ સાથે બોરાડે ફોટોશૉપના માધ્યમથી સહીની કૉપી કરીને બેરર ચેક બૅન્કમાં રજૂ કરતો હતો. જોકે તે વર્ષોથી કંપનીમાં નોકરી કરતો હોવાથી બૅન્ક પણ તેના બેરર ચેક પાસ કરતી હતી. સાત વર્ષમાં તેણે આ રીતે ૬૭ બેરર ચેક પાસ કરાવ્યા હતા. બોરાડેએ કરેલી છેતરપિંડીની જાણ થતાં ૨૦૧૮ની ૭ ડિસેમ્બરે કંપનીના ડિરેક્ટરે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : મુંબઈ: નૅશનલ પાર્કમાં પ્રાણીઓના શિકારનો મળ્યો પુરાવો

કાપડની કંપનીમાં થયેલી લાખોની છેતરપિંડીમાં ચીફ અકાઉન્ટન્ટ, હેડ અકાઉન્ટન્ટ અને અસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ પણ સંડોવાયેલા હોવાની પોલીસને શંકા છે. દરમ્યાન બોરાડેએ ચારકોપ પોલીસ-સ્ટેશનમાં કંપનીના માલિક વિરુદ્ધ અપમાન અને ભેદભાવ કરીને અત્યાચાર કર્યો હોવાની ફરિયાદ કરી હતી તેમ જ નીચલી અદાલત અને હાઈ કોર્ટમાં બોરાડેએ જામીનની અરજી કરી હતી. જોકે બન્ને કોર્ટે તેની જામીનની અરજી ફગાવી હતી.’

Crime News mumbai news