ડૉક્ટરોને સલામત રાખતી સ્માર્ટ કોવિડ ઓપીડી કૅબિન બનાવી ગુજરાતી વેપારીએ

01 May, 2020 03:41 PM IST  |  Mumbai Desk | shirish vaktania

ડૉક્ટરોને સલામત રાખતી સ્માર્ટ કોવિડ ઓપીડી કૅબિન બનાવી ગુજરાતી વેપારીએ

જતીન શાહ, બિઝનેસમૅન, કોરોનાના દરદીને તપાસવા માટે ઓપીડી કૅબિન.

વિલે પાર્લેમાં રહેતા ૩૮ વર્ષના બિઝનેસમૅન જતીન શાહે કોવિડ-19નું ટેસ્ટિંગ કરનાર ડૉક્ટરો માટે સ્માર્ટ કોવિડ ઓપીડી કૅબિન તૈયાર કરી છે. આ કૅબિનમાં ડૉક્ટર કોઈ પણ પ્રકારના માસ્ક કે પીપીઈ કિટ્સ વિના સંપૂર્ણ સૅનિટાઇઝ સિસ્ટમથી ટેસ્ટ કરી શકે છે. દેશની પ્રથમ કોવિડ ઓપીડી કૅબિન જોગેશ્વરી-ઈસ્ટની બાળાસાહેબ ઠાકરે ટ્રૉમા કૅર સેન્ટર હૉસ્પિટલમાં તૈયાર કરવામાં આવી છે. આ કૅબિનમાં ડૉક્ટર દરરોજ ૧૦૦ કરતાં વધુ પેશન્ટનું ટેસ્ટિંગ કરી શકે છે. 

હાલમાં મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકની રાજ્ય સરકાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવાસ કરનાર લોકોના ટેસ્ટિંગ માટે આ કૅબિનનો ઉપયોગ કરે છે. જતીન શાહ તરફથી સરકાર અને હૉસ્પિટલને એ કૅબિન મફત પૂરી પાડવામાં આવી રહી છે.
પીપીઈ કિટ અને માસ્ક સાથે ડૉક્ટરોને ટેસ્ટિંગ કરવામાં પડતી તકલીફ જોઈને મેં આ કૅબિન તૈયાર કરવાનો નિર્ણય કર્યો એમ કહેતાં જતીન શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૮X૪ની આ કૅબિનમાં બે હવાચુસ્ત હિસ્સા છે, જેમાંનો એક ડૉક્ટર માટે અને બીજો પેશન્ટ માટે છે. ડિજિટલ થર્મોમીટર, ફીવર-ગન અને ટેસ્ટિંગ માટેનાં અન્ય ઉપકરણો આ કૅબિનમાં ઉપલબ્ધ છે. બન્ને કૅબિન વચ્ચેના પાર્ટિશનમાં હાથ-મોજાં પણ બેસાડવામાં આવ્યાં છે. માઇક અને સ્પીકરની મદદથી બન્ને કૅબિનમાં બેઠેલી વ્યક્તિ વચ્ચે સંવાદ સાધી શકાય છે. કૅબિનમાં ૨૦ લિટરની ક્ષમતાનું સૅનિટાઇઝિંગ મશીન છે જે પેશન્ટ કૅબિનમાંથી નીકળ્યાની એક જ મિનિટમાં આખી કૅબિનને સૅનિટાઇઝ કરી આપે છે. આ કૅબિનમાં એક દિવસમાં ૪૦૦ પેશન્ટની ટેસ્ટ કરી શકાય છે.’
હાલ જતીન શાહે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક સરકારને કુલ ૪૦ મશીન ડોનેટ કર્યાં છે.

shirish vaktania mumbai mumbai news coronavirus covid19