અમેરિકામાં ગુજરાતી યુવાનનું કાર-અકસ્માતમાં મોત

22 July, 2019 11:19 AM IST  |  મુંબઈ | જયદીપ ગણાત્રા

અમેરિકામાં ગુજરાતી યુવાનનું કાર-અકસ્માતમાં મોત

અમેરિકાના વૉશિંગ્ટન ડીસી વિસ્તારમાં રહેતા ગુજરાતી યુવાનનું શનિવારે સાંજે અજ્ઞાત વાહને અડફેટે લેતાં કાર-અકસ્માતમાં મૃત્યુ થયું હોવાની માહિતી મળી હતી. ૧૭ વર્ષ પહેલાં અમેરિકામાં સ્થાયી થયેલા યુવાને છ મહિના પહેલાં જ ચેમ્બુરમાં રહેતાં તેનાં માતા-પિતાને અમેરિકા રહેવા માટે બોલાવ્યાં હતાં. શનિ અને રવિવારની રજા હોવાને કારણે આખો પરિવાર ગેટ-ટુ-ગેધર માટે ભેગો થયો હતો. સાંજે ૬ વાગ્યે પોતાની કારમાં ઘરથી થોડે દૂર શાક લેવા ગયેલા યુવાનને કાળ ભરખી ગયો હતો.

વૉશિંગ્ટન ડીસી શહેરના વર્જિનિયામાં આવેલા રિયો ગ્રાન્ડે વેમાં રહેતા અને ખાનગી કંપનીમાં કમ્પ્યુટર સોફ્ટવેરનું કામ કરતા ૩૬ વર્ષના રાજીવ ઠક્કરની કારને અજ્ઞાત વાહનચાલકે અડફેટે લેતાં મૃત્યુ થયું હતું. રાજીવનાં ૧૧ વર્ષ પહેલાં વડાલામાં રહેતાં વીરલ કથીરિયા સાથે લગ્ન થયાં હતાં. તેમને ૭ અને ૪ વર્ષની બે દીકરી પણ છે. ૨૪ વર્ષ પહેલાં ૧૯૯૫માં અમેરિકામાં સ્થાયી થયેલા રાજીવના મોટા ભાઈ પરાગે ૨૦૦૨માં તેનાથી નાના ભાઈ રાજીવને અને થોડાં વર્ષ બાદ તેના સૌથી નાના ભાઈ આનંદને અમેરિકા બોલાવી લીધા હતા. વર્ષોથી ચેમ્બુરની આનંદમંગલ હૉસ્પિટલ નજીકના વિસ્તારમાં રહેતાં તેમનાં માતા નિર્મળાબહેન અને પિતા મધુસૂદનભાઈને પણ છ મહિના પહેલાં અમેરિકા બોલાવી લીધાં હતાં.

રાજીવના મુંબઈ-ઘાટકોપરમાં રહેતા પિતરાઈ ભાઈ અરુણભાઈએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમેરિકામાં મોટા ભાગના ફેમિલી શોપિંગ કરવા માટે નીકળી જતા હોય છે. રાજીવ પણ દર શનિ-રવિવારે શોપિંગ કરવા જતો હતો, પણ હાલમાં જ મમ્મી-પપ્પા અમેરિકા આવ્યાં હોવાથી શનિ-રવિવારના દિવસો તેમની સાથે જ સમય ગાળવાનું રાજીવ અને તેના બંને ભાઈ રાખતા હતા. આ જ માટે બધા ભેગા થયા હતા. શનિવારે સાંજે છ વાગ્યે રાજીવ શાક લેવા જતો હતો ત્યારે માર્ગમાં કોઈ વાહને તેની કારને અડફેટે લીધો હોવાના અને તેનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાના સમાચાર મળતાં અમને ઘણો આઘાત લાગ્યો હતો. આખો પરિવાર શોકમાં હોવાને કારણે વધુ કોઈ વાત કરવાના હોંશમાં નહોતું, એટલે ખરેખર શું બન્યું તેની કોઈ વધુ વિગત મળી શકી નહોતી.’

શનિવારે સાંજે વર્જિનિયામાં રહેતા રાજીવ ઠક્કરને અકસ્માત નડતાં ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. અમેરિકામાં શનિ-રવિવારે રજા હોવાને કારણે રાજીવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ શક્યું નહોતું, એવું અરુણભાઈએ વધુમાં જણાવ્યું હતું.

mumbai united states of america