લગ્ન લેવા માટે લોન લો... આ કલ્ચર વધી રહ્યું છે

07 February, 2020 09:00 AM IST  |  Mumbai

લગ્ન લેવા માટે લોન લો... આ કલ્ચર વધી રહ્યું છે

લગ્ન માટે લોન લેનાર વ્યક્તિઓમાં મહિલાઓની આગેવાની હેઠળ વધારો થઈ રહ્યો હોવાનું તારણ ૭૫ લાખ ગ્રાહકોના આધારે હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં બહાર આવ્યું છે. આ સર્વે અનુસાર દેશમાં સૌથી મોટી લગ્ન માટેની લોનની માગવૃદ્ધિ નવી દિલ્હી, બૅન્ગલોર અને મુંબઈ જેવાં મહાનગરોમાં જોવા મળી છે. આ અહેવાલ ઑનલાઇન લોન અને ક્રેડિટ કાર્ડની અરજી સ્વીકારતી ઇન્ડિયાલૅન્ડ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

૨૦૧૮ની સરખામણીમાં ૨૦૧૯માં મહાનગરોમાં વેડિંગ લોન ઍપ્લિકેશનમાં ૪૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો; જેમાં ટોચનાં ત્રણ મહાનગરો નવી દિલ્હી, મુંબઈ અને બૅન્ગલોરથી સૌથી વધુ ઍપ્લિકેશન મળી હતી. જ્યારે બીજા ટિયરનાં શહેરોમાં ૧૮ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી; જેમાં લખનઉ, વિઝાગ અને ઇન્દોર જેવાં શહેરોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.

મહાનગરોમાં મુંબઈમાં લગ્ન માટેની લોનની અરજીમાં ૫૧ ટકા, નવી દિલ્હીમાં ૯૮ ટકા, બૅન્ગલોરમાં ૪૪ ટકા, ચેન્નઈમાં ૧૭ ટકા અને કલકત્તામાં ૬૭ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી; તો સામે હૈદરાબાદમાં ૧૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નાનાં શહેરોમાં અમદાવાદમાં ૧૪ ટકા, જયપુરમાં ૧૮ ટકા, લખનઉમાં ૩૯ ટકા, ઇન્દોર ૨૮ ટકા અને વિઝાગમાં ૩૯ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, તો ચંડીગઢમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ઇન્ડિયાલૅન્ડ્સના ડેટા મુજબ ઋણધારકો જ્વેલરી, લગ્નનાં સ્થળ, કેટરિંગ જેવી લગ્નની વ્યવસ્થા તથા મહેમાનો માટેની ગોઠવણ જેવી લગ્ન સંબંધી જુદી-જુદી સુવિધાઓની ચુકવણી કરવા માટે ત્રણથી ચાર મહિના અગાઉ લોન માટે અરજી કરે છે. આ લોનની રેન્જ બે લાખથી ૩૦ લાખ રૂપિયાની હોય છે. અગાઉના વર્ષના ડેટા સાથે ૨૦૧૯-’૨૦ના ડેટાની સરખામણી કરીને ઇન્ડિયાલૅન્ડ્સે વેડિંગના ઉદ્દેશ માટે પર્સનલ લોનમાં ૩૦ ટકાની વૃદ્ધિ થઈ હોવાનું જણાવ્યું છે.

રસપ્રદ બાબત એ છે કે કુલ વેડિંગ લોન ઍપ્લિકેશનમાં જનરેશન-વાય કે મિલેનિયલ્સનો હિસ્સો ૮૪ ટકા છે. આ મિલેનિયલ્સ તેમની કારકિર્દી અને તેમની નાણાકીય જવાબદારીઓ અદા કરવા સ્વતંત્ર છે. વયજૂથ ૨૨થી ૩૫ વચ્ચેની આ પેઢી તેમનાં માતાપિતા પર નિર્ભર નથી અને તેમના પોતાના ખર્ચ માટે ફન્ડની વ્યવસ્થા કરી રહી છે. રિપોર્ટમાં કુલ વેડિંગ લોન ઍપ્લિકેશનમાં મહિલાઓ પાસેથી ૪૨ ટકા ઍપ્લિકેશન મળી હોવાની જાણકારી મળી હતી. આ સ્પષ્ટપણે જણાવે છે કે આજની પેઢીની મહિલાઓ નાણાકીય રીતે વધારે સ્વનિર્ભર છે, જેને પરિણામે તેમનાં માતાપિતાઓ તેમનાં લગ્નના ખર્ચની જવાબદારીથી મુક્ત થઈ રહ્યાં છે.

mumbai mumbai news