ગૅસ લીકેજ થયો, પણ ક્યાંથી?

08 June, 2020 08:33 AM IST  |  Mumbai Desk | Bakulesh Trivedi

ગૅસ લીકેજ થયો, પણ ક્યાંથી?

પ્રતીકાત્મક તસવીર

ફાયરબ્રિગેડ કન્ટ્રોલને શનિવારે મધરાત બાદ ૧૨.૪૩ વાગ્યે ચેમ્બુરમાંથી કૉલ મળ્યો હતો કે કોઈક જગ્યાએ ગૅસ લીકેજ થયો છે. આવી જ ફરિયાદ ઘાટકોપર, વિક્રોલી, પવઈ અને આસપાસના વિસ્તારોમાંથી આવવા માંડી હતી એમ મુંબઈ મહાનગરપાલિકાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટે જણાવ્યું હતું.
શરૂઆતમાં એવું કહેવાયું હતું કે ગોવંડીની ફાર્માસ્યુટિકલ યુએસ વિટામિન કંપનીમાંથી આ ગૅસ-ગળતર થયું છે, પણ ફાયરબ્રિગેડે એની તપાસ કરતાં ગૅસ-ગળતર ક્યાંથી થઈ રહ્યું છે એનું મૂળ મળ્યું નહોતું.
ફાયરબ્રિગેડે આ બાબતે ચેમ્બુરમાં જ આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ, મહાનગર ગૅસ લિમિટેડ, રાષ્ટ્રીય કેમિકલ ઍન્ડ ફર્ટિલાઇઝરને પણ જાણ કરી હતી. ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઑફિસર પ્રભાત રહાંગદળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે યુએસ વિટામિન કંપની અને એની આજુબાજુની કંપનીઓની તપાસ કરી હતી, પણ એ ગૅસ-ગળતર ક્યાંથી થયું એની અમને જાણ થઈ શકી નહોતી. એ ગંધ બહુ લાઇટ હતી અને ત્યાર બાદ ઊડી ગઈ હતી. ઘણી વખત ચોમાસાના દિવસોમાં કુદરતી રીતે વાતાવરણમાં આવું બનતું હોય છે પણ એ વિશે ચોક્કસ કાંઈ કહી ન શકાય. અમે તપાસ કરી હતી, પણ અમને એ ગૅસ ક્યાંથી નીકળે છે એની જાણ થઈ નહોતી.’
મુંબઈ મહાનગરપાલિકાએ આ બાબતે ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘પરિસ્થિતિ અંકુશ હેઠળ છે. એ ગંધ ક્યાંથી આવતી હતી એ શોધી કઢાશે. ફાયરબ્રિગેડના જરૂરી લાગે એ બધાં જ વાહનો ઘટનાસ્થળે મોકલાવાયાં હતાં. ફાયરબ્રિગેડના ૧૭ ફાયર અપ્લાયન્સીસ (વાહનો)ત્યાં પહોંચી ગયાં હતાં અને અનાઉન્સમેન્ટ કરી રહ્યાં હતાં અને જરૂર પડે તો પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર હતાં.
પાલિકાએ લોકોને પેનિક ન થવાનું સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. જો કોઈને એ ગંધથી ત્રાસ થતો હોય તો તેણે મોં પર ભીનો ટુવાલ બાંધવો અથવા ભીનો રૂમાલ માસ્ક તરીકે લગાવવો એવી સૂચનાઓ એ વિસ્તારના લોકોને મેગાફોનથી અપાઈ હતી. બીએમસીના ડિઝાસ્ટર મૅનેજમેન્ટને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આસિસ્ટન્ટ શિફ્ટ ઇન્ચાર્જ વિકાસ કાંબળેએ કહ્યું હતું કે ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ તેમને એ ગૅસ ક્યાંથી લીક થયો હતો એ જાણવા મળ્યું નહોતું. એ જ રીતે ડીશ-ડિરેક્ટોરેટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અૅન્ડ હેલ્થના ડિરેક્ટર રાઠોડે પણ તેમના રિપોર્ટમાં કહ્યું છે કે યુએસ વિટામીન કંપનીની તપાસ કરાઈ હતી, પણ ગૅસ લીકનું મૂળ સ્થાન જાણવા મળ્યું નહોતું.

mumbai news mumbai ghatkopar vikhroli powai