જુગારી જોરુ - ૪૦ દિવસમાં ૧૮ લાખ રૂપિયા હારી ને પછી...

05 January, 2020 08:16 AM IST  |  Mumbai Desk | rashmin shah

જુગારી જોરુ - ૪૦ દિવસમાં ૧૮ લાખ રૂપિયા હારી ને પછી...

શ્રાવણમાં શુકનનો જુગાર રમવાનો શોખ આદત બની જતાં રાજકોટની પટેલ પુત્રવધૂ એકતા ભીમાણી પતિની જાણ બહાર લાખો રૂપિયા હારી ગઈ અને પછી ફિલ્મને પણ ટક્કર મારે એવી ઘટનાઓની હારમાળા ઊભી થઈ લત લાગે અને એ પણ ગુજરાતમાં એ ધારી ન શકાય, પણ રાજકોટમાં બનેલી એક ઘટના આ માની ન શકાય એવી વાતને પણ માનવા અને સ્વીકારવા મજબૂર કરે છે. રાજકોટના ન્યુ મેઘાણીનગરમાં રહેતી ૨૮ વર્ષની એકતા ભીમાણીને જુગારની એવી તે લત લાગી કે તે છેલ્લા ૪૦ દિવસમાં જુગારમાં ૧૮ લાખ રૂપિયા હારી ગઈ. હારેલી આ રકમ ચૂકવવા માટે એકતાએ ચોરીછૂપી ઘરની તિજોરીમાંથી દાગીના કાઢી લઈને એક પ્રાઇવેટ બૅન્કમાં ગીરવી મૂકીને જે પાંચ લાખ રૂપિયા આવ્યા એ ચૂકવી દીધા, પણ એ પછી પણ ૧૩ લાખ રૂપિયા ચૂકવવાના બાકી રહેતાં તે હવે શું ચોરવું એની તજવીજમાં લાગી ગઈ હતી. જોકે એ નવું કોઈ પગલું ભરે એ પહેલાં જ પતિ અંકિત સાથે નાની વાતે ઝઘડો થતાં પોતાના પિયર અમદાવાદ ચાલી ગઈ. અંકિત બે વખત મનાવવા ગયો, પણ એકતા આવવા રાજી ન થઈ. હકીકત એ હતી કે રાજકોટમાં તેની પાસે જુગારમાં હારેલી રકમ ચૂકવવાનું દબાણ થઈ રહ્યું હતું. 

જીતેલી રકમ મળતી ન હોવાથી રાજકોટમાં ચાલતી પ્રાઇવેટ જુગાર ક્લબની માલિક અલકા મેણુએ તેના પતિ ઇમરાનને વાત કરતાં ઇમરાન તેના સાથીઓને લઈને અંકિતના ઘરે પહોંચ્યો એટલે આખી વાત અંકિતની સામે આવી ગઈ. રાજકોટના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર એચ. એલ. રાઠોડે કહ્યું હતું કે ‘અંક‌િતની કરિયાણાની દુકાન છે. તેને ખબર પડી એટલે એકતાને તેણે પૂછ્યું, પણ એકતાએ ગલ્લાંતલ્લાં કરીને વાત ટાળી દીધી હતી, પણ અઠવાડિયા પછી ઘરની તિજોરીમાંથી દાગીના ન મળતાં અંકિતને
શક ગયો.’
એ દરમ્યાન અલકાના પતિ ઇમરાનનો ત્રાસ પણ ઉઘરાણી માટે વધવા માંડતાં અંકિતે પોલીસ-ફરિયાદ નોંધાવતાં રાજકોટ પોલીસ ગઈ કાલે અમદાવાદના એકતાના ઘરે ગઈ એટલે એકતાએ બધું કબૂલી લીધું. જોકે આ કબૂલાતમાં નવી વાત એ જાણવા મળી કે એકતાનાં કાકીસાસુ શ્રાવણના શુકનવંતા જુગાર રમવા પોતાની બહેનપણીઓ સાથે જતાં ત્યારે એકતા પણ તેમની સાથે જતી. એ સમયે એકતાને રમતાં આવડતું નહોતું, પણ કાકીસાસુએ થોડું શીખવ્યું અને એ પછી એકતાનાં નસીબ કામ કરતાં એકતા મહિના દરમ્યાન પાંચેક હજાર રૂપિયા કમાઈ લેતી અને આ ૫૦૦૦ રૂપિયાની મફતની કમાણીએ તેના શોખને આદતમાં ફેરવવાનું કામ એટલી હદે કર્યું કે ભલભલાની આંખમાં અચરજ અંજાઈ જાય. એકતાએ કબૂલાત કરી કે મારી સાથે જુગારની ક્લબમાં રાજકોટના અનેક જાણીતા લોકોની વાઇફ, મમ્મી કે બહેનો પણ જુગાર રમવા આવતી.
રાજકોટ પોલીસે એકતાની સાથોસાથ જુગાર રમાડવાનું કામ કરતી અલકા અને અંકિત ભીમાણીને ધમકી આપનારા ઇમરાન ઉપરાંત ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે.

rajkot mumbai Crime News